લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આગામી સપ્તાહ- સપ્ટેમ્બરના આરંભથી શાળાઓ ખોલવા માટે દોડધામ આદરી છે. તેમણે બાળકોને નવી ટર્મથી શાળાએ મોકલવા પેરન્ટ્સ-પરિવારોને ખાસ અનુરોધ કર્યો છે. તેમણે એવી ચેતવણી પણ આપી છે કે આમ કરવામાં નહિ આવે તો બાળકોના ભવિષ્યને કાયમી નુકસાન થઈ શકે છે. કોરોના મહામારીના કારણે ઈંગ્લેન્ડમાં મોટા ભાગના બાળકો માર્ચ મહિનાથી શાળાએ જતાં નથી જ્યારે, દેશભરમાં અક્ષમ બાળકો અને ચાવીરુપ કર્મચારીઓના બાળકો સિવાય માટે શાળાઓ બંધ કરી દેવાઈ હતી. બીજી તરફ, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના અભ્યાસમાં જણાયું છે કે જૂન મહિનામાં શાળાઓ ખોલાઈ તેમાં ૧૦,૦૦૦ શાળાએ એક શાળામાં કોરોના સંક્રમણ જણાયું હતું.
એ-લેવલ અને GCSE પરિણામોમાં ગરબડો અને અરાજકતાના માહોલ પછી વડા પ્રધાન જ્હોન્સને સમર બ્રેક પછી નવી ટર્મથી શાળાઓ ફરી ખોલવા માટે પ્રયાસો આદર્યા છે. જોકે, શાળાઓમાં કોરોના સંક્રમણ સામે સલામતી રહેશે તે બાબતે પેરન્ટ્સને સમજાવવાનું અઘરું જણાય છે. જ્હોન્સને જણાવ્યું છે કે તમામ બાળકો માટે સલામતપણે શાળાઓ ખોલવી તે નૈતિક ફરજ છે. સરકારના સાયન્ટિફિક અને તબીબી નિષ્ણાતોએ પણ શાળાઓ ખોલવાની તરફેણ કરી છે. ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટી સહિત નિષ્ણાતોનું કહેવું છે કે શાળામાં જવાથી વાઈરસના કારણે ઘણા થોડાં બાળકોને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે પરંતુ, શાળાએ નહિ જવાથી ચોક્કસ નુકસાન થશે. જો શાળાઓ ખુલવાથી સંક્રમણમાં વધારો થાય તો સ્થાનિક લોકડાઉનના પગલાં લઈ શકાશે અને આવશ્યક જણાશે તો રાષ્ટ્રીય લોકડાઉન પણ લાદી શકાશે. દરેક શાળાઓને કોરોના ટેસ્ટિંગ કિટ્સ આપવામાં આવશે જેથી, વિદ્યાર્થીઓનું તત્કાળ પરીક્ષણ કરી શકાય.
૧૦,૦૦૦માંથી માત્ર એક શાળામાં કોરોના રોગચાળો
ગત જૂન મહિનામાં ચોક્કસ ધોરણો માટે થોડી શાળાઓ ખોલાયા પછી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૦,૦૦૦માંથી માત્ર એક શાળામાં કોરોના વાઈરસ રોગચાળો જોવા મળ્યો હતો. આ સમયગાળામાં પ્રી-સ્કૂલ અને પ્રાઈમરી સ્કૂલ્સમાં હાજર રહેલા એક મિલિયન બાળકોમાંથી માત્ર ૭૦ને કોવિડ-૧૯નું સંક્રમણ લાગ્યું હતું. ઈંગ્લેન્ડમાં ૨૪,૩૨૩ સ્કૂલ્સ છે તેમાંથી એક કે વધુ વ્યક્તિને ચેપ લાગ્યો હોય તેવી ૩૦ શાળામાં રોગચાળો જણાયો હતો જે કુલ સંખાયાના ૦.૦૧ ટકા અથવા ૧૦,૦૦૦માંથી એકનું પ્રમાણ છે. બાળકોને શાળામાં ક્લાસરુમ્સની સરખામણીએ ઘરમાં પેરન્ટ્સ થકી સંક્રમણનું જોખમ વધારે રહે છે. ઈંગ્લેન્ડમાં શૈક્ષણિક ક્ષેત્રમાં કોરોના રોગચાળાનું એનાલિસીસ કર્યા પછી, ભારપૂર્વક જણાવાયું હતું કે ક્લાસરુમ્સમાં વિદ્યાર્થીઓ એકબીજાને ચેપ લગાવે તેવી શક્યતા નથી.આમ સંશોધકોના મતે પોતાના ઘર કરતાં શાળા વધુ સલામત છે.
બાળકો કરતાં શિક્ષકો દ્વારા વધુ સંક્રમણ
અભ્યાસ જણાવે છે કે જૂન મહિનામાં શાળાઓમાં કોવિડ-૧૯ના ૩૦ રોગચાળા દરમિયાન ૬૭ સિંગલ કન્ફર્મ્ડ કેસ, ચાર કો-પ્રાઈમરી કેસીસ જોવાં મળ્યા હતા. રોગચાળા સાથે સંકળાયેલા મોટા ભાગના કેસ સ્ટાફમાં હતા. આ રોગચાળામાં ૭૦ બાળકો અને ૧૨૮ સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો હતો જેનાથી શિક્ષકોને વધુ જોખમ હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી, તેમણે શાળાની બહાર પોતાના માટે, પોતાના પરિવાર અને શૈક્ષણિક સંસ્થાને રક્ષવા ખાસ કાળજી લેવી જરુરી છે. અગ્રણી વિજ્ઞાનીઓ કહે છે કે વિદ્યાર્થીઓ કરતાં શિક્ષકો મારફત કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ વધારે છે. PHEના ચેપી બાળરોગ નિષ્ણાત ડો. શામેઝ લાધાણી અનુસાર સ્કૂલનો સ્ટાફ કામકાજ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશે પરંતુ, ક્લાસરુમની બહાર ન જાળવે તેની શક્યતા વધુ છે.
શાળાઓ ખોલવાની વધુ તરફેણ
ડેઈલી મેઈલ દ્વારા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સમય માટે શાળાએ જવાની જરુરિયાત મુદ્દે કરાવાયેલા પોલમાં ૭૮ ટકા મતદારોએ સલામત જણાય તો શાળાઓ ખોલવાની સરકાર માટે પ્રાથમિકતા હોવી જોઈએ તેમ જણાવ્યું હતું. શાળાઓ ખોલવી કે પબ્સ ખુલ્લી રાખવી, તેમાંથી એક જ વિકલ્પ હોય તો શું પસંદ કરશો તે મુદ્દે ૮૦ ટકાએ સ્કૂલ્સ ખોલવાની અને માત્ર ૧૩ ટકાએ પબ્સ ખુલ્લી રાખવાની તરફેણ કરી હતી. વધુ પ્રમાણમાં પેરન્ટ્સ કામે જઈ શકે તે માટે વધારાની બાળસંભાળ પૂરી પાડવા મિનિસ્ટરોએ બ્રેકફાસ્ટ તેમજ સ્કૂલના સમય પછી ક્લબ્સ માટે પણ લીલી ઝંડી આપી દીધી છે. ટીચિંગ યુનિયનોએ પૂર્ણ સમયના શિક્ષણની તરફેણ કરી છે પરંતુ, રોગચાળો ફાટી નીકળે તો સરકારની કેવી રણનીતિ રહેશે તે સ્પષ્ટ કરવા સરકારને જણાવ્યું છે.