બળજબરીના લગ્નમાંથી બચાવવા યુવતીઓ પાસેથી નાણા વસૂલાયા

Wednesday 09th January 2019 01:40 EST
 

લંડનઃ બળજબરીથી લગ્ન કરાવવા વિદેશ મોકલાયેલી યુવતીઓને બચાવવા તેમની પાસેથી સેંકડો પાઉન્ડનો ચાર્જ કરાયો હોવાનું બહાર આવ્યું છે. આ યુવતીઓએ વિમાનની ટિકિટ, ભોજન અને આશ્રય માટેની કિંમત આપવી પડી હતી. અથવા જો તેમની વય ૧૮ વર્ષની વધુ હોય તો યુકે ફોરેન ઓફિસ પાસેથી ઇમરજન્સી લોન લેવાની ફરજ પાડી હતી.

ધ ટાઈમ્સની અહેવાલ મુજબ બળજબરીથી લગ્ન કરાવવા વિદેશ મોકલાયેલી યુવતીઓને બચાવી યુકે પરત લાવવાનો ખર્ચ ચૂકવવા તેઓને ફરજ પડાઈ હતી. હોમ અને વિદેશી બાબતોની સિલેક્ટ કમિટીઓના વડા સહિત સાંસદોએ યુવતીઓને સ્વદેશ પરત લાવવા વસુલાતા ખર્ચની સિસ્ટમની આકરી ટીકા કરી છે.

ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે યુકે ફ્લાઈટમાં પરત લાવવા સહિત ખર્ચમાં જાહેર નાણા સંકળાયેલા હોય ત્યારે અસરગ્રસ્તોને પરત લાવવામાં વપરાયેલા નાણાં રીકવર કરવાની તેમની જવાબદારી છે. આ યુવતીઓ પાસેથી સ્ટાફ માટેનો ખર્ચ ચાર્જ કરાતો નથી. તેમજ તેમને પાછા લાવવામાં ડિપાર્ટમેન્ટને કોઈ પ્રોફિટ થતો નથી.

માહિતી સ્વાતંત્ર્ય કાયદા હેઠળ ધ ટાઈમ્સે મેળવેલા આંકડા મુજબ ફોરેન ઓફિસે ૨૦૧૭માં ૨૭ અને ૨૦૧૬માં ૫૫ પીડિતાઓને યુકે પાછાં આવવામાં મદદ કરી હતી. યુકે પરત આવવાનો ખર્ચ નહિ ચૂકવી શકનારી આઠ અસરગ્રસ્તોને ફોરેન ઓફિસે બે વર્ષમાં ૭૭૬૫ પાઉન્ડની લોન આપી હતી. જેમાંથી ૩,૦૦૦ પાઉન્ડ પરત ચૂકવી દેવાયા છે અને ૪૫૦૦ પાઉન્ડથી વધુ લેણાં બાકી છે. નિયમો અનુસાર છ મહિનામાં લોન પરત ન ચૂકવાયા તો ૧૦ ટકા સરચાર્જ લાદવામાં આવે છે.

૨૦૧૮માં પરિવારો દ્વારા સોમાલિયા મોકલી દેવાયેલી ચાર બ્રિટિશ યુવતીઓ પાસે દરેકના ૭૪૦ પાઉન્ડના હિસાબે ચાર્જ લગાવાયો હતો. આ યુવતીઓને સોમાલિયાના સુધારણાગૃહમાં કેદ કરવા ઉપરાંત તેમની સાથે શારીરિક શોષણનો દુર્વ્યવહાર કરાતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter