લંડનઃ બાળકોની અતિ ગંભીર બીમારીની હર્ટફોર્ડશાયરસ્થિત ચેરિટી હોસ્પિસ માટે ફંડ એકત્ર કરવા પુનિત પ્રફુલભાઈ શાહે જૂન 2025માં 10,000 ફૂટની ઊંચાઈએ સ્કાયડાઈવિંગ કર્યું હતુ. તેમણે પહેલી જ વખત આ સાહસ કર્યું હતુ. તેમની સાથે ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર હતા, પરંતુ ગભરાટ અને ભય લાગવો સ્વાભાવિક જ હોય છે. પુનિતભાઈએ આ સાહસ થકી 2000 પાઉન્ડ એકત્ર થવાનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે, તેમને 2,214 પાઉન્ડનું ફંડ પ્રાપ્ત થયું હતું.
ઊંચાઈથી કૂદકો લગાવવાના સાહસની પ્રેરણા ગંભીર બીમારીના કારણે નવેમ્બર 2015માં દેહ છોડનારા તેમના દિવંગત પિતા પ્રફુલભાઈ હિરાચંદભાઈ શાહ (અને માતા રાશિકાન્તા પ્રફુલભાઈ શાહ) પાસેથી મળી હતી. પિતાના અવસાન પછી પુનિતભાઈએ અતિ ગંભીર બીમારીઓ (ટર્મિનલ ઈલનેસીસ) માટેની ચેરિટીઝને મદદ કરવાનો નિર્ધાર કરી લીધો હતો. આ ચેરિટી હોસ્પિસ બાળકોની અતિ ગંભીર બીમારીઓ માટે છે.
સ્કાયડાઈવિંગના ઊમદા સાહસ માટે તેમના પત્ની રિતુબહેન શાહે ખૂબ માનસિક સપોર્ટ આપી કૂદકો લગાવવાની હિંમત પૂરી પાડવા સાથે વિધેયાત્મક માનસિકતાને પ્રોત્સાહન આપ્યું હતું. પરિવારજનો અને મિત્રો પણ તેમની પડખે રહ્યા હતા તેમજ આ ઊમદા હેતુ માટે ઉદાર હાથ લંબાવ્યો હતો. દાનમાં પ્રાપ્ત નાણા નિર્દોષ બાળકોનાં જીવન પર કેવી અસર કરશે તે નહિ જાણવા છતાં, લોકોએ તેમને સહકાર આપ્યો હતો.
પુનિતભાઈ શાહના જણાવ્યા અનુસાર આ કૂદકો લગાવ્યા પછી સેવા આપવાનું સાચું મહત્ત્વ તેમને સમજાયું છે. વંચિતો અને જરૂરિયાતમંદ બાળકોને ઈપવાથી તેમના ચહેરા પર જે સ્મિત ફેલાય છે તેના થકી ભારે સંતોષ થાય છે. ભારે દોડધામ અને ભૌતિકવાદી માનસિકતા સાથેના આ વિશ્વમાં અન્યોના ચહેરા પર હાસ્ય અને આનંદ ફેલાવવા થોડો સમય કાઢવો જોઈએ તેમ જિંદગીએ શીખવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


