ફર્લો સ્કીમમાં ફ્રોડઃ ૬ મિલિયન વર્કરોએ ઘરમાં રહીને પણ ઓફિસનું કામ કર્યું

Thursday 27th August 2020 10:46 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીના લોકડાઉનમાં વર્કર્સ ઘેર રહીને ઓફિસનું કામકાજ કર્યા વિના જ ચોક્કસ વેતન મેળવી શકે તે માટે ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કરેલી ૩૦ બિલિયન પાઉન્ડની યોજનામાં વ્યાપક દુરુપયોગની ગેરરીતિઓ બહાર આવી છે. આ યોજનાનો ૯.૪ મિલિયન વર્કર્સે લાભ લીધો હતો. ઓક્સફર્ડ, કેમ્બ્રીજ અને ઝ્યુરિચ યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસના તારણો જણાવે છે કે ૬ મિલિયન અથવા ૬૩ ટકા ફર્લો વર્કરોએ ઘરમાં રહીને ઓફિસનું કામકાજ કરીને ફર્લો સ્કીમના નિયમોનો ભંગ અને દુરુપયોગ કર્યો હતો. રિપોર્ટ અનુસાર ઘણી કંપનીઓ દ્વારા કર્મચારીઓને આ રીતે કામ કરવાની ફરજ પડાઈ હતી. HMRCને ૮,૦૦૦ જેટલી માહિતી તેની ફ્રોડલાઈન પર મળી હતી જેની તપાસ કરાઈ રહી છે.

ચાન્સેલર રિશિ સુનાક દ્વારા ૩૦ બિલિયન પાઉન્ડની ફર્લો સ્કીમ જાહેર કરાઈ હતી જેમાં, ફર્લો પર રખાયેલા સ્ટાફને ૮૦ ટકા અથવા માસિક ૨૫૦૦ પાઉન્ડનું મહત્તમ વેતન સરકાર તરફથી અપાતું હતું. જોકે, તેના નિયમ અનુસાર કર્મચારીએ ઘેર રહીને ઓફિસનું કામકાજ કરવાનું ન હતું.  એપ્રિલ અને મે મહિના દરમિયાન ૯.૪ મિલિયન વર્કર્સે ફર્લો સ્કીમનો લાભ મેળવ્યો હતો. ઓક્સફર્ડ, કેમ્બ્રીજ અને ઝ્યુરિચ યુનિવર્સિટીઓ દ્વારા આ પ્રકારના અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસમાં જણાયું છે કે ફર્લો પરના ૬૩ ટકા વર્કરોએ નિયમોનો ભંગ કર્યો હતો અને તેમાંથી ત્રીજા ભાગનાને તેમના બોસીસ દ્વારા ઘેર રહીને કામ કરવાની ફરજ પડાઈ હતી. અભ્યાસમાં ૯,૦૦૦ લોકોને સાંકળી લેવાયા હતા જેના તારણો અનુસાર ફર્લો પરનો સ્ટાફ સપ્તાહમાં સરેરાશ ૧૫ કલાક કામ કરતો હતો. ઊંચી આવક સાથેના પુરુષો ફર્લો નિયમભંગ કરવામાં આગળ હતા.

રિપોર્ટમાં જણાવાયું છે કે ફર્લો પર હોવાના ગાળામાં કામ કરવા પર પ્રતિબંધ હતો જેની, ખાસ કરીને પુરુષો દ્વારા સામાન્યપણે અવગણના કરવામાં આવી હતી. આમાંથી ૪૪ ટકા પ્રમાણ કોમ્પ્યુટિંગ નોકરીઓમાં કામ કરનારાનું હતું. ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ક્ષેત્રમાં ફર્લો પરના ત્રીજા ભાગના કર્મચારીએ ઘરમાં રહીને કામ કર્યું હતું. ઘણા કર્મચારીઓએ ફર્લો દરમિયાન તેમની પાસે ફરજિયાત કામ કરાવાતું હોવાની ફરિયાદો સાથેના કોલ્સ વકીલો અને વ્હીસલબ્લોઅર સંગઠનોને કર્યા હતા. રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગ તેની ફ્રોડલાઈનને મળેલી ૮,૦૦૦ ટીપ-ઓફ્સની તપાસ કરી રહેલ છે જ્યારે શંકાસ્પદ ગણાયેલા ૩૦,૦૦૦ ક્લેઈમ્સને ફગાવી દેવાયા છે.

HMRCએ જણાવ્યું છે કે તે નિયમોનો ભંગ કરનારાની પાછળ પડશે પરંતુ, કેટલીક પેઢીઓ મહિનાઓ સુધી મફત કામ કરાવ્યા છતાં છૂટી જશે. રેવન્યુ વિભાગે જણાવ્યું હતું કે વધુપડતા ક્લેઈમ કરનારી શંકાસ્પદ કંપનીઓને દર સપ્તાહે આશરે ૩,૦૦૦ પત્ર મોકલાય છે અને અત્યાધુનિક કોમ્પ્યુટર સોફ્ટવેર  ફ્રોડના પુરાવા શોધવા ક્લેઈમ્સ અને ફાઈનાન્સિયલ ડેટાનું સ્કેનિંગ કરે છે. પોતાના ક્લેઈમ્સમાં સુધારો કરવા એમ્પ્લોયર્સ પાસે ૯૦ દિવસનો સમય છે. નિયમભંગ કરનારી ફર્મ્સે નાણા પરત ચૂકવવા ઉપરાંત, એટલી જ રકમ દંડ તરીકે ભરવી પડશે.

WhistleblowersUK દ્વારા જણાવાયું હતું કે તેમની પાસે બિલ્ડિંગ સાઈટ પર કામ કરતા ૧૫ વ્યક્તિના જૂથની ફરિયાદ હતી જેમને ફર્લો સ્કીમના અંતે નોકરી જોઈતી હોય તો તેમણે કામ કરવાનું ચાલુ રાખવું પડશે કહેવાયું હતું. એક IT વર્કરે દાવો કર્યો હતો કે જે લોકો કામ નહિ કરે તેમને પાછા ફરવા માટે કોઈ નોકરી રહેશે નહિ તેવા ધમકીભર્યા ઈમેઈલ સ્ટાફને મોકલાયા હતા. નિયમભંગની દલીલ સામે તેની કંપનીએ કહ્યું હતું કે ચિંતાની જરુર નથી, બધા આમ જ કરે છે અને પકડાવાનો કોઈ ડર નથી. ક્રોસલેન્ડ એમ્પ્લોયમેન્ટ સોલિસિટર્સના ડાયરેક્ટર બેવર્લી સંડરલેન્ડે કહ્યું હતું કે,‘કેટલાક લોકો કહે છે કે તેમના એમ્પ્લોયરે તેમને ૨૦ ટકા પગારકાપ આપ્યો છે પરંતુ, તેમણે કામ તો કરવાનું જ છે. એમ્પ્લોયર્સને તેમનો પગાર સરકાર દ્વારા ચૂકવાય છે પરંતુ, તેઓ બધુ કામ કરાવે છે.’

ફર્લો પરના કર્મચારીઓ માટે કામ પરના સંપૂર્ણ પ્રતિબંધનો જુલાઈના આરંભથી અંત આવ્યો છે. આના પરિણામે, એમ્પ્લોયર્સ સ્ટાફને ફરી નોકરી પર લઈ શકે છે અને તેમણે જે કલાકો કામ કર્યું ન હોય તેના માટે સબસિડીનો ક્લેઈમ કરી શકે છે.  ઓક્ટોબરથી ફર્લો સ્કીમ બંધ થવાની છે ત્યારે એમ્પ્લોયર્સે ઓગસ્ટ મહિનાના આરંભથી તેમનો ફાળો વધારવાની શરુઆત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter