પેરિસઃ ફ્રાન્સ અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સહયોગમાં નવું ઐતિહાસિક સીમાચિહ્ન રચાયું હતું હતું જ્યારે બુસી-સેઈન્ટ જોર્જેસમાં નિર્માણાધીન પ્રથમ BAPS હિંદુ મંદિર માટે ભારતમાંથી પ્રથમ પથ્થરોનું આગમન થયું હતું. ફ્રાન્સમાં આ પ્રકારના પ્રથમ પરંપરાગત હિંદુ મંદિરનું નિર્માણ પ્રાચીન કારીગરી અને સહિયારા કૌશલ્ય થકી કરાશે. આ સમારોહ માત્ર પરંપરાગત કોતરેલા પથ્થરોની ડિલિવરી જ નહિ, પરંતુ સંસ્કૃતિઓ, મૂલ્યો અને જ્ઞાનના મિલનનું પ્રતીક હતું.
ભારતમાંથી મેળવાયેલા આ પથ્થરો સદીઓ પ્રાચીન સ્થાપત્યવારસાનું પ્રતિનિધિત્વ કરતી પરંપરાગત ટેકનિકો વડે તૈયાર કરાયા છે અને ભારતમાં પેઢીઓથી ચાલી આવતી પ્રાચીન પદ્ધતિઓને જાળવી રાખનારા કુશળ કારીગરો દ્વારા હાથથી કોતરણી કરાયેલા છે. ફ્રાન્સમાં ભારતીય કારીગરો નોટ્રે-ડામ કેથેડ્રલના પુનઃસ્થાપનમાં સામેલ ટીમના સભ્યો સહિત ફ્રેન્ચ પથ્થર-કોતરણીકારો સાથે કામ કરશે. આ મંદિર નિર્માણકાર્યમાં ભારતીય કોતરણી પરંપરા અને ફ્રાન્સના પ્રખ્યાત પથ્થર-કોતરણી કૌશલ્યનું સંયોજન થશે.
આ મંદિરનો વિકાસ માત્ર પૂજાસ્થળ તરીકે નહિ, પરંતુ સંસ્કૃતિ, શિક્ષણ અને સમુદાયની સંલગ્નતાને સમર્પિત વ્યાપક કલ્પનાદૃષ્ટિના ભાગરૂપે થઈ રહ્યો છે જે પરિપૂર્ણ થવા સાથે ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતાનું ચિરસ્થાયી પ્રતીક બનશે. ફ્રાન્સ માટે આ પ્રોજેક્ટના મહત્ત્વ તથા આંતરસાંસ્કૃતિક સમજને મજબૂત કરવાની ભૂમિકાને ધ્યાને રાખી સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ તેમજ સમુદાયના નેતાઓ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા
પેરિસ મંદિર નિર્માણ પ્રોજેક્ટના CEO અને BAPS UK & Europeના ટ્રસ્ટી સંજયભાઈ કારાએ જણાવ્યું હતું કે,‘ ભારતમાંથી પ્રથમ પથ્થરોનું આગમન એક ઐતિહાસિક માઇલસ્ટોન છે. દરેક પથ્થર વારસો, કાળજી અને ઇરાદો ધરાવે છે, જે ભારતીય પરંપરા અને ફ્રેન્ચ એન્જિનિઅરીંગના સહિયારા આદર અને સહયોગ દ્વારા મિલનનું પ્રતીક છે. મહંત સ્વામી મહારાજના સેવા, વિનમ્રતા અને સમન્વય પર ભાર મૂકતા મૂલ્યો અને કલ્પનાના માર્ગદર્શન હેઠળ, ભારતીય અને ફ્રેન્ચ કૌશલ્યના સહકાર સાથે આ પ્રોજેક્ટમાં ભાગ લેવું ગૌરવની વાત છે. આ મંદિર માત્ર ભક્તો માટે જ નહીં, પરંતુ સમગ્ર સમુદાય માટે સંસ્કૃતિ, શિક્ષણ અને સમન્વયનું સ્થળ બનશે.’
ભારતના ફ્રાન્સમાં રાજદૂતસંજીવ કુમાર સિંગલા પણ વિશેષ સભામાં ઉપસ્થિત હતા. તેમણે કહ્યું હતું કે, ‘આ મંદિર એક અનોખોસહયોગ દર્શાવે છે. ભારતમાં માસ્ટર કારીગરોએ પથ્થરોને કોતર્યા છે અને અહીં ફ્રાન્સમાં ફ્રેન્ચ પથ્થર-કોતરણીકારો દ્વારા તેમને જોડવામાં આવશે. આ બે મહાન પવિત્ર સ્થાપત્ય પરંપરાઓનું મિલન છે, જે ઉત્કૃષ્ટતા અને કારીગરી પ્રત્યેના સહિયારા ગર્વથી જોડાયેલું છે. આ ક્ષણ સંસ્કૃતિ, વારસો અને સાર્વત્રિક માનવ મૂલ્યોની ઉજવણી છે.’


