બિયરના કેન પર આલેખાયેલી ઈન્ડિયન રૂપીની આ કથા

સુરેશ અને ભાવના પટેલ Saturday 22nd July 2023 07:41 EDT
 
 

ન્યૂ જર્સીથી આવેલા મહેમાન સાથે રૂપી બિયરનું કેન લેતા આવ્યા ત્યારે 81 વર્ષની મારી લાંબી વયમાં પહેલી વખત બિયરના કેન પર લખાયેલો તેનો સાચો ઈતિહાસ મને જાણવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા અમારા સગાં કરતાં પણ વધુ દીર્ઘકાલીન મિત્ર રહેલા શ્રી દિનેશભાઈ પટેલ (ગુજરાતમાં વડોદરા નજીકના સોખડા ગામના) ન્યૂ જર્સીથી અમને મળવા આવ્યા હતા. ચાર વર્ષ પછીની આ મુલાકાત હતી કારણ કે કોવિડ-19 મહામારીના કારણે તેઓ ચાર વર્ષથી ક્યાંય બહાર નીકળ્યા જ ન હતા. તેઓ અમારા માટે રૂપી (Rupee) બિયરના કેન્સ લેતા આવ્યા હતા, જેનું બ્રુઈંગ અને પેકેજિંગ બોસ્ટન- અમેરિકાની ડોર્ચેસ્ટર બ્રુઈંગ કંપની દ્વારા કરાયું હતું.

બિયરના કેન પર ઈંગ્લિશ અને હિન્દીમાં ‘રૂપી’ લખાયેલું જોઈ મને ભારે આશ્ચર્ય થયું હતું. તેના પર ભારતનો નકશો અને ભારતીય રૂપીનો ઈતિહાસ પણ લખાયો હતો જે આપણને કદી ઈતિહાસના પુસ્તક કે અન્ય પુસ્તકો, મેગેઝિન્સ કે ન્યૂઝ પેપર્સમાં તેને વાંચવા મળ્યો ન હતો. એમ કહેવાય છે કે તમારે જીવનમાં દરરોજ કશું નવું શીખવું જોઈએ. મેં મારા કેટલાક મિત્રો અને પરિચિતોને આના વિશે પૂછ્યું ત્યારે તેમને પણ કોઈ જાણકારી ન હતી. આથી, ‘ગુજરાત સમાચાર’ અને Asian Voiceના વહાલા વાચકોને બિયરના કેન્સ પર ખરેખર શું લખાયેલું હતું તે જણાવવા ઈચ્છું છું.
બિયરના કેન પર સુલતાન શેરશાહ સૂરીની તસવીર નીચે આ મુજબનું લખાણ છેઃ સુલતાન શેરશાહ સૂરી 16મી સદીના સૂરી વંશનો ક્રાંતિકારી નેતા હતો, જે વર્તમાન ભારતમાં તમામ વિસ્તારોમાં ફેલાયેલો હતો. તત્કાલીન સૌથી સમૃદ્ધ મોગલ સામ્રાજ્યને પરાજિત કર્યા પછી તેમનું સૌથી નોંધપાત્ર યોગદાન ભારતીય રૂપિયાને તત્કાલીન સમયમાં જારી કરવાનું હતું, જેને વર્તમાન રૂપિયાની પહેલી આવૃત્તિ કહી શકાય. આજે તો રૂપી કે રૂપિયો ભારતમાં અને વિશ્વના અન્ય સાત દેશોમાં સત્તાવાર ચલણ છે.
અમારા ઘણા પરિચિતોએ બિયરના ખાલી કેનની માગણી કરી છે જેથી તેઓ તેને સ્મૃતિચિહ્ન તરીકે રાખી શકે અને રુપીના ઈતિહાસને જાળવી શકે.

(લેખક દંપતી કેનેડાના મારખમમાં વસે છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter