લંડનઃ ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના પ્રભાવશાળી પરફોર્મન્સ સાથે શાનદાર વિજયના સમાચારોને યુકેમાં વસતા ભારતીયોએ આનંદસહ વધાવી લીધા હતા. લંડનમાં ક્વીન્સબરી સ્ટેશન નજીકના પાર્કમાં સેંકડો સમર્થકો એકત્ર થયા હતા અને ભવ્ય સ્ટાઈલમાં વિજયની ઉજવણી કરી હતી.
હેરોના સાંસદ અને પદ્મશ્રી સાંસદ બોબ બ્લેકમેન પણ ઉજવણીમાં સામેલ થયા હતા અને કાર્યકરોને મીઠા સ્મિત સાથે અભિનંદન પાઠવ્યા હતા. બ્લેકમેનની વિશેષ ઉપસ્થિતિએ હાજર લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. સ્થાનિક પોલીસ ઓફિસરોએ પણ આનંદિત ઉજવણીને બિરદાવી હતી. બંગાળમાં ભાજપના ભવ્ય વિજય માટેનો ઉત્સાહ લંડનના આ પાર્કમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યો હતો. સમર્થકોએ ત્રિરંગો ધ્વજ અને ભાજપના ઝંડા લહેરાવ્યા હતા તેમજ ભારતમાતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. યુવાન અને વૃદ્ધ લોકો પરંપરાગત વસ્ત્રો સાથે ઢોલ-નગારાના તાલ પર નાચતા જણાયા હતા.
વિજયોત્સવમાં લડ્ડુ-જલેબીની મહેફિલ
ભાજપના આ વિજયોત્સવમાં મોટા પાયે મીઠાઈની મહેફિલ પણ જામી હતી. લડ્ડુ, જલેબી, સમોસા અને ફાફડા-ભજિયા સહિતની ડિશોની વ્યવસ્થા સમર્થકો દ્વારા કરવામાં આવી હતી. ઉત્સાહિત લોકો અને સમર્થકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. લોકોએ મોડી રાત સુધી ઉજવણી કરી હતી એટલું જ નહિ, ભોજન-નાસ્તા અને ડ્રિન્ક્સની સાથે કોલ્ડ ડ્રિન્ક્સનો પણ આનંદ લીધો હતો. સાંજ પડવા છતાં, ઉત્સાહ મંદ પડ્યો ન હતો. લાઈટ્સ અને સંગીતના તાલ સાથે મોડી રાત સુધી ઉજવણી ચાલુ જ રહી હતી. મોડી રાત્રે આ ઐતિહાસિક વિજયના સ્મરણો સાથે લોકો પાર્કમાંથી વિદાય થયા હતા.


