પ્રેસ્ટન પૂ. ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથા

ભાગવત ગ્રંથ એ સનાતન ધર્મનો પ્રકાશ પૂંજ છે, જ્યોતિકલશ છે

- કોકિલા પટેલ Wednesday 27th August 2025 06:12 EDT
 
 

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ પર સૂર્યનારાયણ પણ નારાયણના આઠમા અવતાર શ્રીકૃષ્ણની કથા સાંભળવા તેજપૂંજથી પ્રકાશી રહ્યા છે એવા આહલાદક વાતાવરણમાં તા. ૨૩ ઓગષ્ટ, શનિવારે વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઇ ઓઝા (પૂ. ભાઇશ્રી)ની શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ થયો. ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટનના ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ અને મંદિર પ્રાણપ્રતિષ્ઠા પાટોત્સવની ઉજવણી પ્રસંગે તા. ૨૩ ઓગષ્ટથી ૨૯ ઓગષ્ટ દરમિયાન પૂ. ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સાપુતારા વિસ્તારની આદિવાસી કન્યાઓના શિક્ષણ અને રહેવા માટે હોસ્ટેલ નિર્માણના લાભાર્થે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
શનિવારે બપોરે પ્રેસ્ટન નગરમાં ઢોલ-મંજીરા સાથે વાજતે ગાજતે પોથીયાત્રા નીકળ્યા પછી ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટનના ભવ્ય મંદિરના હોલમાં ભાઇશ્રીએ દેવદેવીઓ સમક્ષ પોથીજીનું પુષ્પથી પૂજન કર્યું હતું. ત્યારબાદ યજમાન સુરેશભાઇ દુર્લભભાઇ પટેલ પરિવાર સહિત ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટન (GHS)ના પ્રેસિડેન્ટ દશરથભાઇ નાયી, વાઇસ પ્રેસિડેન્ટ ઈશ્વરભાઇ ટેલર અને સેક્રેટરી આશિતભાઇ જરીવાલા, ગુજરાત સમાચારના તંત્રીશ્રી સી.બી. પટેલ, સુરેન્દ્રભાઇ પટેલ, દ્વારિકાથી પધારેલા પૂ. સ્વામીશ્રી કેશવાનંદજી, છગનભાઇ ડાભી, સંસ્કૃતિ ફાઉન્ડેશનના ચેરમેન ભૂપેન્દ્રભાઇ કણસાગરાએ પોથીપૂજન કર્યા બાદ વ્યાસપીઠ પર બિરાજમાન પૂ. ભાઇશ્રીનું પુષ્પમાલાથી અભિવાદન કર્યું હતું.
ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના પ્રેસિડેન્ટ દશરથભાઇ નાયીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, “પૂ. ભાઇશ્રી પ્રેસ્ટનના આંગણે છઠ્ઠીવાર પધાર્યા છે. ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપનાના ૫૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે અમે પૂ. ભાઇશ્રી પાસે કથા માંગવા ગયા હતા એ વખતે અમે પૂ. ભાઇશ્રીને કહ્યું હતું કે કથાના લાભાર્થે સંસ્થાને કંઇ જોઇતું નથી પણ કથામાં જે કંઇ ભંડોળ આવશે એ અમે તમે કહેશો એ સદકાર્યમાં વાપરીશું. પૂ. ભાઇશ્રીએ શિવરાત્રીએ કથા માટે મંજૂરી દર્શાવી હતી. સંસ્કૃતિ ફાઉન્ડેશનના ચેરમેન ભૂપેન્દ્રભાઇ કણસાગરાના માર્ગદર્શન હેઠળ અમે સંસ્થાના હોલમાં જ કથાનું સુંદર આયોજન કરી શક્યા છીએ. ૧૯૮૩માં પૂ. ભાઇશ્રી પહેલીવાર પ્રેસ્ટન પધારેલા. એ પછી ૧૯૮૫માં મંદિરના કારપાર્કમાં બીજી કથા કરેલી.
પૂ. ભાઇશ્રી પોરબંદરમાં સાંદિપની વિદ્યાનિકેતન ચલાવે છે જેમાં યુવાનોને સંસ્કૃતના શુધ્ધ ઉચ્ચારો શીખવવામાં આવે છે. એ ઉપરાંત ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આદિવાસી કન્યાઓના શિક્ષણ માટે પૂ. ભાઇશ્રીએ ૧૦૦૦ રૂમોની ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવાનું અભિયાન આદર્યું છે. અત્યારે ૫૦૦ રૂમો તૈયાર થઇ છે અને હજુ ૫૦૦ રૂમોનું નિર્માણ કાર્ય બાકી છે.
ગુજરાત સમાચાર-Asian Voiceના તંત્રીશ્રી સી.બી. પટેલ ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનને ઇંગ્લેન્ડના નકશા ઉપર લોકપ્રિય બનાવ્યું એ બદલ તેમનો સહૃદય આભાર.
સી.બી. પટેલે એમના વક્તવ્યમાં સૌ પ્રથમ પૂ. ભાઇશ્રીનું પુષ્પમાલાથી અભિવાદન કરતાં જણાવ્યું કે ઇંગ્લેન્ડના બધા મંદિરોમાં સાચું વૃંદાવન પ્રેસ્ટન છે, મારું મૂળ વતન ભાદરણ પણ બ્રિટનનું મારું વતન પ્રેસ્ટન છે. ૧૯૭૬માં હું પહેલીવાર પ્રેસ્ટન આવ્યો ત્યારે એક નાની સ્કૂલમાં મંદિર હતું. એ વખતે સોમાભાઇ, ગોવિંદભાઇ હતા. એ પછી છોટાભાઇ લિમ્બાચીયા આવ્યા. એમનું નામ છોટા પણ કામ બહુ મોટા. એ પછી ઇશ્વરભાઇ ટેલર, દશરથભાઇ નાયી જેવા સમર્પિત કાર્યકરો મળ્યા. હિસાબ-અહેવાલમાં પ્રેસ્ટનની આ સંસ્થા તદન ચોખ્ખી અને સાધન સંપન્ન. એમની સંકલ્પ શક્તિ ગજબની... પ્રેસ્ટનના સંકલ્પ કદી નિષ્ફળ ગયા નથી. ૧૯૮૮માં ભારતમાં પાણીની તકલીફ બહુ હતી ત્યારે પૂ. મોરારીબાપુની રામકથાનું આયોજન કર્યું હતું. એ વખતે 1.17 લાખ પાઉન્ડ ભેગા કર્યા હતા. નોર્થ-વેસ્ટ હિન્દુ કાઉન્સિલ પણ ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિ સંવર્ધનમાં ખૂબ સક્રિય છે. ડાંગ જિલ્લાની આદિવાસી કન્યાઓના લાભાર્થે સાપુતારામાં હોસ્ટેલ નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો તમારો સંકલ્પ છે એ જરૂર પૂર્ણ થશે જ.
GHSના સેક્રેટરી આશિતભાઇ જરીવાલાએ પૂ. ભાઇશ્રીનું પુષ્પમાલાથી અભિવાદન કર્યા બાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. વાઇસ પ્રેસિડેન્ટ ઈશ્વરભાઇ ટેલરે પૂ. ભાઇશ્રીને પુષ્પમાલા અર્પણ કરીને સંસ્થાના ૫૦ વર્ષ નિમિત્તે આકર્ષક, દળદાર સુવેનિયરનું પૂ. ભાઇશ્રીના હસ્તે લોકાર્પણ કરતાં જણાવ્યું કે આ પુસ્તકનો સદઉપયોગ થાય એ માટે 2 પાઉન્ડની કિંમત રાખવામાં આવી છે. પુસ્તકનું આકર્ષક મુખપૃષ્ઠ તૈયાર કરનાર ગ્રાફિક ડિઝાનર સમિતનો આભાર વ્યક્ત કર્યો. સાથે રસોઇ અને રોજ નિજ મંદિરમાં ૫૦ વર્ષથી તાજા ફૂલના હાર બનાવવાનું કામ કરનાર ભાનુબેન માળી અને જાગૃતિબેનનું પૂ. ભાઇશ્રી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. પરદેશમાં આજે કેટલાક બ્રાહ્મણો સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરે છે એ બરોબર નથી હોતું. પૂ. ભાઇશ્રીના સાંદિપની વિદ્યાનિકેતનમાં સંસ્કૃતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શ્લોકોનું ઉચ્ચારણ કરે છે એ સાંભળી આપણને આનંદ થાય. કન્યાઓ માટેની છાત્રાલયની પૂ. ભાઇશ્રીની પરિકલ્પના છે એ સૌથી શ્રેષ્ઠ છે. એ માટે તેઓશ્રી પૈસા માંગે એ યોગ્ય નથી. એનો યશ-લાભ આપણી આ સંસ્થાએ લેવાનો છે. પૂ. ભાઇશ્રીને ભારત સહિત બ્રિટનના દરેક શહેરો-નગરો સાથે અમેરિકા, આફ્રિકાના મંદિરો અને સંસ્થાઓ સાથે સંબંધ છે એમ ગુજરાતના દ્વારકા સનાતન સેવા મંડળના સ્વામી કેશવાનંદજી સાથે ગાઢ સંબંધ છે. સ્વામી કેશવાનંદજીએ જણાવ્યું કે, પૂ. ભાઇશ્રી જ્યારથી સનાતન ધર્મની ધ્વજા લઇને વિશ્વમાં ફરતા થયા છે ત્યારથી અનેકોના જનક બની ગયા છે. સાંદિપની હરિધામ આજે કલ્પવૃક્ષ બની ગયું છે. આ આયોજન કથા, સત્સંગ માટે છે પરંતુ સારો ઉપક્રમ જોડાઇ ગયો છે. શ્રીકૃષ્ણને અર્જુન પૂછે છે - સંન્યાસ યોગ ઉત્તમ કે કર્મયોગ? શ્રીકૃષ્ણ કહે છે સંન્યાસ યોગ શ્રેષ્ઠ છે પણ સમાજ કલ્યાણ માટે ઉપયોગમાં આવતાં કર્મયોગ વધારે ફળદાયી છે.
સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુકેના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઇ કણસાગરાએ જણાવ્યું કે, ૨૫ વર્ષ પછી તેઓ પ્રેસ્ટન આવ્યા. પ્રેસ્ટન ગુજરાત હિન્દુ સોસાયટીના ટ્રસ્ટી મંડળની ટીમ અને સ્વયંસેવકોની મહેનત અને કર્મઠતાની અને એમની સંકલ્પશક્તિની સરાહના કરી.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના શુભારંભે સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટીઓ અને મહાનુભાવોના વક્તવ્ય બાદ પૂ. ભાઇશ્રી સાથે ભારતથી પધારેલા સંગીતસાધકો દ્વારા શ્રી હરિકિર્તનથી શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ થયો. પૂ. ભાઇશ્રીએ વર્તમાનકાળમાં પૃથ્વી પર પ્રવર્તી રહેલ કુદરતી આફતો, ઘટનાક્રમોના અનુસંધાનમાં જણાવ્યું કે, આપણી સોલર સિસ્ટમના જે પ્લેનેટ છે એ દરેક સૂર્ય ફરતે પોતાની ધરી પર ફરે છે, એમ આપણી પૃથ્વી પણ ધરી ઉપર ફરે છે એ પ્રમાણે રાતદિવસ થાય છે. ૨૪ કલાકમાં પૃથ્વી સૂર્ય ફરતે એક ચક્કર લગાવે છે. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં એની પ્રદક્ષિણા મુજબ ઋતુઓ અને રાતદિવસના સમયમાં ફેરફાર થયા કરે. પરંતુ અત્યારે પૃથ્વી ઉપર અનેક કુદરતી આફતો, ઘટનાઓ બની રહી છે એમાં વાંક કોનો?! એમાં આપણે માનવીઓ જવાબદાર છીએ. અત્યારે ઋતુ ચક્ર બદલાઇ ગયું છે. અત્યારે યુરોપ અમેરિકા અને ઓસ્ટ્રેલિઆના જંગલો ભીષણ આગમાં ભસ્મ થઇ રહ્યાં છે. ભારતમાં ઉત્તરાખંડ સહિત રાજસ્થાન, ગુજરાત, મુંબઇ સમગ્ર ભારતમાં વરૂણ દેવતા ગુસ્સે થઇને "લ્યો ત્યારે ઠાલવ્યું" કહી વાદળ ફાટે એમ અનરાધાર વરસી રહ્યા છે. વિયેટનામને ભયાનક ચક્રવાતે ઘમરોળી નાખ્યું છે. પૃથ્વી ઉપર સર્વત્ર હાહાકાર વર્તાઇ રહ્યો છે એનું કારણ આપણે માનવજાત પોતે જ છીએ. માણસના દેહમાંથી કોઇ લોહી ચૂસી લે તો શું થાય! એમ પૃથ્વીને આપણે ચૂસી લઇએ છીએ. પૃથ્વીમાં સમાયેલ ઓઇલ, પાણી, ખનિજ આપણે ચૂસી રહ્યા છીએ. સૂર્યમાંથી પૃથ્વીનો ઉદભવ થયો અને એના ઉપર જીવન પાંગર્યું. એનું કારણ સૂર્ય છે. જે દિવસે સૂર્ય ઠંડો પડશે એ દિવસે સાડા આઠ કલાકમાં જ પૃથ્વી ઠંડી પડશે, અંધકાર છવાશે અને જીવન સમાપ્ત થશે. આપણા વેદોમાં સૂર્યને જગતનો તાત અથવા આત્મા કહ્યો છે. ઉગતા સૂર્યને આપણે અર્ધ્ય આપવું જોઇએ.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ સૂર્યના સ્વરૂપ છે. સૂર્યનારાયણ દેવ છે એમ ચંદ્રમા પ્રત્યક્ષ દેવ છે. આપણા આરોગ્યદાયક સૂર્યનારાયણને ઓમ શ્રી સૂર્યદેવાય નમ: મંત્ર સાથે નમન કરવા જોઇએ. સૂર્યનો તડકો બરોબર ના મળે એનામાં વિટામીન-ડીની ઉણપ રહે છે, એવા લોકોને વિટામીન-ડીની ગોળીઓ લેવી પડે છે.
• સૂર્ય આરોગ્યદાતા છે, એ ઊર્જા સ્રોત છે. • આપણે જેની સામે બેઠા છીએ એ ભાગવત પોથી પુરાણ રૂપી સૂર્ય છે. એને વધાવો, એને ભક્તિનું જળ ચઢાવો. • સૂર્યથી જેમ બધા ગ્રહો પ્રકાશે છે એમ બધા ગ્રંથો પ્રકાશે છે. ભાગવત ગ્રંથ એ સનાતન ધર્મનો પ્રકાશ પૂંજ છે, જ્યોતિકલશ છે. • આપણા જીવનમાં અજવાળું કરે એ આપણો ગુરૂ છે એ અર્થમાં આ ગ્રંથ ગુરૂ છે. • ભાષા, ભૂષા, ભાવ અને આપણું ભોજન એ આપણો વૈભવ. • ભાગવતને આધ્યાત્મ દીવો પણ કહ્યો છે. • ભાગવતનો અર્થ સમજાવતા પૂ. ભાઇશ્રીએ કહ્યું કે, ભાગવતનો ‘ભા’ એટલે ભાસ્કર-પ્રકાશ, ‘ગ’ એટલે જ્ઞાન, ‘વ’ એટલે વૈરાગ્ય, ‘ત’ એટલે ત્યાગ. ત્યાગ એટલે મમત્વ મારું છેનો ત્યાગ, ત્યાગ અનિવાર્ય છે.

ભાગવત સપ્તાહ દરમિયાન સાપુતારામાં આદિવાસી કન્યાઓ માટે હોસ્ટેલના લાભાર્થે દાન આપનાર દાતાઓ
હિન્દુ કાઉન્સિલ નોર્થ યુકે - 20,000 પાઉન્ડ
દીપકભાઇ દુર્લભભાઇ પટેલ - 20,000 પાઉન્ડ
સુરેશભાઇ દુર્લભભાઇ પટેલ - 20,000 પાઉન્ડ
ઇશ્વરભાઇ દુર્લભભાઇ ટેલર - 4000 પાઉન્ડ
સુરેન્દ્રભાઇ પટેલ (લંડન) - 4000 પાઉન્ડ
ભાનુબેન રતિલાલ માળી - 4000 પાઉન્ડ
નીરૂબેન હરિકિશનભાઇ દરજી - 4000 પાઉન્ડ
જયંતિભાઇ મગનભાઇ પટેલ - 4000 પાઉન્ડ
નેહા શાહ અને આશિષ ગોર - 8000 પાઉન્ડ
ઇશ્વરભાઇ તથા મધુબેન દેસાઇ - 4000 પાઉન્ડ
ભીખુભાઇ પરસોત્તમભાઇ પટેલ - 4000 પાઉન્ડ
યશવંતભાઇ શુકલ - 4000 પાઉન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter