લંડનઃ પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયનાના સુપર ફેન કહી શકાય તેવા ૭૮ વર્ષીય જો ડોબ્સન પાસે પ્રિન્સેસ સંબંધિત અગણિત સ્મરણચિહ્નો છે, જે તેમણે ગ્લોસ્ટર લાઈફ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મૂકવા આપ્યાં છે. મિસિસ ડોબ્સને તેમના દિવંગત પતિ કેન સાથે મળી ૧૯૯૯માં ડાયેના પ્રતિ વિશેષ ભાવ સાથે તેને સંબંધિત ચીજવસ્તુઓનો સંગ્રહ શરુ કર્યો હતો. આજે તેમની પાસે સેંકડોની સંખ્યામાં પ્લેટ્સ, પોર્ટ્રેઈટ્સ, અને સસ્તાં આભૂષણોનો સંગ્રહ છે. મિસિસ ડોબ્સન કહે છે કે ‘બીજી ડાયેના કદી થશે નહિ’
હકલકોટ, ગ્લોસ્ટરના જો ડોબ્સને દર વર્ષે ‘ડાયેના દિવસ’ ઉજવવા પોતાના સાંસદને પત્રો પણ લખ્યાં છે. તેમનાં આખા ઘરમાં શાહી સ્મૃતિચિહ્નો છવાયેલાં છે. હવે તો તેમણે સ્મૃતિચિહ્નોનો સંગ્રહ કરવો બંધ કર્યો છે.તેઓ કહે છે,‘ તમારે કદી તો અટકવું જ પડે છે. હવે દીવાલો પર જગ્યા જ રહી નથી. અમે હજારો પાઉન્ડ ખર્ચ્યા છે પરંતુ, તેના માટે આ ખર્ચ યોગ્ય હતો. ૧૯૯૭માં કાર અકસ્માતમાં ડાયેનાના મૃત્યુ સાથે સમય થંભી ગયો હતો.’
ગ્લોસ્ટર લાઈફ મ્યુઝિયમમાં ૨૬ ઓગસ્ટથી પ્રિન્સેસના અનોખા સ્મૃતિચિહ્નોનું પ્રદર્શન આરંભાયું છે, જે ૧૬ ડિસેમ્બર સુધી નિહાળી શકાશે.


