બાળકોને આતંકીઓને પત્ર લખવાનું જણાવતા પુસ્તકથી ભારે વિવાદ

Monday 29th May 2017 07:21 EDT
 
 

લંડનઃ સ્કૂલના બાળકો માટે પ્રકાશિત એક નવા પુસ્તકમાં આતંકીઓના ઈરાદા બાળકો સરળતાથી સમજી શકે તે માટે સાત વર્ષ સુધીના નાના બાળકોને ‘આતંકીને પત્ર લખવાનું’ કહેવાયું છે. ‘ટોકિંગ અબાઉટ ટેરરિઝમ’ શીર્ષકનું આ પુસ્તક માન્ચેસ્ટર આતંકી હુમલાના થોડા અઠવાડિયા અગાઉ પ્રકાશિત થયું હતું. પ્રાઈમરીના બાળકો માટે લખાયેલા આ પુસ્તકમાં જણાવાયું છે કે આતંકીઓને એવું લાગે છે કે તેમને સન્માન મળતું નથી તેથી તેઓ લોકોને મારે છે.

ટીચર્સને નિબંધ અંગે સૂચના અપાઈ

પુસ્તકમાં ટીચર્સને તેમના ૭થી ૧૧ વર્ષના વિદ્યાર્થીઓને આતંકીઓને પત્ર લખવાનું કહેવા સૂચના અપાઈ છે. આતંકીને છ પ્રશ્ર પૂછવાના હોય તો તેઓ શું પૂછશે તેના વિશે બાળકો પાસેથી જાણવા માટે પણ ટીચર્સને અનુરોધ કરાયો હતો.

વિવેચકોએ પુસ્તકને જોખમી ગણાવ્યું

આ પુસ્તકનું પ્રકાશન ‘બ્રિલિયન્ટ પબ્લિકેશન’ દ્વારા કરાયું છે. તેની પ્રસ્તાવના પીટર વેલનેસે લખી છે, જે બાળ અધિકાર સંસ્થા ‘નેશનલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ ચિલ્ડ્રન’ના ચીફ એક્ઝિક્યુટિવ છે. આ પુસ્તક જોખમી પૂરવાર થઈ શકે તેવું જણાવીને વિવેચકોએ તેની ભારે ટીકા કરી હતી.

હત્યારાઓ પ્રત્યે સહાનુભૂતિનો પ્રયાસ

‘કેમ્પેઈન ફોર રીયલ એજ્યુકેશન’ના ચેરમેન ક્રિસ મેકગવર્ને જણાવ્યું હતું કે આતંકીઓને પત્ર લખવાના ટાસ્કથી બાળકો મૂંઝવણમાં મૂકાય તેવું બની શકે. આ પુસ્તક ગેરમાર્ગે દોરનારું છે અને તેમાં સ્કૂલના બાળકોને જે ધાર્મિક કટ્ટરપંથીઓ તેમને મારી નાંખવા માગે છે તેમને માન - સન્માન આપવા જણાવાયું છે. પુસ્તકના માધ્યમથી આતંકીઓ અને હત્યારાઓ તરફ સહાનુભૂતિ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter