બાળકોની ઓનલાઈન પ્રાઈવેસી પર ધ્યાન આપવું આવશ્યક

ICO દ્વારા ‘Switched On to Privacy’ અભિયાન લોન્ચ કરાયું

અનુષા સિંહ Wednesday 06th May 2026 07:08 EDT
 
 

યુકેમાં બાળકો વધુ અને વધુ સમય ઓનલાઈન રહેવા લાગ્યાં છે ત્યારે ચારમાંથી ત્રણ પેરન્ટ્સ એવી ચિંતા ધરાવે છે કે તેમના બાળકો ઓનલાઈન સુરક્ષિત નથી, ઓનલાઈન પ્રાઈવેસીની પસંદગી કરી શકતા નથી. આર્મ છતાં, પેરન્ટ્સ ભાગ્યે જ તેમના બાળકો સાથે આ મુદ્દે ચર્ચા કરે છે તેમ ઈન્ફોર્મેશન કમિશનર્સ ઓફિસ (ICO)નું નવું સંશોધન સ્પષ્ટ કરે છે. ICOનું ‘Switched On to Privacy’ અભિયાન જાતમાહિતી અને ડિજિટલ સલામતીને સુરક્ષિત રાખવા પેરન્ટ્સને સરળ વાતચીત શરૂ કરવામાં મદદ કરે છે.

પ્રાઈમરી સ્કૂલના બાળકો દરરોજ એપ્સ, ગેમ્સ અને વેબસાઈટ્સ પર ‘એક્સેપ્ટ’ બટન દબાવતા રહે છે ત્યારે તેઓ પોતાની અંગત માહિતી જાહેર કરી દેતાં હોય છે તેના વિશે અજાણ હોય છે. એક સિંગલ ક્લીક આજીવન ટકી રહે તેવી ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ સર્જવાની સાથે જ તેમની મિત્રતા, ઈન્ટરેસ્ટ્સ, મૂડ્સ અને ઊંઘવાની પેટર્ન્સ પણ જાહેર કરી દે છે, જેનો દુરુપયોગ પણ થઈ શકે છે. બાળકો આજે તેમના વિશે જે માહિતી શેર કરે છે તે તેમના ભવિષ્યને અસર કરી શકે છે તેવી ચિંતા 71 ટકા પેરન્ટ્સ કરતા હોય તેમાં નવાઈ નથી.

આવી ચિંતાના પ્રતિસાદરૂપે ઓનલાઈન અંગત માહિતીના રક્ષણ માટે 4થી 11 વર્ષની વયના બાળકોના પેરન્ટ્સને સરળ વાતચીત શરૂ કરવામાં મદદરૂપ થવા ICO દ્વારા ‘Switched On to Privacy’ અભિયાન લોન્ચ કરાયું છે. ICO ખાતે સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ એન્ડ પબ્લિક એફેર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એન્જેલા બાલાકૃષ્ણન સમજાવે છે કે,‘અમારી ભૂમિકા પર્સનલ ડેટા કેવી રીતે ઉઘરાવાય છે, શેર અને ઉપયોગ કરાય છે તે વિશે જાહેર વિશ્વાસનું નિર્માણ કરવાની છે. ડેટા આખરે તો લોકો સંબંધિત હોય છે. અમે પરિવારોને તેમના બાળકોની માહિતી સંદર્ભે નિર્ણયો લેવા બાબતે માહિતગાર, આત્મવિશ્વાસી અને સશક્ત બનાવવા ઈચ્છીએ છીએ.’

આ કેમ્પેઈન ઓનલાઈન પ્રાઈવેસીને આવશ્યક જીવન કૌશલ્યની સમકક્ષ મૂકે છે, બાળકો જોખમો સામે ખુલ્લા છે ત્યારે તેમને સલામતપણે માર્ગ ઓળંગવાનું શીખવીએ તે જ રીતે આ પણ કુદરતી અને આવશ્યક બાબત છે.

ICOસંશોધનમાં બાળકોની ઓનલાઈન આદતોનું ગંભીર ચિત્રણઃ

24 ટકા બાળકોએ સાચા નામ અથવા સરનામા આપ્યા છે, 8 અને 9 વર્ષના બાળકો માટે સૌથી વધુ જોખમ

22 ટકા બાળકોએ AI ટૂલ્સ સાથે આરોગ્યની વિગતો સહિત અંગત માહિતી શેર કરી છે

35 ટકા પેરન્ટ્સ એમ માને છે કે તેમના બાળકો ગેમ રિવોર્ડ્સ અથવા ટોકન્સના બદલામાં પર્સનલ ડેટા શેર કરી શકે છે.

આટલાં જોખમો હોવાં છતાં, ઘણા પેરન્ટ્સ બરાબર તૈયાર હોતા નથી, 46 ટકાને તેમના બાળકોની પ્રાઈવેસીના રક્ષણ કરવામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે, 44 ટકા તેઓ પુરતું કરી રહ્યા છે તેના વિશે અનિર્ણાયક હોય છે અને 42 ટકા પેરન્ટ્સ સ્વીકારે છે કે તેમના બાળકોની પ્રાઈવેસી સેટિંગ્સને ચકાસવા પૂરતો સમય ફાળવી રહ્યા નથી.

એન્જેલા બાલાકૃષ્ણન કહે છે કે, ‘આ કેમ્પેઈનનું માર્ગદર્શન ત્રણ સાદા સિદ્ધાંત ચેટ (વાત કરો), ચૂઝ (પસંદ કરો) અને ચેક (ચકાસો)ને અનુસરે છે. અમે પરિવારોને નાની શરૂઆત કરવા ઉત્તેજન આપીએ છીએ. શાળા પછી, અથવા પહેલા ફોન અથવા ગેમિંગ એકાઉન્ટ જેવી નાની વાતો પ્રાઈવેસી અને ડેટા શેરિંગ જેવા આઈડિયાઝ વિશે આગળ વધવાની તક પૂરી પાડી શકે છે.’

(વાત કરો) Chat: તમારા બાળક સાથે ઓનલાઈન પ્રાઈવેસી વિશે નિયમિત વાત કરો.

(પસંદ કરો) Choose: કઈ અંગત માહિતી શેર કરવી સલામત છે તેનો નિર્ણય સાથે મળીને કરો.

(ચકાસો) Check: નવા ડિવાઈસીસ અને એપ્સ પર પ્રાઈવેસી સેટિંગ્સની સમીક્ષા કરો.

ICOનું કેમ્પેઈન હબ (https://ico.org.uk/switch-on-to-privacy/) વ્યવહારુ માર્ગદર્શન, ચેકલિસ્ટ્સ, ટિપ્સ અને અન્ય પેરન્ટ્સ દ્વારા વાસ્તવિક અનુભવો ઓફર કરે છે જેથી આગળ વધી શકાય. બાલાકૃષ્ણન બારપૂર્વક કહે છે કે,‘આ વાતચીતો પારિવારિક જીવનનો કુદરતી હિસ્સો બની રહેવો જોઈએ. લક્ષ્ય ભય સર્જવાનું નથી, પરંતુ જાગૃતિ અને માહિતગાર પસંદગીઓને પ્રોત્સાહન આપવાનું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter