બાળકનું નામ ‘લ્યુસિફર’ રાખવા આગ્રહ

Saturday 01st August 2020 06:22 EDT
 
 

લંડનઃ પ્રસિદ્ધ લેખકઅને નાટ્યકાર શેક્સપિયર ભલે કહી ગયા હોય કે નામમાં શું રાખ્યું છે પરંતુ, ઘણા લોકો ચોક્કસ નામ રાખવાનો આગ્રહ રાખતા હોય છે કે કારણકે તેમના માટે નામ છે તો બધું જ છે. આવો એક કિસ્સો ડર્બીશાયરના ચેસ્ટરફિલ્ડનો છે જ્યાં પેરન્ટ્સે જીદ કરીને રજિસ્ટ્રારની સલાહ વિરુદ્ધ પોતાના બાળકનું નામ લ્યુસિફર રખાવ્યું હતું. સામાન્યપણે શેતાનની ઓળખ લ્યુસિફર નામથી કરવામાં આવે છે અને ન્યૂ ઝીલેન્ડમાં આ નામ રાખવા પર પ્રતિબંધ છે.

નામકરણનો મોટો મહિમા છે. ઘણા લોકો તો બાળકના જન્મ અગાઉ જ તેમના નામ વિશે વિચારી લેતા હોય છે. ડર્બીશાયરના ચેસ્ટરફિલ્ડના પેરન્ટ્સ ડાન અને મેન્ડી શેલ્ડન પોતાના ચાર મહિનાના પુત્રનું નામ લ્યુસિફર રાખવા ઈચ્છતા હતા અને તેમણે ચેસ્ટરફિલ્ડની સ્થાનિક રજિસ્ટ્રાર ઓફિસની મુલાકાત લીધી હતી. રજિસ્ટ્રારે વાંધો ઉઠાવી તેમને આ નામ નહિ રાખવાની સલાહ આપતા કહ્યું કે તમારું બાળક કદી જિંદગીમાં સફળ થશે નહિ.

પ્લાન્ટ હાયર કંપનીના ૩૭ વર્ષીય માલિક ડાને ધ સન અખબારને જણાવ્યું હતું કે,‘ મહિલા રજિસ્ટ્રારે અમને કહ્યું કે તે કદી નોકરી મેળવવામાં સફળ નહિ નીવડે અને શિક્ષકો તેને અભ્યાસ પણ નહિ કરાવે. મેં તેમને સમજાવવા પ્રયાસ કર્યો કે અમે ધાર્મિક લોકો નથી અને ગ્રીક ભાષામાં લ્યુસિફરનો અર્થ ‘પ્રકાશ લાવનારો’ અને ‘સવાર- મોર્નિંગ’ થાય છે પરંતુ, તેઓ સમજવા તૈયાર જ ન હતા.’

ડાન અને તેની પત્ની મેન્ડી આ નામ બાબતે દુઃખ લાગવા બાબતે આશ્ચર્ય દર્શાવે છે જેનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૬૧૧માં કિંગ જેમ્સના બાઈબલમાં શેતાન તરીકે કરાયો હતો. ફરિયાદ કરાયા પછી મહિલા રજિસ્ટ્રારે નારાજગી સાથે બાળકનું લ્યુસિફર નામ માન્ય રાખ્યું હતું. ડર્બીશાયર કાઉન્ટી કાઉન્સિલે પેરન્ટ્સનો ખોટું લાગ્યું હોય તો માફી માગતા જણાવ્યું હતું કે આવી બાબતોમાં સલાહ આપવાનું રજિસ્ટ્રારોનું કામ છે કારણકે ઘણી વખત લોકોને ચોક્કસ નામના અર્થો કે તે શેની સાથે સંકળાયેલા છે તેના વિશે જાણ હોતી નથી.

ન્યૂ ઝીલેન્ડમાં ૨૦૧૩માં પ્રતિબંધિત નામોની યાદી જાહેર કરાઈ હતી જેમાં લ્યુસિફર, ક્રાઈસ્ટ અને મેસિઆહનો સમાવેશ થતો હતો. CNNના જણાવ્યા મુજબ, ૨૦૦૧થી ૨૦૧૩ના ગાળામાં છ દંપતીએ તેમના બાળકનું લ્યુસિફર નામ રજિસ્ટર્ડ કરાવવા ભારે પ્રયાસ કર્યા હતા. બીજી તરફ, સ્કોટિશ સત્તાવાળાએ ૨૦૧૮માં બાળકને લ્યુસિફર નામ આપ્યું હતું તેમજ અન્ય બાળકને મેસિઆહ નામ અપાવા દીધું હતું. આ ઉપરાંત, ઓસમ (Awesome), નન (Nun), રોયલ્ટી (Royalty) અને પેપર (Pepper) નામે ઓળખાતાં બાળકો પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter