લંડનઃ બાળકોમાં સ્થુળતાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઈંગ્લેન્ડમાં નાણાકીય કાપના કારણે ૨૦૧૪-૨૦૧૬ના ફાઈનાન્સિયલ વર્ષમાં બાળકો માટેના ૨૧૪ ક્રીડાંગણો (પ્લેગ્રાઉન્ડ) બંધ કરવાની ફરજ પડી છે. ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન વિનંતી હેઠળ કાઉન્સિલોએ જણાવ્યું હતું કે બજેટકાપના કારણે ૨૦૧૪-૧૫ના વર્ષમાં ૧૧૨ અને ૨૦૧૫-૧૬ના વર્ષમાં વધુ ૧૦૨ પ્લેગ્રાઉન્ડ્સ બંધ કરવા પડ્યા હતાં. ૨૦૧૬-૧૭ દરમિયાન ૮૦ પ્લેગ્રાઉન્ડ્સ બંધ કરાયા હતાં.
કાઉન્સિલોએ માહિતી આપી હતી કે વર્તમાન બજેટના સમયગાળામાં ૧૦૩ અને ૨૦૧૮ માટે ઓછામાં ઓછા ૫૧ પ્લેગ્રાઉન્ડ બંધ કરવાની યોજના છે. આ આંકડા વધી શકે છે કારણકે ઈંગ્લેન્ડની ત્રીજા ભાગની કાઉન્સિલોએ આયોજનને આખરી સ્વરૂપ આપ્યું નથી. એસોસિયેશન ઓફ પ્લે ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ માહિતી મેળવાઈ હતી. સંસ્થાના અધ્યક્ષ માર્ક હાર્ડીએ જણાવ્યું હતું કે પ્લેગ્રાઉન્ડ બંધ કરવાની યોજનાઓ ઉંધી દિશામાં લઈ જવી હશે તો સરકારે આશરે ૧૦૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કરવું પડશે.
લોકલ ગવર્મેન્ટ એસોસિયેશનના કન્ઝર્વેટિવ અધ્યક્ષ ગેરી પોર્ટરે જણાવ્યું હતું કે,‘કાઉન્સિલો પાર્ક્સ અને પ્લેગ્રાઉન્ડ્સને ચાલુ રાખવા તમામ કરવા માગે છે પરંતુ, અભૂતપૂર્વ બજેટ નિયંત્રણોથી તેમના હાથ બંધાઈ ગયા છે. ભંડોળમાં કાપના કારણે આવા નિર્ણયો લેવાની ફરજ પડી છે.’


