ફ્રાન્સ સહિત ઈયુ દેશોમાં બ્રિટિશ ડ્રાઈવર્સ પર સ્પીડ દંડની તવાઈ

Wednesday 10th May 2017 06:45 EDT
 
 

લંડનઃ ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને ઈયુના ઓછામાં ઓછાં અન્ય ૧૨ દેશોમાં સ્પીડ કેમેરામાં ઝડપાયેલા યુકેના ડ્રાઈવર્સને તે દેશોની પોલીસ દ્વારા શોધી કાઢવાનું અભિયાન હાથ ધરાશે. બ્રિટિશ ડ્રાઈવર્સને આ દેશોમાં ૬૪૦ પાઉન્ડ જેટલો સ્પીડિંગ ફાઈન કરી શકાશે. જોકે, યુકેમાં વધુ ઝડપે વાહન હંકારવા માટે પકડાયેલા યુરોપિયનોની તલાશ બ્રિટિશ પોલીસ કરી શકશે નહિ. બ્રિટિશ પરિવારોના લાખો સભ્યો ઈયુમાં ઉનાળાની રજાઓ માણવાની તૈયારીમાં લાગ્યા છે ત્યારે આ નવો ઈયુ કાયદો આવ્યો છે.

નવો ઈયુ કાયદો સાત મેથી અમલી બન્યો છે, જે મુજબ ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને ઈયુના ઓછામાં ઓછાં અન્ય ૧૨ દેશોની પોલીસ સ્પીડ કેમેરામાં ઝડપાયેલા યુકેના ડ્રાઈવર્સની તલાશ કરી શકશે. જોકે, કાયદો એટલો ભેદભાવપૂર્ણ છે કે બ્રિટિશ પોલીસ બ્રિટનમાં પૂરઝડપે વાહન ચલાવતા ઝડપાયેલા યુરોપિયનોની શોધ તેમના દેશમાં કરી શકશે નહિ. ઈયુમાં ઉનાળાની રજાઓ માણવાની તૈયારીમાં લાગેલા બ્રિટિશ પરિવારોને આનાથી ભારે મુશ્કેલી પડવાની શક્યતા છે.

અગાઉ, બ્રિટિશરો યુરોપમાં રોડસાઈડે અટકાવાય અથવા ભાડૂતી કારમાં હોય જેમના માલિક પાસે ડ્રાઈવરની વિગતો હોય તેમને જ દંડ કરાતો હતો. પરંતુ, ઈયુ દેશો ટુંક સમયમાં જ યુકેની ડ્રાઈવર એન્ડ વ્હીકલ લાઈસન્સિંગ ઓથોરિટી પાસેથી બ્રિટિશ ડ્રાઈવર્સની માહિતી મેળવી શકશે. નિયમ હેઠળ પ્રતિ કલાક ૩૧ માઈલની ગતિમર્યાદાથી વધુ ઝડપે વાહન હંકારતા બ્રિટિશરો પાસેથી ૭૫૦ યુરો (૬૪૦ પાઉન્ડ) સુધીનો દંડ વસૂલી શકાશે. આ ઉપરાંત, રેડ લાઈટનો ભંગ, સીટબેલ્ટ ન પહેરવા સહિત સાત મોટરિંગ ગુનાઓ માટે પણ દંડ કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter