ફૂડ બેન્કનો ઉપયોગ વધી જશેઃ ઓક્સફર્ડનો સૌથી મોટો અભ્યાસ

Friday 30th June 2017 06:55 EDT
 
 

લંડનઃ યુકેમાં ફૂડ બેન્કના ઉપયોગ બાબતે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા સૌથી મોટો અભ્યાસ હાથ ધરાયો હતો. વેલ્ફેર બેનિફિટ્સમાં ઘટાડાના પરિણામે આગામી વર્ષોમાં ફૂડ બેન્કનો ઉપયોગ વધતો રહેશે તેવી ચેતવણી અભ્યાસમાં અપાઈ છે. ફૂડ બેન્કના મોટા ભાગના વપરાશકારો ગરીબ અને કચડાયેલા વર્ગના છે અને ખોરાકની ખરીદી અને બિલોની ચૂકવણી માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનું અભ્યાસના તારણો જણાવે છે.

અભ્યાસમાં ચેતવણી અપાઈ છે કે જીવનધોરણના ખર્ચા વધી રહ્યા છે ત્યારે સ્થગિત કરાતા બેનિફિટ્સ, વેલ્ફેર યોજનાઓમાં ફેરફાર તેમજ ડિસેબિલિટી પેમેન્ટ્સમાં કાપ સહિતના પગલાં આગામી વર્ષોમાં ફૂડ બેન્ક્સનો ઉપયોગ વધારી દેશે. ફૂડ બેન્કના મોટા ભાગના વપરાશકારો પૂરતું અન્ન ખરીદી શકતા નથી તેમજ ભાડું ભરવું, ઘરને ગરમ રાખવું, વસ્ત્રો અને ટોઈલેટ્રીઝની ખરીદી પણ મુશ્કેલ બની રહી છે, જેને ગંભીર આરોગ્ય સમસ્યા ગણી શકાય તેમ રિપોર્ટમાં જણાવાયું છે.

આ અભ્યાસ કરાવનાર ફૂડ બેન્ક નેટવર્ક ટ્રસેલ ટ્રસ્ટ યુકેમાં તેના ૪૨૦ ફૂડ બેન્ક સેન્ટરમાંથી ૧૩૯૦ ફૂડ બેન્કનું સંચાલન કરે છે. તેણે ૨૦૧૬-૧૭માં ક્લાયન્ટ્સને ૧.૨ મિલિયન ફૂડ પાર્સલ પૂરાં પાડ્યાં હતાં, જેમાંથી ૪૪૦,૦૦૦ પાર્સલ બાળકો સાથેના પરિવારોને ગયા હતા. યુકેમાં આ ટ્રસ્ટ સિવાય ૧,૦૦૦થી વધુ ફૂડ બેન્ક કાર્યરત છે.

અભ્યાસમાં જણાયું હતું કે દર છમાંથી એક પરિવાર ફૂડ બેન્કનો ઉપયોગ કરે છે, જેમાં કોઈ વ્યક્તિ કામ કરતી હોય છે. જોકે, મોટા ભાગના કેસમાં આ પાર્ટ-ટાઈમ અથવા અસલામત રોજગાર હતો, જેના કારણે જીવનનિર્વાહના ખર્ચનું આયોજન કરી શકતા નથી કે અણધાર્યા બિલ્સનો આઘાત સહન કરી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter