પ્રેસ્ટનના પનોતા પુત્રને ગૌરવભરી વિદાય

Tuesday 04th January 2022 14:41 EST
 
ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટનને લાંબા સમય સુધી સેવા આપનારા સ્વ. છોટાલાલ મગનલાલ લીંબાચીયાને પ્રેસ્ટનમાં અંતિમ વિદાય અપાઈ હતી. 
 

૪૦થી વધુ વર્ષ સુધી ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટનને વિવિધ પ્રકારે સેવા આપનારા સ્વ. છોટાલાલ મગનલાલ લીંબાચીયાને પ્રેસ્ટનમાં અંતિમ વિદાય અપાઈ હતી. ચાર વર્ષથી નાદુરસ્ત હોવાના કારણે તેઓ ક્રોલીમાં તેમના દિકરી શિલ્પાબેન અને જમાઈ દિલીપભાઈના નિવાસસ્થાને રહેતા હતા. તેઓ કાયમ પ્રેસ્ટનને યાદ કરતા રહેતા હતા. તેથી પરિવારજનોએ તેમની અંતિમ વિદાય પ્રેસ્ટનમાં તેમના નિવાસસ્થાનેથી કરવાનો નિર્ણય લીધો હતો.

તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર માટે ક્રોલીથી પ્રેસ્ટન લાવવામાં આવ્યો હતો. તેમને ૨૪ ડિસેમ્બરે તેમના પ્રેસ્ટનના ઘરેથી જ વિદાય આપવામાં આવી હતી. અંતિમયાત્રા શરૂ કરીને શબવાહિનીને મંદિરના આગળના રોડ પર લાવવામાં આવી હતી. ત્યાં હાજર રહેલા ઘણાં હરિભક્તોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પીને ચરણોમાં સ્થાન આપવાની વિનંતી સાથે ભગવાન શ્રી રાધાકૃષ્ણને પ્રાર્થના કરવામાં આવી ત્યારે મંદિરના દ્વાર પણ ખોલવામાં આવ્યા હતા.

પ્રેસ્ટન લોંગરીજ રોડના સ્મશાનગૃહમાં બપોરે ૧૨.૧૫ કલાકે સદગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે પરિવારના સભ્યો, મિત્રમંડળ તેમજ સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સંસ્થા વતી તેમની સેવાને યાદ કરીને સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ ટેલર અને ઉપપ્રમુખ દશરથભાઈ નાયીએ ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. તદઉપરાંત, બળવંતભાઈ શર્મા તેમજ સ્વ. છોટાભાઈ લિંબાચીયાના દોહિત્ર પુનિતે સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પીને વિદાય આપી હતી.

છોટાભાઈના પાર્થિવ દેહની વિદાય પછી પણ પ્રેસ્ટન મંદિર અને કોમ્યુનિટી સેન્ટર તેમણે કરેલા સમાજસેવાના કાર્યોને દીર્ઘકાળ સુધી યાદ રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter