લંડનઃ વોરવિક ક્રાઉન કોર્ટે કોવેન્ટ્રીની ૫૮ વર્ષની ભારતવંશી મહિલા કમલેશ બસ્સીને બનાવટી ડોક્ટર બનીને વૃદ્ધોને સેવા આપવાના નામે મોટી ફી વસૂલવાના આરોપસર દોષિત ઠરાવી છે. પાંચ અલગ અલગ હેલ્થ પ્રોફેશનલના વેશમાં આ બનાવટી ડોક્ટરે ત્રણ વૃદ્ધોને પોતાના જ પ્રીસ્ક્રિપ્શન આપ્યાં હતાં. પીડિતોને આવશ્યક ન હોય તેવી દવાઓ પણ આપતી હતી. તેણે પ્રીસ્ક્રિપ્શન વિના વેચી નહિ શકાતી નેપ્રોક્ષેન દવા પણ આપી હતી. કમલેશ બસ્સીને ખોટી રજૂઆતથી છેતરપિંડીના સાત કાઉન્ટ તેમજ માત્ર પ્રીસ્ક્રિપન પર જ મળતી દવા પૂરી પાડવાના ત્રણ કાઉન્ટ માટે દોષિત ઠરાવાઈ હતી. તેને રીમાન્ડ પર સોંપાઈ હતી અને પાંચમી મેએ સજા સંભળાવવામાં આવશે.
વેસ્ટ મિડલેન્ડ્સના કોવેન્ટ્રીની કમલેશ બસ્સી પોતાને ડોક્ટર, નર્સ, ફીઝિયોથેરાપિસ્ટ, ઓસ્ટીઓપાથ અને ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ગણાવતી હતી. કમલેશ ઈરાદાપૂર્વક અસલામત અને નિર્બળ વૃદ્ધોને જ શિકાર બનાવતી અને ડોક્ટર તરીકે પોતાની સેવા લેવા ઉપરાંત, ઘરમાં સહાયક તરીકે અથવા તો મસાજ કરવા માટે રાખવા સમજાવતી હતી. તેણે પોતાની લાયકાત અંગે જુઠાણાં ફેલાવી લોકોના વિશ્વાસ સાથે ચેડાં કર્યાં હતા.
વેસ્ટ મિડલેન્ડની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના હન્નાન સિડાવે દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે બસ્સી પોતાની બનાવટી ઓળખ સાથે વૃદ્ધોના ઘેર પહોંચી જતી અને તેમની મેડિકલ હિસ્ટ્રી જાણ્યા વિના જ તેમને પીડામાંથી રાહત આપતી નેપ્રોક્ષેન આપી તેમના જીવન પર જોખમ ઊભું કરતી હતી. તેણે ત્રણ વૃદ્ધોને નેપ્રોક્ષેન દવા આપી હતી. બસ્સી તેમના માટે પોતાનું જ પ્રીસ્ક્રિપ્શન લખતી હતી.
સીપીએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બસ્સી નાણાકીય લાભ માટે સ્વાર્થી કૃત્યો આચરતી હતી. એ જાહેર પ્રજા માટે જોખમી બની ગઈ છે. ખાસ તો વૃદ્ધો માટે એનું હોવું ખૂબ જ જોખમી બની ગયું છે. હાલમાં બસ્સીને રિમાન્ડ માટે મોકલી અપાઈ હતી અને પાંચ મેના રોજ તેની સજા નક્કી કરાશે. (


