પ્રીતિ પટેલે રોશડેલ ગ્રૂમિંગ ગેન્ગના રાક્ષસોને દેશપાર કરવા ખાતરી આપી

Wednesday 14th April 2021 06:02 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૧૩ વર્ષ જેટલી સંખ્યાબંધ નાની બાળાઓનું જાતીય શોષણ કરનારા રોશડેલ ગ્રૂમિંગ ગેન્ગના રાક્ષસોને દેશપાર કરવા ખાતરી આપી છે. યૌનશૌષણખોરોને સજા કરાયાને ૬ વર્ષ વીત્યા પછી પણ અપરાધીઓ હજુ યુકેમાં જ છે. દરમિયાન, રોશડેલ ગેન્ગના જાતીય શોષણખોરો આદિલ ખાન અને ક્વારી અબ્દુલ રઉફે હોમ ઓફિસ દ્વારા બ્રિટનમાંથી હાંકી ન કઢાય તે માટે કોર્ટમાં વધુ એક અપીલ કરી છે જેના પર. ઈમિગ્રેશન જજ દ્વારા જૂનમાં સુનાવણી કરાશે.

મિસ પટેલની દરખાસ્તો હેઠળ વધુ કડક ઈમિગ્રેશન કાયદાઓથી વર્ષો સુધી લંબાતી અને ખર્ચાળ કાનૂની લડાઈઓમાં ખેંચાયા વિના જ વિદેશી અપરાધીઓની હકાલપટ્ટી કરવાનું શક્ય બનશે. સજા કરાયેલા અને દેશપારીનો સામનો કરી રહેલા અપરાધીઓએ તેમનો કેસ માત્ર એક વખતમાં જ રજૂ કરવાનો રહેશે અને સંજોગો બદલી ગયા હોવાનું પૂરવાર કરવું પડશે.આ દરખાસ્તો હેઠળ ૨૦૧૨માં ૬ વર્ષ માટે જેલમાં નખાયેલા ક્વારી અબ્દુલ રઉફ જેવા અપરાધીને દેશનિકાલ કરી શકાશે. રોશડેલ ગેન્ગના એક સભ્યે તો ટ્રાયલ દરમિયાન જ પોતાની પાકિસ્તાની નાગરિકતા છોડી હોવાનું કહેવાય છે. સજા કરાયેલા કેટલાક અપરાધીઓ ૨૦૧૫માં ડિપોર્ટેશન આદેશો અપાયા છતાં, હજુ યુકેમાં અને ખાસ કરીને રોશડેલ અને ઓલ્ધામ વિસ્તારોમાં રહે છે.

રઉફ અને ખાનની બ્રિટનમાં રહેવા કોર્ટમાં અપીલ

રોશડેલ ગેન્ગના બાળ યૌનશોષણખોરો આદિલ ખાન અને ક્વારી અબ્દુલ રઉફે હોમ ઓફિસ દ્વારા બ્રિટનમાંથી હાંકી ન કઢાય તે માટે કોર્ટમાં વધુ એક અપીલ કરી છે. ઈમિગ્રેશન જજ દ્વારા જૂનમાં આ અપીલની સુનાવણી કરાશે. ખાન અને રઉફને છ વર્ષ અગાઉ તેમની બ્રિટનમાંથી હકાલપટ્ટી કરાશે તેમ જણાવાયું હતું.

થોડા સમય અગાઉ ૫૧ વર્ષનો રઉફ સુપરમાર્કેટમાં ખરીદી કરવા ગયો હોવાનું દર્શાવતી તસવીરો જાહેર થઈ હતી. રોશડેલ ગ્રૂમિંગ ગેન્ગનો શિકાર અને હાલમાં ૨૮ વર્ષની યુવતીએ કહ્યું હતું કે રઉફને શહેરમાં ખરીદી કરતી તસવીરોમાં નિહાળવો કલંક સમાન છે. કોઈ પણ દિવસે અપરાધીઓ તેની સામે ભટકાઈ જવાનું જોખમ છે.

ગ્રેટર માન્ચેસ્ટરના રોશડેલમાં સંખ્યાબંધ ટીનેજર્સનું યૌનશોષણ કરતી ૯ સભ્યોની ટીમના આદિલ ખાન અને ક્વારી અબ્દુલ રઉફને ૨૦૧૨માં સજા કરાઈ હતી. તેમને ૨૦૧૫માં કહેવાયું હતું કે તેમની પાસે પાકિસ્તાન અને બ્રિટનની બેવડી નાગરિકતા હોવાથી તેમના બ્રિટિશ પાસપોર્ટ રદ કરી પાકિસ્તાન પરત મોકલી દેવાશે. ખાન અને રઉફે ૨૦૧૮માં અપીલ કરી હતી પરંતુ, તેઓ હારી ગયા હતા. આ પછી, તેઓ નોર્થ વેસ્ટમાં જ રહેતા હતા. એક સૂત્રના જણાવ્યા મુજબ સુન્ની મુસ્લિમ ધર્મોપદેશક રઉફે તેની હકાલપટ્ટી ન કરાયા બાબતે આશ્ચર્ય વ્યક્ત કરી તેને દેશપાર કરાશે નહિ તેમ પણ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter