બળાત્કારી ચિન્મય પટેલને ૯ વર્ષની જેલ

Wednesday 30th June 2021 06:35 EDT
 
 

લંડનઃ ઉત્તર ઇંગ્લેન્ડના લીડ્ઝ શહેરના ગુજરાતી મૂળના ૩૪ વર્ષીય રહેવાસી ચિન્મય પટેલને લંડનની સધર્ક ક્રાઉન કોર્ટે ૨૪ જૂન, ગુરુવારે ૯ વર્ષની જેલની સજા ફટકારી છે. તેને ગયા મહિને બળાત્કારના બે કેસમાં દોષિત ઠેરવાયો હતો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવાયું હતું કે કાર્ડિગન રોડ, લીડ્ઝ શહેરનો રહેવાસી પટેલ Shaadi.com ડેટિંગ વેબસાઈટના માધ્યમથી વાતચીત થકી સંપર્કમાં આવેલી મહિલાને ૩ ફેબ્રુઆરી, ૨૦૧૭ના દિવસે મળ્યો હતો. તેમણે લંડનના બેઝવોટર એરિયાના બે બારની મુલાકાત લીધી હતી. આ મહિલાએ સ્પષ્ટ કર્યું હતું કે તે પ્રથમ ડેટમાં કોઈને કિસ કરતી નથી. આ પછી તેઓ સેન્ટ્રલ લંડનના વેસ્ટમિન્સ્ટર ખાતેના એક ફ્લેટમાં ગયાં હતાં. પટેલને સવારે સ્ટાનસ્ટેડ એરપોર્ટ પર કોઈને લેવા જવાનું હોવાથી તે રાત્રે ફ્લેટમાં સૂઈ જાય તે માટે મહિલાએ સંમતિ આપી હતી.

જોકે, મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા મુજબ ચિન્મય પટેલે વેસ્ટમિન્સ્ટરના ફ્લેટમાં બે વખત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ સપોર્ટ ગ્રૂપની મદદ લીધી હતી. માર્ચ ૨૦૧૭માં તપાસ શરુ કરાઈ હતી અને ૩૦ એપ્રિલ, ૨૦૧૭ના રોજ પટેલની ધરપકડ કરાઈ હતી. જોકે, તપાસ દરમિયાન તેને જામીન પર મુક્ત કરી દેવાયો હતો. તેની સામે ૨૯ જુલાઈ,૨૦૨૦ના દિવસે બળાત્કારની બે આરોપ લગાવાયા હતા. સધર્ક ક્રાઉન કોર્ટે ગયા મહિને ચિન્મય પટેલને બળાત્કારના બે કાઉન્ટમાં દોષિત ઠરાવ્યો હતો.

જાતીય સતામણીના કેસો લડતા મેટ્રોપોલિટન પોલીસ સેફાયર યુનિટના ડિટેકટીવ સાર્જન્ટ વિકી પિયર્સના જણાવ્યા અનુસાર પટેલની હરકતો હિંસક અને નિયંત્રણહીન હતી અને તેના કૃત્યોની અસર પીડિત મહિલા પર વર્ષો સુધી રહેશે.

પિયર્સે વધુમાં જણાવ્યું હતું કે મને આશા છે કે આ મહત્ત્વપૂર્ણ સજાને કારણે બળાત્કારના પીડિતોને આગળ આવવાની હિંમત મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter