લંડનઃ લિબરલ ડેમોક્રેટ્સ નેતા ટીમ ફેરોને બ્રેક્ઝિટના મુદ્દે બ્રિટિશ લોકોને આખરી અવાજ સંભળાવવા માટે બીજા ઈયુ રેફરન્ડમની તરફેણ કરી છે. ફાઈનલ બ્રેક્ઝિટ ડીલ પરના મતમાં ઈયુમાં રહેવાના વિકલ્પનો પણ સમાવેશ કરાશે. આગામી આઠ જૂનની સામાન્ય ચૂંટણી માટે લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા ફેરોને યુવાનોને બસ પાસીસ તેમજ હાઉસિંગ લેડર પર સ્થાન મેળવવામાં મદદ સહિતના પગલાં જાહેર કરી જણાવ્યું હતું હતું કે લિબ ડેમનો મેનિફેસ્ટો ‘આશાનો પ્રસ્તાવ’ છે.
પાર્ટીએ બ્રેક્ઝિટ મુદ્દાને કેન્દ્રસ્થાન આપ્યું છે. ફેરોને જણાવ્યું હતું કે,‘ ઉજળા ભવિષ્યની કલ્પના કરજો. તમારા, તમારા પરિવાર, તમારી શાળાઓ અને હોસ્પિટલ્સના ભાવિનું ખેદાનમેદાન કરે તેવા થેરેસા મે અને નાઈજેલ ફરાજના હાર્ડ બ્રેક્ઝિટને સ્વીકારવાની જરૂર નથી.’ ટીમ ફેરોને જણાવ્યું હતું કે બ્રેક્ઝિટની શરતો અંગે રાજકારણીઓ નહિ પરંતુ,લોકોનો અવાજ આખરી હોવો જોઈએ. બ્રેક્ઝિટની અસર આગામી દાયકાઓ સુધી રહેશે અને તેમાં આગળ વધવું કે નહિ તેનો નિર્ણય લેવાનો અધિકાર બીજા રેફરન્ડમ દ્વારા લોકોને મળવો જોઈએ.
કન્ઝર્વેટિવ પાર્ટી સાથે ૨૦૧૦-૨૦૧૫ના ગાળામાં ગઠબંધન સરકાર રચનારી લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટી બે વર્ષ અગાઉ તેના કારમા પરાજયના દેખાવથી બહાર આવવાની કોશિશ કરી રહી છે. ૨૦૧૫માં તેણે ૫૦ બેઠક ગુમાવી હતી અને તેના માત્ર આઠ સાંસદ રહ્યા હતા. આગામી ચૂંટણી પછી કોઈ પક્ષ સાથે ગઠબંધન રચવાનો લિબ ડેમ પાર્ટીએ નકાર્યું છે.
બ્રેક્ઝિટઃ યુરોપમાં બ્રિટનના સ્થાનની સુરક્ષા અને બ્રેક્ઝિટના વિરોધની પ્રતિજ્ઞા• ફાઈનલ બ્રેક્ઝિટ કરાર મુદ્દે બીજું રેફરન્ડમ લેવાશે • યુકેમાં રહેતા ઈયુ નાગરિકોના અધિકારોનું રક્ષણ અને ઈયુ નાગરિકોના મુક્ત અવરજવરના અધિકારની જાળવણી • સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયનમાં સભ્યપદ જાળવી રખાશે
અર્થતંત્ર, ટેક્સ અને રોજગારઃ NHS માટે ૬ બિલિયન પાઉન્ડ મેળવવા ઈન્કમ ટેક્સ પર વધારાના એક પેન્સનો ચાર્જ •કોર્પોરેશન ટેક્સ વધારીને ૨૦ ટકા કરવો • જાહેર સેક્ટરમાં વેતનમર્યાદાની નાબૂદી • વર્ષે એક બિલિયન પાઉન્ડ ઉભા કરવા નવો કેનાબીસ ટેક્સ • પર્યાવરણની રક્ષા કરવા ૨૦૨૫ સુધીમાં નવી ડિઝલ કારના વેચાણ પર પ્રતિબંધ લગાવાશે
હાઉસિંગ અને બેનિફિટ્સઃ ૩.૬ બિલિયન પાઉન્ડના ખર્ચે યુનિવર્સલ ક્રેડિટમાં મૂકાયેલા કાપ પાછા ખેંચાશે • ૧૮-૨૧ વયજૂથ માટે હાઉસિંગ બેનિફિટ્સ પુનઃ લાગુ કરાશે • નવા મકાનોનાં ભંડોળ માટે હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ બેન્કની સ્થાપના • પ્રોપર્ટીઝના રક્ષમ માટે ૨ બિલિયન પાઉન્ડના ખર્ચે પૂરરક્ષણ યોજનાઓ • મોર્ગેજની માફક રેન્ટ પેમેન્ટ્સ એકઠું કરવાની છૂટ આપતી યોજના
NHS અને સોશિયલ સિક્યુરિટીઃ NHS માટે વધારાનું ૬ બિલિયન પાઉન્ડનું ભંડોળ • નવા પિતાઓ માટે સવેતન એક મહિનો વધારાની પિતૃત્વની રજા • સરકારી પેન્શનો પર ‘ટ્રિપલ લોક’ને રક્ષણ
શિક્ષણ અને નાગરિક સ્વાતંત્ર્યઃ ૧૬ વર્ષના યુવાનોને પણ મતાધિકાર • પ્રમાણસર મતદાનની સિસ્ટમ દાખલ કરાશે• લોકશાહી રીતે ચૂંટાયેલા ઉપલા ગૃહની રચના • તથાકથિત ‘સ્નૂપર્સ ચાર્ટર’ને રદ કરાશે • શૈક્ષણિક ખર્ચમાં ૭ બિલિયન પાઉન્ડની વૃદ્ધિ કરાશે • પ્રાઈમરી સ્કૂલ્સનાં તમામ વિદ્યાર્થી માટે ફ્રી સ્કૂલ મીલ્સ • એન્જિનીઅરીંગ ગ્રેજ્યુએટ્સને આર્મ્ડ ફોર્સીસમાં જોડાવા ૧૦,૦૦૦ પાઉન્ડ અપાશે.


