લંડનઃ ઈલ્ફર્ડમાં રહેતા અને સ્ટેપનીમાં ફાર્મસી ચલાવતા મૂળ ગુજરાતી શશીકાંતભાઈ પારેખનું કોરોના વાઈરસના કારણે ૮૩ વર્ષની વયે લેમ્બેથની સેન્ટ થોમસ હોસ્પિટલમાં અવસાન થયું છે. ફાર્મસીના ગ્રાહકો તેમને અંકલ તરીકે વધુ ઓળખતા હતા.
શશીકાંતભાઈ પારેખ ગત ૨૦ વર્ષથી પોતાના ફાર્માસિસ્ટ પુત્ર મયૂર સાથે વ્હાઈટહોર્સ લેનમાં મેડિકેમ ફાર્મસી ચલાવતા હતા. મયૂરે પિતા શશીકાંતભાઈને ‘મહાન શિક્ષક અને થોડું બોલનારા પરંતુ, ડાહ્યા અને મદદરુપ’ વ્યક્તિ તરીકે ગણાવ્યા હતા.
મૂળ ગુજરાતી શશીકાંતભાઈ ટાન્ઝાનિયાથી પરિવાર સાથે સ્થળાંતર કરી ૧૯૭૯માં બ્રિટન આવ્યા હતા અને ઈલ્ફર્ડમાં રહેતા હતા. તેમણે સ્પિટલફિલ્ડ્સમાં વેરહાઉસમાં કામ કર્યું હતું અને સમયાંતરે વર્ષ ૨૦૦૦માં સ્ટેપનીમાં ફાર્મસી ખરીદી હતી. તેમનો પરિવાર ચિગવેલમાં રહે છે.
વ્હાઈટચેપલસ્થિત સિટિઝન્સ યુકે કોમ્યુનિટી નેટવર્ક તરફથી તેમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરાઈ હતી. નેટવર્કના સ્થાપક નીલ જેમ્સને જણાવ્યું હતું કે,‘ તેઓ ૨૦ વર્ષથી આ ફાર્મસીના આધારસ્તંભ હતા. તેઓ ઓછું બોલતા પરંતુ, ડહાપણનો ખજાનો હતા. તેમને જાણનારા અમારા બધા માટે તેઓ ‘અંકલ’ હતા. આ કપરા કાળમાં તેઓ કોમ્યુનિટીના હીરો હતા જેઓ અમને સલામત રાખવા માટે મદદ કરી રહ્યા હતા.’