લંડનઃ શનિવાર, એક એપ્રિલ, ૨૦૧૭ના રોજ લુટનના શ્રી સનાતન સેવા સમાજ મંદિર ખાતે આયોજિત સમારંભમાં વિનોદ ટેઈલરની બેડફોર્ડશાયરના હાઈ શેરીફ તરીકે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાઉન્ટીના લોર્ડ લેફ્ટનન્ટ તેમજ સ્થાનિક અગ્રણીઓ, મિત્રો અને પરિવારજનો સહિત ૨૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેડફોર્ડશાયરના હાઈ શેરીફ તરીકે સેવા આપનારા વિનોદ ટેઈલર બીજા એશિયન છે.
હાઈ શેરીફનો હોદ્દો ક્વીન દ્વારા કરાતી વાર્ષક નિયુક્તિ છે. હાઈ શેરીફ બેડફોર્ડશાયરમાં ન્યાયતંત્ર તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંબંધિત તમામ બાબતો માટે ક્વીનના પ્રતિનિધિ બની રહેશે. આ રીતે કાઉન્ટીની સેવા કરવાનું સન્માન અને ગૌરવ હાંસલ કરવા બદલ વિનોદભાઈ આનંદની લાગણી અનુભવે છે.
સૌપ્રથમ વખત નિયુક્તિ સમારંભ હિન્દુ મંદિરમાં યોજાયો હતો, જે હિન્દુ કોમ્યુનિટી માટે ગૌરવની બાબત છે. હાઈ શેરીફનો હોદ્દો બિનરાજકીય છે, જેના માટે આગવું ભંડોળ હોય છે. હાઈ શેરીફ અનોખું પદ કાઉન્ટીના લોકોને એકસાથે લાવી શકે છે, માત્ર ન્યાયતંત્રને નહિ, ઈમર્જન્સી સર્વિસીસ, આર્મ્ડ ફોર્સીસ, સ્થાનિક સત્તાઓ, ચર્ચ, ફેઈથ ગ્રૂપ્સ અને વોલન્ટરી કોમ્યુનિટીને સપોર્ટ કરે છે.
વિનોદ ટેઈલર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં JPની સેવા આપતાં પત્ની જૈમાની અને પુત્ર સુબોધ સાથે લૂટનમાં રહે છે. ઈદી અમીને યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કર્યા પછી વિનોદ નિર્વાસિત તરીકે પરિવાર સાથે ૧૯૭૨માં લૂટન આવ્યા હતા. તેમણે ૪૦થી વધુ વર્ષ ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. ચેરિટેબલ કાર્યોમાં સક્રિય વિનોદભાઈએ Prince’s School of Traditional Arts માં ટ્રસ્ટી તરીકે સેવા આપી છે અને મહારાજા ઓફ જોધપુર સાથે ઈન્ડિયન હેડ ઈન્જરી ફાઉન્ડેશન માટે ઈવેન્ટ્સના સહ-આયોજનો પણ કર્યા છે.