બળજબરીથી કરાતાં લગ્ન રોકવા ભારતીય ઉપખંડની ફ્લાઇટો પર ચાંપતી નજર

Wednesday 24th July 2019 03:18 EDT
 
 

લંડનઃ બેંગ્લુરુથી ભારતીય ફ્લાઇટ બુધવાર, ૧૭ જુલાઈએ હીથ્રો એરપોર્ટ પહોંચતા સાથે જ ટાસ્ક ફોર્સ વિમાનથી ઉતરેલા બેંગ્લુરુના એક પરિવારને પૂછપરછ કરવા માટે અલગ લઈ ગયા હતા. આ તમામ કવાયત બ્રિટનમાં થતાં બળજબરીપૂર્વકના લગ્નને રોકવા માટે હાથ ધરાઈ છે. ખરેખર બ્રિટનમાં ઉનાળું વેકેશન શરૂ થવા દરમિયાન આવા કેસમાં વધારો થઈ જાય છે. બ્રિટનમાં ૨૦૧૪થી બળજબરીથી કરાતા લગ્ન પર પ્રતિબંધ છે અને અપરાધીને મહત્તમ સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.

બ્રિટિશ સરકારે દેશના મુખ્ય એરપોર્ટના અરાઇવલ ગેટ પર ટાસ્ક ફોર્સની ગોઠવણી કરી છે, જેમાં પોલીસ, ઇમિગ્રેશન એજન્ટ અને સામાજિક કાર્યકરોને સામેલ કરાયા છે. ભારત, બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી કોઈ ફ્લાઇટ આવતા સાથે જ ફોર્સને એલર્ટ કરી દેવાય છે. હીથ્રો એરપોર્ટ પર તહેનાત ટીમના સભ્યોએ જણાવ્યું કે એક મહિલાના હાથ પર ઇજાનાં નિશાન હોવાથી બેંગ્લુરુથી આવેલા આ પરિવારને અટકાવાયો હતો.આ ઉપરાંત, પરિવાર સાથે આવેલી ૧૩ વર્ષની બાળકી ભયભીત દેખાતી હોવાથી ટીમને શંકા ગઈ હતી. પૂછપરછમાં જાણ થઈ કે તાજેતરમાં યુવતીની કેરળમાં સગાઈ થઈ હતી અને તેનો ભાવિ પતિ પણ તેમની સાથે બ્રિટન આવ્યો હતો. કોઈ પરિચિત દુર્ઘટનામાં મૃત્યુ પામતાં તેઓ ગભરાયેલા દેખાતા હતા.

ટીમમાં સામેલ ડિટેક્ટિવ સાર્જન્ટ કેટ બ્રિજરે યુવતીને જણાવ્યું કે બ્રિટનમાં બળજબરીથી લગ્ન કરવા ગેરકાયદે હોવાથી તેને પોતાના અધિકારોની જાણ હોવી જોઈએ. તેની મરજી વિરુદ્ધ આ લગ્ન થઈ રહ્યાં છે કે કેમ તે સવાલના ઉત્તરમાં યુવતીએ તેને આ વાતની જાણકારી હોવાનું કહ્યાં પછી સંતુષ્ટ ટીમે પરિવારને ત્યાંથી જવાની મંજૂરી આપી.

એક અથવા બંને સાથીની લગ્નમાં સંમતિ ન હોય ત્યારે કરાતાં લગ્ન કોઈ એક દેશ કે સંસ્કૃતિ સાથે સંકળાયેલો પ્રશ્ન નથી. FMUએ ૨૦૧૧થી એશિયા, મિડલ ઈસ્ટ, આફ્રિકા, યુરોપ અને નોર્થ અમેરિકા સહિત ૧૧૦થી વધુ દેશમાં કેસ હાથ ધર્યા છે. બ્રિટનમાં ૨૦૧૮માં બળજબરીથી લગ્નના ૧૭૬૪ કેસ નોંધાયા હતા, જે ૨૦૧૭ની સરખામણીએ ૪૭ ટકા વધુ હતા. બળજબરી લગ્ન એકમ (FMU) અનુસાર સૌથી વધુ ૭૬૯ કેસ પાકિસ્તાન સંબંધિત હતા. ભારતના ૧૧૦, બાંગ્લાદેશના ૧૫૭ અને સોમાલિયાના ૪૬ કેસ તેનાથી સંબંધિત હતા. FMU અનુસાર આશરે ૩૦ ટકા કેસ લંડનના ૩૨ બરોમાંથી ૧૩ બરોઝ સાથે સંકળાયેલા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter