લંડનઃ એક મહિલા માર્ગારેટ ફ્લેમિંગની કિશોરાવસ્થામાં હત્યા કરવા બદલ અને તેને મળતા બેનિફિટ્સનો લાભ લેવા માટે સતત ૨૦ વર્ષ સુધી તેના મૃત્યુની વાત છૂપાવવા બદલ તેની સંભાળ રાખતા ૭૭ વર્ષીય એડવર્ડ કેર્ની અને ૫૯ વર્ષીય એવરિલ જોન્સને ગ્લાસગોની હાઈ કોર્ટે ગુનેગાર ઠેરવ્યા હતા. માર્ગારેટનો મૃતદેહ હજુ મળ્યો નથી. લોર્ડ મેથ્યુઝ ૧૭મી જુલાઈએ આ બન્નેને સજા સંભળાવશે.
જ્યૂરીએ હત્યાના ગુનામાં બન્નેને ગુનેગાર ઠેરવ્યા હતા. આ ઉપરાંત, જ્યૂરીએ છેતરપિંડી કરીને ૧૮૨,૦૦૦ પાઉન્ડના બેનિફિટ ક્લેઈમ કરવા માટે જોન્સને સર્વાનુમતે ગુનેગાર ઠરાવી હતી. લર્નિંગ ડિફિકલ્ટીઝથી પીડાતી માર્ગારેટ ફ્લેમિંગ ૧૯ વર્ષની હતી ત્યારે તે ૧૭ ડિસેમ્બર, ૧૯૯૯ના રોજથી ગૂમ થઈ ગઈ હતી. ઈન્વર્ક્લેઈડના ઈન્વર્કિપમાં કેર્ની અને જોન્સ તેમના કોટેજમાં માર્ગારેટની સંભાળ રાખતા હતા. ગ્લાસગોમાં ટ્રાયલ દરમિયાન કેર્નીએ કોર્ટને ભારપૂર્વક જણાવ્યું હતું કે માર્ગારેટ હજુ જીવે છે અને લંડન ગઈ છે. તેણે દાવો કર્યો હતો કે માર્ગારેટને જ્યારે નાણાની જરૂર હોય ત્યારે તે ઈન્વર્કિપ આવે છે.
તેમણે ‘વિચિત્ર’ બીમારીની વાત કરીને બેનિફિટ્સ એજન્સી પાસેથી માર્ગારેટનાં નામે બેનિફિટ્સ ક્લેઈમ કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, બેનિફિટ સિસ્ટમમાં ફેરફાર થતાં અને નવું ફોર્મ ભરવાનું જરૂરી બનતાં આ બન્ને ઝડપાયા હતા. પોલીસની તપાસમાં ઘર જરા પણ રહેવાને લાયક જણાયું ન હતું.


