લંડનઃ ક્વીન્સ ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં મૂળ યુગાન્ડાના અને કાર્ડિફના ગુજરાતી બિઝનેસમેન હરિલાલ નારણદાસ પટેલને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ સન્માન કાર્ડિફમાં સામાજિક સદ્ભાવ ઉભો કરવા બદલ અપાયું છે. હરિલાલ પટેલ ૧૯૭૨માં યુગાન્ડાથી શરણાર્થી તરીકે યુકેમાં આવ્યા ત્યારથી તેમણે વોલન્ટીઅર તરીકે કોમ્યુનિટીની સેવા કરી છે. તેઓ ૧૯૮૪થી સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર (SDM & HCC) ના ટ્રસ્ટી અને સ્થાપક સભ્ય રહ્યા છે. વેલ્સના લોકો માટે મંદિર અને કોમ્યુનિટી સેન્ટર તરીકે કામગીરી કરવા આ જગ્યાની ખરીદીમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. તેમણે સંસ્થાના પ્રોફાઈલને મજબૂત બનાવી વેલ્સના સમાજમાં એકીકૃત બનાવ્યો છે.
હરિલાલનો જન્મ યુગાન્ડામાં થયો હતો. માત્ર ત્રણ વર્ષની વયે તેમણે પિતાની ઓથ ગુમાવી હતી. તેમણે ૧૨ વર્ષની વયે પરિવારના નિર્વાહ માટે શાળા અને કામકાજ વચ્ચે સંતુલન સાધવાની ફરજ પડી હતી. ૧૯૭૦માં લગ્ન કર્યા પછી તેમને ૧૯૭૨માં ખાલી ખિસ્સે યુકે આવવું પડ્યું હતું. તેમમે કાર્ડિફમાં પેટ્રોલ પંપ પર કામ કર્યું હતું અને સમયાંતરે તો કેટલીક જગ્યાઓના માલિક પણ બન્યા હતા. તેઓ બિઝનેસ કોમ્યુનિટીના અગ્રણી સબ્ય હતા અને બિઝનેસ ક્લબ પણ શરુ કરી હતી. તેમણે અન્ય ચેરિટીઓ સાથે મળી નાણાભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં મદદ કરી હતી.
કોરોના મહામારી દરમિયાન હરિલાલે નિરાધાર લોકોની સારી દેખભાળ થાય તેની ચોકસાઈ રાખી હતી. તેમણે
SDM અને HCCના મોટા ભાગના કાર્યક્રમો ઓનલાઈન કરાવ્યા હતા જેનાથી, ઘરમાં રહેતા એકલા લોકોને આશા અને રાહત મળી હતી
આ સન્માન પ્રાપ્ત થવા બાબતે હરિલાલ પટેલે જણાવ્યું હતું કે,‘ સફળતા કદી વન મેન શો હોતો નથી પરંતુ, તે પડદા પાછળ કામ કરતા અનેક લોકોના પ્રયાસ અને બલિદાનોનું પરિણામ છે. આથી હું બિનશરતી સમર્થન આપવા બદલ મારા પરિવારજનો, મિત્રો અને વોલન્ટીઅર્સનો આભાર માનું છું. હું ખાસ તો મારી દિવંગત માતાનો આભારી છું જેમણે મને સદ્ગુણો આપ્યા. આવા સન્માન માટે મેં મહાન કાર્ય કર્યું હોવાનું હું માનતો નથી પરંતુ, તે મારી આસપાસના લોકોની માયાળુતા અને ઉદારતાનું પ્રતિબિંબ છે.’


