પ્રીતિ પટેલની વિદાયથી યુકે રાજકારણમાં બ્રિટિશ ભારતીયોની ભૂમિકા નબળી પડી

Tuesday 14th November 2017 10:48 EST
 
 

લંડનઃ થેરેસા મે કેબિનેટમાં જુલાઈ ૨૦૧૬માં સામેલ થયાં પછી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલની વિદાય સાથે બ્રિટિશ રાજકારણના ઉચ્ચાસને બેસનારા પ્રથમ બ્રિટિશ ભારતીય વ્યક્તિની ભૂમિકાનો અંત આવ્યો છે. પ્રીતિ પટેલનું રાજીનામું ખરેખર તો તેમની બરતરફી જ હતી પરંતુ કેબિનેટમાં તેમનો હોદ્દો ૧૫ મહિનાથી થોડા વધુ સમયનો જ હતો. પારિવારિક વેકેશન પર હોવા છતાં ઈઝરાયેલી નેતાઓ સાથે બિનસત્તાવાર- જેને પ્રીતિએ પોતાના અતિ ઉત્સાહ તરીકે ગણાવી છે- બેઠકો યોજવાના મુદ્દે રાજીનામા પછી થેરેસા કેબિનેટમાં ભારતીય મૂળના આલોક શર્મા, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ એન્ડ પ્લાનિંગ જ હવે રહે છે.

પ્રીતિ પટેલ અગાઉ વરિષ્ઠ મિનિસ્ટરનો હોદ્દો સંભાળનારા ભારતીય મૂળના સાંસદ કિથ વાઝ જ હતા, જેમણે ૧૯૯૯થી ૨૦૦૧ સુધી મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર યુરોપનો હોદ્દો સંભાળ્યો હતો. મિસ પટેલના રાજીનામાથી થેરેસા સરકારમાં બીજું સ્થાન ખાલી પડ્યું હતું. અગાઉ જાતીય સતામણીના આક્ષેપસર ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલને રાજીનામું આપ્યું છે.

યુકેના રાજકારણમાં બ્રિટિશ ભારતીયોની સામેલગીરીના ઈતિહાસમાં પ્રીતિ પટેલની કેબિનેટ મિનિસ્ટર તરીકે વરણી નોંધપાત્ર હતી. બ્રિટિશ પાર્લામેન્ટમાં કોમ્યુનિટીના સાંસદો દ્વારા ભારતીય સમુદાયના હિતોની રખવાળી કરવા વિશે બ્રિટન અને નવી દિલ્હીમાં તેના પ્રત્યાઘાતો મિશ્ર જ હતા.

રાજીનામાપત્રનો પ્રતિભાવ આપતાં થેરેસા મેએ પ્રીતિ પટેલને લખ્યું હતું, ‘પ્રથમ બ્રિટિશ ભારતીય કેબિનેટ મિનિસ્ટર બનવાનું ગૌરવ તમે યોગ્યપણે જ લો છો, જે નોંધપાત્ર સિદ્ધિ છે. ટ્રેઝરીના એક્સચેકર સેક્રેટરી અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ તરીકે તમારાં કાર્યના પગલે આ શક્ય બન્યું હતું.’

ઉદ્યોગપતિ સ્વરાજ પોલે જણાવ્યું હતું કે, ‘તેઓ દેશ માટે મોટી સંપત્તિ છે. મને ખાતરી છે કે તેઓ પુનઃ સક્રિય બનશે.’ હાઉસ ઓફ કોમન્સમાં હાલ ભારતીય મૂળના ૧૨ સાંસદ છે. ભારતીય કોમ્યુનિટીને પોતાની સાથે લાવવાની કન્ઝર્વેટિવ નેતા ડેવિડ કેમરનની રણનીતિમાં પ્રીતિ પટેલ એક હિસ્સો હતાં અને કેમરન ૨૦૧૦માં વડા પ્રધાન બન્યા ત્યારે મિસ પટેલને ‘ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન’નું પ્રતિકાત્મક ટાઈટલ પણ અપાયું હતું.

કોમ્યુનિટી અને ધાર્મિક પ્રસંગોએ સક્રિય રહેતાં તત્કાલીન સાંસદ પ્રીતિ પટેલે ભારતની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ભાજપને સત્તા હાંસલ થઈ તેના થોડા દિવસ અગાઉ જ મે ૧, ૨૦૧૪ના દિવસે હાઉસ ઓફ કોમન્સમાં રાજકીય રીતે નોંધપાત્ર ગણી શકાય તેવા ‘ગુજરાત ડે’ની યજમાની સંભાળી હતી. નવેમ્બર ૨૦૧૫માં મોદીની લંડન મુલાકાત દરમિયાન પણ પ્રીતિ પટેલ આગળ પડતા રહ્યાં હતાં.

બ્રેક્ઝિટ છાવણીમાં અગ્રેસર પ્રીતિ પટેલ હવે સરકારની બહાર છે ત્યારે સંભવતઃ માર્ચ ૨૦૧૯માં બ્રિટન યુરોપિયન યુનિયન છોડશે તે મુદ્દે બ્રસેલ્સમાં ચાલતી મુશ્કેલ વાટાઘાટોના સંદર્ભે મે સરકાર પર દબાણ વધારે તેવી ધારણા છે.

વેસ્ટમિન્સ્ટરની કુંજગલીઓમાં તો એવી અટકળોએ વેગ પકડ્યો છે કે મિનિસ્ટરપદેથી રાજીનામું આપી હસતાં મુખે ડાઉનિંગ સ્ટ્રીટની બહાર નીકળેલાં પ્રીતિ પટેલ સરકારમાં હતા તેનાથી વધુ તો કેબિનેટની બહાર છે ત્યારે તેમની સાથે કામ પાર પાડવું વડા પ્રધાન માટે વધુ મુશ્કેલ બની રહેશે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter