બસ, માફી માગો અને સજામાંથી બચો!

ગયા વર્ષે સેક્સ હુમલાખોર, ચોર અને લૂંટારા જેવા ૧૦૯,૦૦૦ અપરાધીએ ક્રિમિનલ રેકોર્ડ અને સજામાંથી બચવા રિસ્ટોરેટિવ-પુનર્સ્થાપન ન્યાયમાં ભાગ લીધો

Friday 21st February 2020 23:02 EST
 
 

લંડનઃ ગત દસકામાં કોર્ટ દ્વારા સજા કરાયેલા અપરાધીઓની સંખ્યા સૌથી તળિયે પહોંચી છે. આનું કારણ જેની સાથે ખરાબ કે ખોટું કૃત્ય કરાયું હોય તેમની માત્ર માફી માગીને સજામાંથી છૂટી શકાય તે છે. ગયા વર્ષે સેક્સ હુમલાખોર, ચોર અને લૂંટારા જેવા ૧૦૯,૦૦૦ અપરાધીએ ક્રિમિનલ રેકોર્ડ અને સજામાંથી બચવા રિસ્ટોરેટિવ-પુનર્સ્થાપન ન્યાયમાં ભાગ લીધો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સ ન્યાયતંત્ર ૧.૫૯ મિલિયન ક્રિમિનલ્સ સંબંધિત કામગીરી કરે છે. મોટા ગુના છતાં હળવી ટપલી મારીને છોડી દેવાની આ પ્રક્રિયાથી સાંસદો અને ચળવળકારો પણ રોષે ભરાયા છે.

હજારો ક્રિમિનલ્સ સજાને ટાળવા તેમના ગુનાથી પીડિતોની માફી માગી લે છે. ગત વર્ષના સપ્ટેમ્બર મહિના સુધી હિંસક ચોર, જાતીય હુમલાખોરો લૂંટારા, ડ્રગ ડીલર્સ સહિત ૧૦૯,૦૦૦ જેટલી મોટી સંખ્યામાં અપરાધીઓ રિસ્ટોરેટિવ જસ્ટિસ પ્રક્રિયામાં જોડાયા હતા. તેની અગાઉના વર્ષમાં આ સંખ્યા ૧૦૨,૭૦૦ની હતી, જે છ ટકાનો વધારો સૂચવે છે. આ અપરાધીઓને કોર્ટમાં લઈ જવાતા નથી તેમજ પોલીસની ચેતવણી મળતી ન હોવાના કારણે તેમનો ક્રિમિનલ રેકોર્ડ પણ બનતો નથી.

આના બદલે, ગુનેગારો તેમના ગુનાના પીડિતોને આમનેસામને ‘સોરી’ કહેવા સંમત થાય છે અને તેમને વળતર ચૂકવવા અથવા પ્રાયશ્ચિત સ્વરુપે કોઈ નુકસાનપૂર્તિ કરવાનો આદેશ કરાય છે. કોમ્યુનિટી રેઝોલ્યુશન તરીકે ઓળખાતી વિવાદાસ્પદ પહેલના સમર્થકો તેને ગુનેગારો સાથે કામ પાર પાડવાના યોગ્ય માર્ગ તેમજ પીડિતોને ન્યાય મળવાની પદ્ધતિ તરીકે ઓળખાવે છે. જોકે, સાંસદો અને ગુના સામે સખત સજાનું અભિયાન ચલાવનારા ‘હળવા ન્યાય’થી નારાજ છે. ગયા વર્ષે ૩૨,૦૧૨ હિંસક ઠગ, ૫૫૨ સેક્સ હુમલાખોરો, ૧૭૯ લૂંટારા અને ૨૯,૨૪૯ ડ્રગ અપરાધી તેમજ શસ્ત્ર ધરાવતા ૧,૭૮૪ લોકોએ કોમ્યુનિટી રેઝોલ્યુશન પ્રક્રિયાનો લાભ લીધો હતો.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ગુનાનો સત્તાવાર આંકડો સાત ટકાના વધારા સાથે ૫.૮ મિલિયન હતો, જે ગત દસકાની સરખામણીએ સૌથી વધુ નાઈફ ક્રાઈમ, બળાત્કારો અને સેક્સ હુમલાઓ સાથે એક મિલિયનથી વધારે હતો. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના આંકડા અનુસાર કોર્ટમાં સજા કરાયેલા અપરાધીઓની સંખ્યા ૧.૩૯ મિલિયનથી ઘટી ૧.૧૮ મિલિયન થઈ છે જે ગત દસકામાં સૌથી તળિયે છે. જેલમાં મોકલાયેલા ગુનેગારની સંખ્યા પણ ૧૦૦,૩૫૦થી ઘટીને ૭૫,૭૭૧ થઈ છે. બીજી તરફ, કોર્ટની બહાર ચેતવણી અને સ્થળ પર જ દંડ જેવી પ્રક્રિયા પણ ૧૦,૦૦૦ના ઘટાડા સાથે ૨૧૧,૩૧૭ના આંકડે પહોંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter