લંડનઃ બળાત્કાર ગુજારીને પિતા બનેલા અને પાછળથી કોર્ટ કેસ દ્વારા સંતાનોનો કબજો મેળવતા લોકોને કેવી રીતે અટકાવવા તે વિશે કાર્યવાહી કરવાનું વડા પ્રધાન થેરેસા મેએ વચન આપ્યું હતું.
રોધરહામ ગ્રૂમીંગ કૌભાંડનો ભોગ બનેલી પીડિતા સેમી વુડહાઉસની થેરેસા મેએ પ્રશંસા કરી હતી. સેમી વુડહાઉસે પોતાની ઓળખ છૂપાવવાનું ટાળ્યું હતું. તેણે ‘ધ ટાઈમ્સ’ને જણાવ્યું હતું કે તેના પર બળાત્કાર ગુજારનાર અરશીદ હુસૈનને ભવિષ્યમાં તેના બાળકનો કબજો લેવા માટે લોકલ ઓથોરિટીએ સૂચન કર્યું હતું. ‘પ્રાઈમ મિનિસ્ટર્સ ક્વેશ્ચન’માં તે પબ્લિક ગેલેરીમાં હતી અને સ્પીકર જહોન બર્કોએ વુડહાઉસને ‘અત્યંત બહાદૂર અને હિંમતવાન મહિલા’ ગણાવતા સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી હતી.
હુસૈન ૩૫ વર્ષનો જેલવાસ ભોગવી રહ્યો છે. તે રોધરહામમાં સેમી વુડહાઉસ સહિત નાની વયની છોકરીઓ સામે વિવિધ ગુના આચરવામાં ૨૦૧૬માં ગુનેગાર ઠરેલી ગેંગનો રીંગલીડર હતો. હુસૈને તેની પર દુષ્કર્મ આચર્યું અને તેને ગર્ભવતી બનાવી ત્યારે તે ૧૫ વર્ષની હતી. ગયા વર્ષે તેના બાળકની કેર પ્રોસિડિંગ્સની વાત આવી ત્યારે રોધરહામ કાઉન્સિલે હુસૈનને કેસમાં કાનૂની રજૂઆત કરવાની તક ઝડપી લેવા સૂચન કર્યું હતું.
થેરેસા મેએ જણાવ્યું હતું કે સમગ્ર હાઉસ સેમીની પડખે છે. ખરેખર આ થવું જ જોઈએ. સરકાર દ્વારા જણાવાયું હતું કે થેરેસા મે ભવિષ્યમાં બાળકો અને માતાઓને નુક્સાન સામે રક્ષણ આપે તેવી પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માગે છે તેથી તેઓ આ કેસમાં ઉભા થતાં મુદ્દા પર લોકલ ઓથોરિટી સાથે મળીને ત્વરિત કાર્યવાહી કરી રહ્યા છે.


