બે વિશ્વ યુદ્ધોમાં ભારતીય પ્રદાનનો ઈતિહાસ આલેખાશે

રુપાંજના દત્તા Tuesday 31st May 2016 15:05 EDT
 
 

લંડનઃ બ્રાઈટનમાં રોયલ પેવેલિયન ખાતે ૨૫ અને ૨૬ મે, ૨૦૧૬ના બે દિવસીય અનોખા પરિસંવાદ ‘મીટિંગ ઓફ માઈન્ડ્સ’માં તમામ ક્ષેત્રોના નિષ્ણાતોએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના પ્રદાનની વિશેષ સમજ આપી હતી. આ ઉપરાંત, પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભારતીય ઉપખંડના સૈનિકો અને તેમની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્મારક અને મ્યુઝિયમના નિર્માણ સંબંધે પણ વિચાર વ્યક્ત કરાયા હતા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભારતીય પ્રદાન અંગે સત્તાવાર ઈતિહાસ લખવા નિર્ણય કર્યો છે

મહાન યુદ્ધ સાથે મજબૂત કડીઓ ધરાવવાના કારણે બ્રાઈટન તદ્દન યોગ્ય સ્થળ હતું, જ્યાં ૫૪ ડેલીગેટ અને ૨૮ વક્તા ઉપસ્થિત હતા. વિશ્વપ્રસિદ્ધ ઈતિહાસકાર પ્રોફેસર સર હ્યુ સ્ટ્રાચાન ચાવીરુપ વક્તા હતા. એકતા, વારસા અને શિક્ષણ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સ અંગે કટિબદ્ધ ગોલ્ડન ટુર્સ ફાઉન્ડેશન (GTF) આ પરિસંવાદના સ્પોન્સર અને આયોજક હતા, જ્યારે યુનાઈટેડ સર્વિસીસ ઈન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા, બ્રાઈટન અને હોવ મ્યુઝિયમ્સ અને ઈમ્પિરિયલ વોર મ્યુઝિયમ, લંડન સહ-યજમાન હતા.

GTFના ચેરમેન નીતિન પલાણે કહ્યું હતું કે,‘આજની પેઢી ભારતીય અને બ્રિટિશ સૈનિકોના સહભાગી અનુભવોને સમજે તે મહત્ત્વનું છે. આપણા એક વક્તાએ માર્મિક રીતે કહ્યું તેમ યુદ્ધમાં લડનારા સૈનિકોના રેડાયેલા લોહીના રંગમાં કોઈ ભેદ હોતો નથી.’

હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં સાંસદ બોબ બ્લેકમેન દ્વારા રિસેપ્શન સાથે પરિસંવાદનું સમાપન થયું હતુ. બ્લેકમેને પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોની ભૂમિકા વિશે સમજની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે GTFટીમની પ્રશંસા કરી કહ્યું હતું કે,‘આપણે ભારતીય સૈનિકોના અમૂલ્ય ફાળાને ભૂલવો ન જોઈએ અને પ્રજા, ખાસ કરીને યુવા વર્ગને આ સંબંધે સમજ આપવાની ચોકસાઈ રાખવી જોઈએ. ભારતીય સૈનિકોના પ્રદાન પર કેન્દ્રિત કાયમી સ્મારકસ્થળના નિર્માણ અંગે વિચારવા હું તમને અનુરોધ કરું છું.’

ભારતીય હાઈ કમિશનમાં ડિફેન્સ સલાહકાર બ્રિગેડિયર રાજેશ ઝાએ જણાવ્યું હતું કે, ‘મહાન યુદ્ધો દરમિયાન ભારતીય સૈનિકોની સામૂહિક યાદગીરીને શક્ય બનાવવા પોતાના અનુભવો અને કૌશલ્ય દ્વારા સહભાગી થવા નિષ્ણાતો અને ઈતિહાસવિદોને એક મંચ હેઠળ લાવવા બદલ હું નીતિન પલાણ અને ગોલ્ડન ટુર્સ ફાઉન્ડેશનને અભિનંદુ છું. ભારતીય પ્રદાનની કદર આવકાર્ય પગલું છે, જે ભારત-યુકે સંબંધોમાં ઉદ્દીપક બની રહેશે. તે યુકે અને ભારત વચ્ચે ગાઢ સંપર્કો માટે વધુ એક તક ઉભી કરશે.’

તેમણે કહ્યું હતું કે,‘ભારતીય સંરક્ષણ મંત્રાલયે પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભારતીય પ્રદાન અંગે સત્તાવાર ઈતિહાસ લખવા નિર્ણય કર્યો છે અને મંત્રાલયના ઈતિહાસવિદોની એક ટીમ જુલાઈ મહિનામાં અહીં આવશે અને તમારા બધાની મદદથી ઈતિહાસની સત્યતા અને ચોકસાઈને જાળવવામાં આવશે.’ બે દિવસના પરિસંવાદમાં ૧૧ ઈતિહાસકાર, સાત અગ્રણી મ્યુઝિયમ્સના પ્રતિનિધિ અને નવ નિષ્ણાત પ્રેક્ટિશનરોએ વિશ્વ યુદ્ધ ઈતિહાસને રોમાંચક બનાવવાના પડકાર ઉપાડી લેવા અને પોતાના કાર્યો વિશે છણાવટ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter