બેનિફિટ દાવેદારોનો દેવાંબોજ વધ્યો

Wednesday 17th February 2021 04:10 EST
 
 

લંડનઃ ગયા વર્ષે મહામારીની શરુઆત પછી યુનિવર્સલ ક્રેડિટનો દાવો કરનારા ૧૦માંથી ત્રણથી વધુ વ્યક્તિના નવાં દેવાં ઉભા થયા છે અથવા તેમના પ્રવર્તમાન દેવાં વધ્યા છે તેમ સ્વતંત્ર થિન્કટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશનના નવા રિપોર્ટમાં જણાવાયું છે. આશરે ૬ મિલિયન લોકો હાલ બેનિફિટનો દાવો કરે છે અને ૨૦૨૦માં પાંચમાંથી ત્રણ વ્યક્તિએ નવા દાવા કર્યા છે. આ અભ્યાસના પરિણામે ચાન્સેલર સુનાક પર બજેટમાં સહાયના પ્રમાણમાં કાપ નહિ મૂકવાનું દબાણ થઈ શકે છે.

સરકારે પહેલા જ કોવિડ ૧૯ લોકડાઉન સમયે યુનિવર્સલ ક્રેડિટમાં સાપ્તાહિક ૨૦ પાઉન્ડનો વધારો કર્યો હોવાં છતાં, નવાં દાવેદાર પરિવારોને ૨૦૨૦માં ભારે આર્થિક મુશ્કેલી સહન કરવી પડી છે. YouGov દ્વારા મતદાનની ચકાસણીના આધારે રેઝોલ્યુશન ફાઉન્ડેશનને જણાયું હતું કે ૪૫ ટકાએ તેમની આવકમાં ઓછામાં ઓછાં ૨૫ ટકાનો જ્યારે, ૩૪ ટકાએ ઓછામાં ઓછાં બે પંચમાંશ (૪૦ ટકા) ઘટાડો થયાનું જણાવ્યું હતું. ૩૧ ટકા નવા દાવેદાર પરિવારોએ નવાં દેવાં કર્યા હતા અથવા વર્તમાન દેવામાં વધારો થયો હતો જ્યારે, ૨૧ ટકાએ આવશ્યક (નોન હાઉસિંગ) બિલ્સની ચૂકવણીમાં પાછાં પડ્યાનું જણાવ્યું હતું.

આગામી બજેટમાં ૨૦ પાઉન્ડનો વધારો પડતો મૂકાનારહ છે ત્યારે ૬૧ ટકા દાવેદાર પરિવારોનું કહેવું છે કે તેમને નિર્વાહ ચલાવવો મુશ્કેલ બનશે અથવા બિલની ચૂકવણીમાં વિલંબ થતો રહેશે.

એમ કહેવાય છે કે એપ્રિલ પછી સાપ્તાહિક વધારો ચાલુ રાખવાના બદલે ચાન્સેલર સુનાક એક સાથે ઓછામાં ઓછાં ૫૦૦ પાઉન્ડની ચૂકવણી કરવાની યોજના ધરાવે છે. ટ્રેઝરીને ચિંતા એ છે કે લેકોને વાર્ષિક બેનિફિટ્સમાં વધારાના ૧૦૦૦ પાઉન્ડ ચૂકવવાથી સરકારના વેલ્ફેર બિલમાં વાર્ષિક ૬ બિલિયન પાઉન્ડનો વધુ બોજ આવશે. અને અન્ય ક્ષેત્રોમાં કોવિડ-૧૯ સપોર્ટમાં કાપ મૂકવાની જરુર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter