લંડનઃ કાઉન્સિલ સંચાલિત ક્રિમેટોરિયમમાં પોતાના પિતાનું ફ્યુનરલ ૪૮ સેકંડ લાંબું ચાલતા તેમને ૨૦૦ પાઉન્ડનો દંડ કરાયો હોવાનું બે બહેનોએ જણાવ્યું હતું. તેમના પિતા ૮૭ વર્ષીય ટેરી જેમ્સના ફ્યુનરલ માટે ગ્રીમ્સબી ક્રિમેટોરિયમ દ્વારા તેમને ૪૦ મિનિટનો સમય ફાળવાયો હતો.
ફ્યુનરલ પૂરું થયા પછી તેમની પુત્રીઓ મેન્ડી પીની અને હેલી જેમ્સે થોડી ક્ષણો તેમના પિતા સાથે એકાંતમાં ગાળવા માટે પૂછયું હતું. પરંતુ, પાછળથી તેમને કહેવાયું હતું કે સર્વિસ પૂરી થયા પછી વધુ ૪૮ સેકંડ રહેવા માટે કાઉન્સિલ દ્વારા તેમના અંડરટેકરને ૨૦૦ પાઉન્ડનું બિલ અપાયું હતું. પીનીએ દુઃખના સમયમાં પણ નાણાં બનાવવાનો કાઉન્સિલ પર આક્ષેપ કર્યો હતો.

