અમદાવાદઃ આજથી 215 વર્ષ પૂર્વે પોષી પૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે શનિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - શાહીબાગ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’ યોજાયો હતો. પ્રમુખ વાટિકામાં યોજાયેલા આ મહાયજ્ઞમાં જુદા જુદા વિસ્તારના હજારો હરિભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો હતો.
ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે. ભારતની યજ્ઞપરંપરા શીખવે છે કે સર્વ કંઈ ભગવાનને અર્પણ કરીને ભોગવો, ત્યાગીને ભોગવો. યજ્ઞ એ જીવનને ઊર્ધ્વમાર્ગ તરફ લઈ જતી શક્તિ છે. યજ્ઞ એ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્મારક છે. યજ્ઞ એ જીવનનો અમૂલ્ય લહાવો છે. સનાતન શાસ્ત્રોમાં પણ યજ્ઞનો અપાર મહિમા કહ્યો છે જેમ કે શ્રીમદ ભગવદ ગીતામાં જણાવાયું છે કે ‘યજ્ઞમાં અર્પણ કરીને પ્રસાદ લેનાર મોક્ષ પામે છે.’ જ્યારા ઉપનિષદમાં ઉલ્લેખ છે કે ‘યજ્ઞ એ પરમાત્માનું સ્વરૂપ છે.’ ગુજરાત સદૈવ જેમનું ૠણી છે એવા ભગવાન સ્વામિનારાયણે ગામેગામ અહિંસક યજ્ઞો કરાવીને ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાનો ખૂબ મહિમા વધાર્યો છે. તેમની ગુણાતીત ગુરુપરંપરાએ પણ એ જ યજ્ઞીય પરંપરાને વિસ્તારી છે.
આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગમાં જુદા જુદા મંડપમ બનાવવામાં આવ્યા હતા. જેમ કે ગુણાતીતાનંદ મંડપમ, ભગતજી મહારાજ મંડપમ, શાસ્ત્રીજી મહારાજ મંડપમ, યોગીજી મહારાજ મંડપમ, પ્રમુખ સ્વામી મહારાજ મંડપમ તેમજ મહંત સ્વામી મહારાજ મંડપમ. આ તમામ મંડપોમાં કુલ મળીને 400 જેટલા યજ્ઞકુંડમાં આશરે 12,000થી વધુ વ્યક્તિઓએ યજ્ઞકુંડમાં આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો. આ પ્રસંગે આશરે 5 લાખથી વધુ હોમાત્મક દ્રવ્યોથી અર્ઘ્ય તેમજ 50 લાખથી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી.
વિવિધ પ્રસંગો તથા નિમિત્ત અર્થે જેવા કે નૂતન લગ્ન પ્રસંગ, માતૃ-પિતૃ મોક્ષાર્થે, તન-મન-ધન સમૃદ્ધિ, પ્રગટ ગુરૂહરિ પ્રસન્નતા, યજ્ઞોપવિત ધારણ, માનસિક સ્થિરતા વગેરે માટે હજારો યજમાન હરિભક્તો - ભાવિકો આ યજ્ઞવિધિમાં જોડાયા હતા.


