લંડનઃ નાના બાળકોની હત્યા કરનારાઓને આજીવન કેદની સજા કરાય તેવા નવા કાયદાની વિચારણા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કરી રહ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, હિંસક અને જાતીય અપરાધ કરનારાઓને હાલ કરાયેલી સજાની અડધી મુદત જેલમાં રહેવું પડે છે તેના બદલ ઓછામાં ઓછી બે-તૃતીઆંશ સજા ભોગવવી પડે તેવી પણ જોગવાઈ કરવામાં આવી શકે છે.
ધ સન્ડે ટેલિગ્રાફ અખબારના અહેવાલમાં જણાવાયું છે કે આગામી મહિને ક્વીન્સ સ્પીચ સાથે પાર્લામેન્ટનું નવું સત્ર મળે ત્યારે આવો ખરડો રજુ કરવાની યોજના છે. સરકારી સૂત્રે જણાવ્યું હતું કે તમામ રાજકીય પક્ષો અને કોર્ટ્સ સજા બાબતે ગંભીર નહિ હોવાનું લોકો માની રહ્યા છે અને સરકાર તેમન સાથે સંમત છે. દરમિયાન, હિંસક અપરાધ બાબતે જ્હોન્સનના અભિગમની લંડનના લેબર મેયર સાદિક ખાને પણ પ્રશંસા કરી છે.

