બળાત્કારના દોષિત ભારતીયની બ્રિટિશ નાગરિકતા રદ કરાઈ

Tuesday 01st January 2019 06:46 EST
 

લંડનઃ પોતાના પરિવારના જ પુરુષ બાળકના જાતીય શોષણ બદલ દોષિત ઠરાવાયેલા ભારતીય પુરુષની બ્રિટિશ નાગરિકતા રદ કરી દેવાતા હવે તેને ભારત દેશનિકાલ કરી દેવાશે. કાનૂની કારણોસર RSD તરીકે ઓળખાવાતો આ પુરુષ ૧૯૯૭માં ભારતથી યુકે આવ્યો હતો અને ૨૦૦૪માં તેને બ્રિટિશ નાગરિકત્વ અપાયું હતું. તે સાત વર્ષના બાળકને ફોસલાવવા અને બળાત્કારના ગુનામાં ૨૦૧૧માં દોષિત જણાયો હતો.

સન્ડે ટેલિગ્રાફ અખબારના અહેવાલ મુજબ યુકે કોર્ટ દ્વારા તેને ૧૪ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. તેણે ૨૦૦૩થી ૨૦૧૦ના ગાળામાં એક છોકરાને ફોસલાવી તેના પર બળાત્કાર કર્યાંનું બહાર આવતા તેને આજીવન સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં મૂકાયો હતો.

આ પ્રકારના પ્રથમ કિસ્સામાં યુકે હોમ સેક્રેટરીએ તેણે યુકેની નાગરિકતા માટે અરજી કરી ત્યારે તે બાળકનું જાતીય શોષણ કરતો હોવા વિશે જુઠ્ઠું બોલ્યાના મુદ્દે તેનું નાગરિકત્વ રદ કર્યું હતું. હોમ સેક્રેટરીના નિર્ણય સામે તેણે અપીલ કરી હતી પરંતુ, સીનિયર જજે આ મહિને તેનો પાસપોર્ટ રદ કરવાનો હોમ સેક્રેટરી સાજિદ જાવિદનો નિર્ણય માન્ય રાખ્યો હોવાથી તેને ભારત હદપાર કરાય તેવી શક્યતા છે. ઈમિગ્રેશન એન્ડ એસાઈલમ ચેમ્બરની અપર ટ્રિબ્યુનલના જજે ચુકાદામાં જણાવ્યું હતું કે અરજદારે ઈરાદાપૂર્વક હકીકતો છુપાવીને ૨૦૦૪માં નેચરાલાઈઝેશન હાંસલ કર્યું હતું.

હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘જો સેક્રેટરી ઓફ સ્ટેટને સંતોષ થાય કે જાહેર કલ્યાણ માટે તે યોગ્ય છે તેવા કિસ્સામાં કોઈ પણ બ્રિટિશ નાગરિકની નાગરિકતા રદ કરી શકાય છે. આ સત્તાનો ઉપયોગ અપવાદરુપ કેસમાં થાય છે.’ 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter