બીમાર પત્નીની સારવાર કરનાર હોસ્પિટલ વોર્ડને યથાશક્તિ દાન આપતા જયંતિભાઇ પટેલ

- કોકિલા પટેલ Wednesday 02nd December 2020 07:15 EST
 
 

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અત્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહી છે. કોરોના કેસથી ઉભરાતી હોસ્પિટલોમાં એના ફ્રંટલાઇન વર્કરો (ડોકટરો, નર્સો, પોર્ટરો, ડોમેસ્ટીક સર્વિસ સ્ટાફ, કેરર્સ તેમજ એમ્યુલન્સ સર્વિસ) જાનના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે આપણને વિના મૂલ્યે ફ્રી સર્વિસ આપનાર NHSની સિસ્ટમને વગોવતા રહીએ છીએ. ત્યારે આપને સમજવું પડે કે અહીંની નેશનલ હેલ્થ સર્વિસને પણ ખર્ચાને પહોંચી વળવા માટે આર્થિક ભીંસ ભોગવવી પડે છે. આવા સમયે NHSની તબીબી સેવાનો સંતોષજનક અનુભવ કરનાર કેટલાક લોકો યથાશક્તિ આર્થિક સેવા આપવાની ઉદારતા દેખાડતા હોય છે.
નોર્ધમ્પટનમાં રહેતા એક પટેલ પરિવારના બિમાર સ્વજનની NHSસર્વિસે જે રીતે દેખભાળ રાખી સારવાર કરી હતી એ જોતાં સ્થાનિક હોસ્પિટલને યથાશક્તિ સેવા અર્પણ કરી છે. સુણાવના મૂળવતની જયંતિભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની પુષ્પાબેન વર્ષોથી નોર્ધમ્પટનમાં રહે છે. આ દંપતિ દર વર્ષે નવેમ્બરમાં ગુજરાતના ઉત્તરસંડામાં પોતીકો ફલેટ છે ત્યાં જઇને ત્રણ મહિના રહે છે. આ વર્ષે માર્ચમાં પરત આવ્યા બાદ એમનાં પત્ની પુષ્પાબેનને સતત ઉધરસની તકલીફ ઉભી થઇ. તેઓ એમના ડોકટરને મળ્યા એટલે દવા પ્રિસ્ક્રાઇબ કરી આપી પરંતુ દવાથી કોઇ ફેર ના પડતાં નોર્ધમ્પટનની હોસ્પિટલમાં ચેકઅપ માટે મોકલ્યાં ત્યાં તેઓને એડમિટ કર્યંા. પુષ્પાબેનને ઘરે લાવ્યા બાદ એમની દીકરી મમ્મીની દેખભાળ માટે આવી. એક સવારે તેઓ બ્રકફાસ્ટ કરતાં હતાં ત્યારે હાથમાં ધ્રુજારી શરૂ થઇ એટલે ડોકટરને કોન્ટેક્ટ કરતાં કેરર નર્સે ઘરે આવીને બ્લડ સેમ્પલ લીધું એમાં ખબર પડી કે પુષ્પાબેનને ન્યુમોનિયા થઇ ગયો છે. તરત તેઓને હાર્ટની બિમારી હતી અને ૨૦ વર્ષથી એક જ કિડની પર જીવન ચાલતું. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થયાં. તેઓને હોસ્પિટલના Eshter Whiteવોર્ડમાં એડમિટ કર્યાં. ત્યાં તેઓને ઓકસીજન લેવામાં પણ તકલીફ પડતી તેમછતાં ડોકટરો, નર્સો અને વોર્ડના કર્મચારીઓએ ખૂબ જ સરસ રીતે પુષ્પાબેનની દેખભાળ સાથે સેવા કરી. ડોકટરોએ સલાહ આપી કે ઓકસીજન ઓછો થઇ જાય તો પુષ્પાબેન કોમામાં જઇ શકે. અમારે એમને વધુ રિબાવા દેવાં ન હતાં. જિંદગી સામે લડતાં લડતાં પુષ્પાબેન હારી ગયાં અને ૧૮મેએ આ ફાની દુનિયાને છોડી હરિશરણ લઇ લીધું. જયંતિભાઇ કહે છે કે, “કોવિડ-૧૯ને કારણે લોકડાઉન હોવાથી અમે ઝૂમ પર ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમ અમે હોસ્પિટલના "એસ્ટર વ્હાઇટ" વોર્ડના લાભાર્થે રાખ્યો હોવાથી અમે £3,250 જેટલું ફંડ એકત્ર કર્યું અને હોસ્પિટલ વોર્ડને એનાયત કર્યું . એના દ્વારા તેઓ બ્લેડર સ્કેનીંગ મશીન ખરીદશે.” નોર્ધમ્પટન હોસ્પિટલના સત્તાવાળાઓએ જયંતિભાઇ પટેલ પરિવાર તથા એમના મિત્રો-સગાં સંબંધીઓનો આ ઉદાર સખાવત બદલ આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવ્યો છે.
આપણા સમાજના ઘણા લોકોએ હ્દયરોગ, કિડની, કેન્સર કે ફેફસાંની જીવલેણ બિમારીનો ભોગ બનેલા એમના સ્વજનના અંતિમ શ્વાસ સુધી ખૂબ કાળજીપૂર્વક સેવા-સુશ્રુષા કરનાર NHS હોસ્પિટલોને સ્વજનની સ્મૃતિમાં યથાશક્તિ દાન અથવા ફંડ આપી ઉત્તમ કાર્ય કર્યું છે. સ્થાનિક હોસ્પિટલોને જે કોઇ ભાઇ-બહેનોએ આવી સખાવત કરી હોય તેઓ અમારો સંપર્ક કરી માહિતી આપી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter