ફાર્મસી માર્કેટમાં વિકલ્પો ઉપલબ્ધ કરાવતા અતુલ પટેલ

ગુણવત્તાયુક્ત, અસરકારક અને ઓછી કિંમતની દવા પૂરી પાડવાનો સેવાયજ્ઞ

Tuesday 30th May 2017 16:00 EDT
 
 

સફળતા મેળવવા માટે પરંપરાગત માર્ગ અપનાવવાને બદલે નવો ચીલો ચાતરનારા એક મહેનતુ અને સફળ ફાર્માસિસ્ટ અતુલ પટેલની આ વાત છે. તેમણે આગવી કોઠાસૂઝ અને કુશળતાનો સમન્વય સાધીને કોમ્યુનિટીને મદદરૂપ થવા માટે નવા અને કિંમતમાં પરવડે તેવા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ માર્કેટમાં રજૂ કર્યા છે.

૫૦ વર્ષીય અતુલ પટેલ લંડનની સેન્ટ જ્યોર્જ મેડિકલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે પોતાના નાણાં રોકીને આ કંપની શરૂ કરી હતી. તેઓ ચાર વ્યક્તિની ટીમથી કંપનીનું સંચલન કરે છે. આ ચારેય રિસર્ચ, ગ્રાફિક ડિઝાઈન, માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનના પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત છે. પટેલે જણાવ્યું હતું,‘ અમે નિયમિત મીટિંગ દ્વારા નવા આઈડિયાની ચર્ચા કરીએ છીએ, પ્રોડક્ટ્સ નક્કી કરીએ છીએ અને તે કાર્ય પૂરું કરવા માટેનો પ્લાન તૈયાર કરીએ છીએ.’

પૃષ્ઠભૂમિ અને અગાઉના સંભારણા

અતુલ પટેલનો જન્મ યુગાન્ડામાં વસતા ભારતીય પરિવારમાં થયો હતો. તેમણે જણાવ્યું,‘ યુગાન્ડાના પરાંગામાં મારા પેરન્ટ્સનો જનરલ સ્ટોર હતો. ઈદી અમીનની સરમુખત્યારશાહીને લીધે ‘૭૦ના દાયકાની શરૂઆતમાં મારા પેરન્ટ્સને સ્ટોર છોડીને નાસી છૂટવું પડ્યું હતું અને ઈંગ્લેન્ડમાં શરણ લેવું પડ્યું હતું.’ પટેલ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તે ગ્રેટ બ્રિટન આવ્યા હતા. તે સમયના સંઘર્ષને યાદ કરતા તેમણે જણાવ્યું હતું,‘ અંગ્રેજી ભાષા પર મારા પરિવારના સભ્યોનું ખૂબ ઓછું પ્રભુત્વ હતું. સ્થાનિક પ્રજાનો પ્રતિભાવ પણ આશ્રય મેળવવા માગતા લોકો પ્રત્યે આમ તો મિશ્ર પણ સામાન્ય રીતે તો પ્રતિકુળ જ અને વિરોધી હતો. મારા પેરન્ટ્સ કેરિયર જોબ માટે અરજી કરી શકે તેવી તેમની શૈક્ષણિક લાયકાત ન હતી. મને ચોક્કસ ખાતરી છે કે તે વખતના મોટાભાગના ઈસ્ટ આફ્રિકન માઈગ્રન્ટ્સનો આ એક સમાન અનુભવ હતો. પરંતુ, તેને લીધે પારિવારિક સંબંધો વધુ મજબૂત બન્યા, સખત મહેનત, શિક્ષણનો મહત્ત્વનો ખ્યાલ અને આપણી પોતાની કોમ્યુનિટી છે તેવી લાગણી પરસ્પર બળવત્તર બની. બિઝનેસમાં વહેલી ઉંમરે સંકળાવાથી મારામાં એક ઉદ્યોગ સાહસિક જેવો જુસ્સો જન્મ્યો. લંડનમાં મારો ઉછેર થયો અને મારી બાળપણની કેટલીક સુખદ સ્મૃતિઓ છે. હું માનું છું કે આ બધા પરિબળો પરિવર્તનમાં મદદરૂપ થયા અને ‘બધું જ શક્ય છે’ તેવું વલણ મારા માનસમાં પ્રગટ્યું અને તેનો વારસો હું મારા બાળકોને આપવા માગું છું.

સેન્ટ જ્યોર્જ મેડિકલનો ઉદ્ભવ

અતુલ પટેલે એક ફાર્મસી શરૂ કરી અને સમય જતાં તેમણે ગ્રાહકો પાસેથી તેમને પ્રિસ્ક્રાઈબ કરાયેલી પ્રોડક્ટ્સની માહિતી મેળવી. તેમની કાર્યપદ્ધતિ આ મુજબ છે.

હાલમાં પૂરી પાડવામાં આવતી સારવાર દ્વારા અને માર્કેટમાં જે પ્રોડક્ટ્સ મળતી ન હોય તે ઉપલબ્ધ કરવાનો મેં નિર્ણય કર્યો. મારો વિચાર મારા ગ્રાહકોને સારો અનુભવ કરાવવાનો અને તેઓ સ્વસ્થ જીવન જીવી શકે તેમાં કોઈક રીતે મદદરૂપ થવાનો હતો. પહેલી પ્રોડક્ટ ડ્રોપર બોટલમાં ઓલિવ ઓઈલની હતી. તેમાં અમને સારી સફળતા સાંપડી. તે પછી અમે E45ની સ્પર્ધામાં અમારું પોતાનું મોઈસ્ચરાઈઝીંગ ક્રીમ બનાવ્યું. ત્યાર પછી તો એક પછી એક ઘણી પ્રોડક્ટ્સ બનાવી. આ રીતે સેન્ટ જ્યોર્જ મેડિકલનો ઉદ્ભવ થયો. કોમ્યુનિટીને મદદરૂપ થવાની જરૂર સાથે તેમને કિંમતની દ્રષ્ટિએ પોષાય તેવા પ્રોડક્ટ્સના વિકલ્પો પૂરા પાડવાના ઉદ્દેશ સાથે આ કંપનીનો ઉદ્ભવ થયો હતો.

નામ પાછળની વાત

અતુલ પટેલે જણાવ્યું,‘ કંપની માટે મારે એવું નામ જોઈતું હતું જે કોમ્યુનિટીના લોકો જાણતા હોય અને તેની સાથે જ હું જે વાતાવરણમાં ઉછર્યો તેની પણ ઓળખ હોય. સેન્ટ જ્યોર્જ જાતે અંગ્રેજ ન હતા. પરંતુ, પોતાના મિશનમાં શ્રદ્ધા રાખીને કાર્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરીને ઘણાં સંઘર્ષોનો સામનો કરીને અંતે ઈંગ્લેન્ડના પેટ્રન સેન્ટ બન્યા હતા. તેમની વિચારધારા અને ગાથા મારી વાતને સુસંગત હતી. અમારી સેન્ટ જ્યોર્જ મેડિકલ લિમિટેડ માટે મેં તેમનું નામ રાખ્યું. અમારો મુખ્ય હેતુ મદદરૂપ થાય તેવી પ્રોડક્ટ્સ કોમ્યુનિટીને પૂરી પાડવાનો છે.

સ્પર્ધામાં કંપની કેવી રીતે પાર ઉતરશે ?

અતુલ પટેલે જણાવ્યું,‘ આમ તો તેવું થાય તો સારું જ છે. પરંતુ, મારું મુખ્ય ધ્યાન જ્યોર્જ મેડિકલ ‘વિજેતા’ બને તેના પર નહીં પણ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત, અસરકારક અને કિંમતમાં પોષાય તેવી હેલ્થ પ્રોડક્ટ્સ પૂરી પાડવા પર છે. મારા અન્ય સાહસો પણ છે જે મારા પરિવારને અને મને યોગ્ય જીવન સુરક્ષા આપવા માટે પૂરતા છે. કોમ્યુનિટીના લોકો સ્વસ્થ થાય તે માટે તેમને મદદરૂપ થવાની અને અસરકારક નીવડે તેવી સારવાર પૂરી પાડવાની મારી સંનિષ્ઠ ઈચ્છા છે.

પડકારો

કેટલાક પડકારો છે. વિદેશી માર્કેટ અને ઉત્પાદકો સાથેના દરેક બિઝનેસની માફક ફાયનાન્સ, એક્સપોર્ટ/ઈમ્પોર્ટ, અને પ્રોડક્ટ્સ માટે નિર્ધારિત નિયમોનું કડક પાલન. આ બધાને હું શીખવાની રીતે જ જોઉં છું. મેં ઘણી ભૂલો કરી છે. પરંતુ, મારા ઘણાં શુભચિંતકો પણ હતા. સેન્ટ જ્યોર્જ મેડિકલ શું હાંસલ કરવા માગે છે તેનો તેમને ખ્યાલ હતો. તેમણે મને નિષ્ણાત સલાહ આપી, માર્ગદર્શન પૂરું પાડ્યું અને કુશળ બનાવ્યો. આ બધું શારીરિક અને માનસિક પ્રતિબદ્ધતા માગી લે તેવી બાબત છે. જોકે, તેમાં મારા પરિવારે મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને મને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યુ છે.

ભવિષ્ય

અતુલ પટેલે ભવિષ્યની વાત માટે જણાવ્યું હતું,‘ હું હંમેશા જે કરતો આવ્યો છું તે જ કરવાનું મને ગમશે, એટલે કે કિંમતની દ્રષ્ટિએ વિકલ્પરૂપ નવી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ શોધતો જ રહીશ. આગામી પગલું વધુ લોકો સુધી પહોંચવાનું છે અને તેને માટે અમે અમારી ડિસ્ટ્રિબ્યુશનની ચેનલો વધારીશું. સંકટગ્રસ્ત અથવા ગરીબીગ્રસ્ત વિસ્તારોમાં મારી પ્રોડક્ટ્સ પહોંચાડવામાં હું મદદરૂપ થઈ શકું કે કેમ તે જાણવા માટે ચેરિટીઝ સાથે વાત કરવાની મારી યોજના છે. આ એક મહત્ત્વાકાંક્ષી પગલું છે અને તેનો અમલ થતાં સમય લાગશે, પરંતુ તે હાંસલ કરવાથી મને ખૂબ સંતોષ મળશે.

મારું લક્ષ્ય ગુણવત્તાયુક્ત, અસરકારક અને કિંમતમાં કિફાયતી હેલ્થ પ્રોડક્ટ્સ પૂરી પાડવાનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter