પ્રીતિ પટેલ દ્વારા વિદેશી ડોક્ટરો અને નર્સ માટે સૂચિત ‘NHS વિઝા’ યોજનાની જાહેરાત

યોજના હેઠળ સામાન્ય કરતાં અડધી વિઝા ફી અને માત્ર બે અઠવાડિયામાં અરજીનો નિકાલઃ ઓસ્ટ્રેલિયાની માફક પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ લાગૂ કરાશે

Wednesday 13th November 2019 02:05 EST
 
 

લંડનઃ ટોરી પાર્ટી દ્વારા હેલ્થ સર્વિસીસમાં ડોક્ટરો અને નર્સોની ખાલી રહેલી જગ્યાઓ ભરવા માટે વિદેશથી ડોક્ટરો અને નર્સની ભરતી કરી શકાય તે માટે ‘NHS વિઝા’ની યોજના ઘડી કાઢી હતી. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ડોક્ટરો અને નર્સ માટે સૂચિત ‘NHS વિઝા’ની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ વર્ક વિઝા માટે જે ફી વસૂલવામાં આવે છે તેનાથી અડધી ફી લેવાશે. તેમની અરજીઓ પરની પ્રક્રિયા પણ ફાસ્ટ ટ્રેક ધોરણે કરાશે. તેમણે ઉમેર્યું હતું કે તે બ્રિટનની સરહદોનું નિયંત્રણ કરશે.

પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ હેઠળ વિઝાની સંખ્યા પર નિયંત્રણ રાખવાની સાથે મહત્ત્વના વ્યવસાયોને તેમાં સામેલ કરી શકાશે. તેમણે ઉમેર્યું,‘આ પગલાં ઓસ્ટ્રેલિયન પદ્ધતિએ પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ માટેની અમારી યોજનાના ભાગરૂપ છે. જે સંખ્યા પર નિયંત્રણ રાખવાની સાથે નર્સ જેવા મહત્ત્વના પ્રોફેશન માટે ખૂલ્લી રહેશે’.

કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા વિઝા વિશેની વિગતો જાહેર કરાઈ હતી જે ટોરીના ચૂંટણીના મેનિફેસ્ટોમાં દર્શાવાશે. NHS વિઝા માટે અરજદારે ૪૬૪ પાઉન્ડની ફી ચૂકવવાની રહેશે, જે અન્ય વિઝા અરજદારો દ્વારા ચૂકવવામાં આવતી ૯૨૮ પાઉન્ડ કરતાં અડધી છે.

નવી સિસ્ટમ હેઠળ બે અઠવાડિયામાં ચોક્કસપણે તેમની અરજી પર નિર્ણય લેવાશે અને NHSમાં કામ કરવા આવતા અરજદારોને વધારાના પોઈન્ટ અપાશે. ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ તરીકે માઈગ્રન્ટ્સ પાસેથી આરોગ્ય સારવાર માટે ૪૦૦ પાઉન્ડ વસૂલવામાં આવે છે. NHS વિઝા માટે અરજી કરનારને આ રકમ તેમના પગાર મારફતે પરત ચૂકવાશે.

NHSમાં ૧૦,૦૦૦ ડોક્ટરો અને ૪૩,૦૦૦ નર્સની મળીને લગભગ ૧૦૦,૦૦૦ જગ્યા ખાલી છે. ઓપરેશન રદ થવાની સંખ્યામાં વધારા અને લોકમ ડોક્ટર્સ તથા એજન્સી નર્સને ચૂકવણીમાં વધારા માટે હેલ્થ સર્વિસ સ્ટાફની અછતને દોષ દેવામાં આવે છે.

એક અહેવાલ મુજબ કેટલીક હોસ્પિટલોએ આ કટોકટીને નિવારવા માટે ડોક્ટરોને શિફ્ટ દીઠ ૩,૫૦૦ પાઉન્ડ ચૂકવવાની ઓફર કરી હતી.

સાંસદોએ ગયા વર્ષે ચેતવણી આપી હતી કે NHS એ વિદેશથી વધુ સ્ટાફ લાવવો પડશે નહીંતર પરિસ્થિતિ ખૂબ ઝડપથી વણસી જશે.

વડા પ્રધાન બોરિસ જહોન્સન બ્રેક્ઝિટ પછી ઈમિગ્રેશન પર ‘નિયંત્રણ’ રાખવાની સાથે NHS માટે વિદેશી સ્ટાફની ભરતીને સરળ બનાવવા માગે છે. ડાઉનિંગ સ્ટ્રીટ બહાર બોલતાં તેમણે પહેલી વખત ચૂંટણી પ્રચારમાં ઈમિગ્રેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter