બેંગલોરથી જેસલમેરઃ રીક્ષામાં અદ્વિતીય સાહસયાત્રા!

Wednesday 13th February 2019 02:27 EST
 
 

લંડનઃ જીવનમાં એક વખત જ શક્ય બને તેવી અદ્વિતીય સાહસયાત્રાનો આરંભ કરવા છ ભાઈઓ અને મિત્રો- અમીષ, મેહુલ, સચિન, હર્ષ, પરાગ અને મીનેશ ૨૦૧૯ની બીજી જાન્યુઆરીએ બેંગલોરના એક ફાર્મમાં પહોંચી ગયા હતા. અહીંથી અમારે ત્રિપગી બે યાંત્રિક રીક્ષામાં ભારતમાં ૩,૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડવાનો હતો! રીક્ષાઓના નામ ‘હાકુના’ અને ‘માટાટા’ ઈસ્ટ આફ્રિકાની સ્વાહિલી ભાષાના શબ્દગુચ્છ પરથી અપાયાં હતા, જેનો સંયુક્ત અર્થ ‘અહીં કોઈ ચિંતાની વાત નથી’ એમ થાય છે. હાકુનાનો અર્થ ‘અહીં નથી’ તેમજ માટાટાનો અર્થ ‘સમસ્યા-ચિંતા’ થાય છે. ડિઝનીની એનિમેશન ફિલ્મ ‘ધ લાયન કિંગ’માં ‘નો વરીઝ’ એટલે કે ‘હાકુના માટાટા’ ગીત લોકપ્રિય બન્યું હતું.

દક્ષિણના કર્ણાટક રાજ્યના બેંગલોરમાંથી આરંભ કરીને અમારે રાજ્સ્થાનના જેસલમેર સુધી પહોંચવાનું હતું. અમે ૧૫ દિવસમાં પહોંચાય તેવા રુટનું આયોજન કર્યું હતું, જે અમને ગામડાં, નગરો અને શહેરોમાં ધૂળિયાં રસ્તા અને ધોરી માર્ગો પરથી પસાર થઈ ગંતવ્ય સ્થળે પહોંચાડવાનો હતો. અમે આ માર્ગો પરના નાના આશ્રમો, મોટાં મંદિરો અને પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લેવાની આશા સાથે આયોજન કર્યું હતું. જોકે, રીક્ષાઓને ખરેખર હંકારવાના તદ્દન ગાંડપણભર્યા સાહસની તો અમે આશા કે તૈયારી જ રાખી ન હતી. રીક્ષા હંકારતા શીખવું એ પણ મોટો પડકાર હતો. અરાજક ભારતીય માર્ગો પર રીક્ષા હંકારવી અને બાઈક્સ, સ્કૂટર્સ, સતત હોર્ન વગાડતી ટ્રકો અને છેવટે ગાયોનાં ધણ સહિત બધા અવરોધોને ટાળી આગળ વધવાનું હતું. અમારા માટે તો આ ભારે આઘાતજનક હતું. પ્રવાસના દરેક તબક્કાના અંતે આ બધાં ગાંડપણમાંથી પાર ઉતરી શક્યા તેની રાહત સાથે વૈભવી હોટલોમાં પ્રત્યેક રાત ગુજરાવામાં અમને ભારે નિરાંત અનુભવાતી હતી.

અમારી રોજની આ યાત્રા મોટા ભાગે આઠ કલાકની થતી હતી અને અમારે બળતણ ભરાવવાં અને પાંચ હોર્સપાવરના એન્જિનોને ઠંડા પડવા દેવાં વારંવાર રોકાવું પડતું હતું. જો વાંરવારના આ રોકાણોથી અમને સ્થાનિક ધાબાઓની મુલાકાત, સ્થાનિક લોકો સાથે મિત્રતા કેળવવા અને દુઃખતી કમરને આરામ આપવાનો સમય મળી જતો હતો. હાકુના અને માટાટા નામની અમારી ધ્યાનાકર્ષક બે રીક્ષાઓ દરેક પ્રકારના વિસ્તારો તેમજ દક્ષિણની હુંફાળી અને ચીકણી હવાથી માંડી ઉત્તરે રણપ્રદેશની સુસવાટા મારતી ઠંડી હવાને પાર કરતી આગળ વધતી રહી હતી. સ્વાભાવિકપણે અમારાં વાહનોને સમારકામ અને પંક્ચર્સની જરૂર પડતી હતી પરંતુ, અમારા માર્ગમાં જોવા મળેલી અન્ય ૭૫ રીક્ષાઓની સરખામણીમાં અમને ખાસ મુશ્કેલી પડી ન હતી.

 દુર્ભાગ્યવશ એક અંતરિયાળ ગામે સચિનને અકસ્માત નડવાથી તેને ભાંગેલા પગ માટે સર્જરી કરાવવા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. અમને મોટી રાહત એ થઈ કે ઓપરેશન સારું રહ્યું અને હવે તે ઘેર આરામ કરી રહ્યો છે. જોકે, આ અકસ્માતથી અમે એટલું સમજી શક્યા કે અમે કેટલી ખતરનાક અને આગાહી કરી ન શકાય તેવી સાહસયાત્રા હાથ ધરી હતી. આમ છતાં, અમારા માટે આનંદની વાત એ રહી કે અંતે ઈનામ વિતરણમાં અમે ‘શ્રેષ્ઠ સાહસ (Best Manoeuvre)’નો એવોર્ડ હાંસલ કરી શક્યા હતા.

આમ કહેવા માટે તો ઘણા અનુભવો અને સ્મરણો છે પરંતુ આ બધામાં તો ઉદયપુરની ભરચક શેરીઓમાંથી માર્ગ કાઢતાં જઈને અતિ સુંદર અને ભવ્ય લેક પેલેસ સુધી પહોંચવાનો અનુભવ નિર્વિવાદપણે સૌથી વધુ રોમાંચક રહ્યો હતો. બે દિવસના આરામ અને થાક ઉતર્યા પછી અમે થોડો સમય અહીંના સુંદર સ્થળો જોવામાં વીતાવ્યો અને જોધપુર જવા માટે નીકળી પડ્યા હતા. આ પછી અમે આખરે આ સાહસમાં ભાગ લેનારી અન્ય રીક્ષાઓને જેસલમેરમાં મળ્યા હતા.

ખરેખર આ મહાન સાહસ રહ્યું. સૌથી મહત્ત્વની બાબત તો એ રહી છે કે Just Imagine નામની જે ચેરિટી સંસ્થાને અમે સપોર્ટ કરી રહ્યા છીએ તેના માટે દાનમાં નોંધપાત્ર કહેવાય તેવી ૨૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ અમે એકત્ર કરી શક્યા હતા. આ ચેરિટી સંસ્થાની સ્થાપના અને સંચાલન અમારા સ્થાનિક ગુજરાતી કોમ્યુનિટીના સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા ગોવા અને ઈથિયોપિયાના અનાથાશ્રમોમાં રહેતાં HIV ગ્રસ્ત ૫૬૦ બાળકો માટે પૌષ્ટિક આહાર, દવાઓ, શિક્ષણ અને રહેઠાણની સુવિધા પૂરી પાડે છે. આપ પણ સંસ્થાને દાન આપવા https://www.justgiving.com/fundraising/hakunamatata2019 વેબસાઈટનો સંપર્ક કરી શકો છો. આખરે અમને સુંદર સાથ આપવા બદલ આપ સર્વનો આભાર માનીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter