લંડનઃ ઓછાં કાર્બોહાઈડ્રેટ અને વધુ પ્રમાણમાં ચરબી ધરાવતા ડાયટ પ્લાનની વોચડોગ્સ દ્વારા ટીકા કરાઈ છે. ફ્રાય-અપ્સ અને પોર્ક સ્ક્રેચિંગ્સ જેવા ફેટ ડાયટ વજન ઘટાડવામાં, ટાઈપ-૨ ડાયાબિટીસ મટાડવામાં તથા શીઘ્રસ્ખલનમાં મદદરૂપ થતાં હોવાની એડવર્ટ્સ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ૫૭ વર્ષીય રેડિયો હોસ્ટ જોન ગોન્ટે દ્વારા પણ કાર્બોહાઈડ્રેટ્સને મર્યાદિત રાખતાં ડાયટને પ્રમોટ કરવામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે ડાયટ પ્લાનનો અમલ કરવાથી તેમના વજનમાં પાંચ સ્ટોનનો ઘટાડો થયો હતો.
જોકે, એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ ચૂકાદો આપ્યો હતો કે આ ડાયટથી પરિણામ મળવા બાબતે ગોન્ટ કોઈ સ્વતંત્ર પૂરાવો રજૂ કરી શક્યા ન હતા અને તેમની ભલામણ NHSની સલાહથી વિપરીત છે. ગોન્ટે વાર્ષિક ૯૯ પાઉન્ડના પ્લાનનું પ્રમોશન પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયામાં કર્યું હતું.
ઓથોરિટીએ ઉમેર્યું હતું, ‘ફેટ ડાયટ પ્લાનથી વેઈટલોસ થાય તેવો પૂરાવો અમે જોયો નથી તેથી અમારું તારણ એવું છે કે આ એડ્સ દ્વારા સંહિતાનો ભંગ કરાયો છે. આ એડ્સ જે પરિસ્થિતિ માટે મેડિકલ સુપરવિઝન જરૂરી હોય તેવી આવશ્યક સારવારને સમર્થન આપતી નથી. આ જાહેરાતો બટર અને મીટ જેવા હાઈ સેચ્યુરેટેડ ફેટ ધરાવતા આહારથી કોલેસ્ટ્રોલ ઉંચું જઈ શકે તેમજ હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધવાની NHSની સલાહ અવગણતી હોવાનું ઓથોરિટીએ સૂચવ્યું હતું.
સ્થૂળતા અથવા ટાઈપ–૨ ડાયાબિટીસ અને શીઘ્રસ્ખલન જેવા રોગો માટે મેડિકલ સુપરવિઝન જરૂરી છે અને તેમના ડાયટ પ્લાન દ્વારા તેની સારવાર થઈ શકે છે તેવો દાવો ન કરવા વોચડોગ દ્વારા ગોન્ટની કંપનીઓને જણાવાયું હતું.