લંડન, બોસ્ટનઃ પ્રિન્સેસ ડાયનાના અંગત જીવનમાં ડોકિયું કરતાં અને તેની અસલામતી તેમજ લગ્નજીવનના ભંગાણની ખાનગી વાતોને ઉજાગર કરતાં ૩૩ પત્રો હરાજીમાં કદાચ ૧૨૫,૦૦૦ ડોલરની કમાણી કરાવી શકે છે. ડાયનાના વિશ્વાસુ કેરોલીન પ્રાઇડ બાર્થાલોમ્યુને આ પત્રો ૧૯૭૮થી ૧૯૯૭ વચ્ચે લખાયેલા દસ્તાવેજ જેવા આ પત્રોમાં ડાયનાનાં જીવનના જાન્યુઆરી ૧૯૮૦થી જાન્યુઆરી ૧૯૮૨ સુધીના વર્ષોની વિગતો છે. પત્રોની ઓનલાઇન હરાજી ૧૮ ઓગસ્ટે શરૂ થશે.
આ એ જ સમયગાળો છે જેમાં, પ્રિન્સ ચાર્લ્સ સાથે તેની સગાઇ, લગ્ન, પ્રથમ ગર્ભાવસ્થા અને લગ્નના પ્રારંભિક વર્ષોની વાતો છે. આ પત્રોમાં ડાયનાનાં લગ્ન સહિતના વિવિધ પાસાઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. પત્રમાં કેમિલા પાર્કરનો પણ આડકતરી રીતે ઉલ્લેખ કરાયો છે.
પત્રમાં ડાયનાએ પોતાના વજન અને અસલામતી, હતાશા અને અખબારોમાં આવતા તેમના વિશેના ગપગોળાની વાતો લખી છે. ‘મારું વજન ઘટીને ૯-૧૨ સ્ટોન થયું, શનિવારે તો ૩૨ને બદલે ૨૯ની સાઈઝના જીન્સ પહેરવાં પડેલાં આમ હું પોતાની જાતને ખૂબ વધારે સ્વાસ્થ્યપૂર્ણ મહેસુસ કરું છું’ એમ ડાયનાએ લખ્યું હતું. મુખ્ય ૩૩ પત્રોમાં હાથથી લખેલાં ૨૮ પત્રોમાં ૧૦૯ પાના છે, જેમાં ૨૬ પત્રમાં ડાયના એવી સહી કરી હતી. એકમાં માત્ર ડી અને એકમાં માત્ર મી એટલું જ લખેલું હતું.
ડાયના અને કેરોલીન માત્ર ૧૨ વર્ષના હતાં ત્યારે વેસ્ટ હીથ હાઇ સ્કૂલમાં મળ્યાં હતાં જ્યાં તેઓ એક જ ડોરમેટ્રીમાં રહેતાં હતાં. ત્યાર પછી સાત વર્ષે તેઓ ૬૦ કોલહર્ન કોર્ટમાં ફલેટમેટ બન્યાં હતાં. ડાયના અને કેરોલીન વચ્ચે એવા ગાઢ સંબંધ હતાં કે એકબીજાના સંતાનના ગોડમધર બનવાનું તેમણે વચન આપ્યું હતું.


