લંડનઃ ગત મહિને અમેરિકાના મિનેપોલીસ સિટીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની હત્યાના પગલે દેશભરમાં રંગભેદ અને ગુલામીપ્રથાના વિરોધનો જુવાળ પ્રગટ્યો છે ત્યારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા તેમના કેટલાક સીનિયર્સની ગુલામીપ્રથામાં ભૂમિકા બદલ માફી માગી છે. યુનિવર્સિટી લંડન કોલેજ (UCL)ના ડેટાબેઝના એનાલિસિસમાં જણાયું છે કે ચર્ચના લગભગ ૧૦૦ ધર્મગુરુએ ગુલામીપ્રથામાંથી ફાયદો મેળવ્યો હતો. આ ડેટાબેઝમાં ઈન્સ્યુરન્સ કંપની લોઈડ્ઝ, પબ ચેઈન ગ્રીન કિંગ, બાર્કલેઝ સાથે મર્જ કરાયેલી કોલોનીઅલ બેન્ક, સમગ્ર વિશ્વની મોટી કંપનીઓ પર ગુલામીપ્રથા તેમના સંડોવણી તેમજ રંગભેદી અસમાનતાનું નિરાકરણ કરવા વિશે દબાણ વધી રહ્યું છે.
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે સમાજમાં ગુલામી અને શોષણને કોઈ સ્થાન નથી. ગુલામીની નાબૂદીમાં ચર્ચની સક્રિય ભૂમિકા રહી હતી ત્યારે કેટલાકે ગુલામીપ્રથામાં સક્રિય ભાગ ભજવી નફાની કમામી કરી હતી તે શરમજનક છે. ચર્ચ દ્વારા જણાવાયું હતું કે ઐતિહાસિક કેસીસ સંદર્ભે ૨૦૦૬માં જ માફી માગવામા આવી હતી. જોકે, તેણે ‘ગુલામીના તમામ વર્તમાન પ્રકાર’ સામે લડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. બ્રિટિશ સામ્રાજ્યમાં ૧૮૩૩માં ગુલામોનો વેપાર નાબૂદ કરાયો ત્યારે ગુલામોના માલિકોને વળતરના ક્લેઈમ્સ ચૂકવાયા તેમાં ચર્ચના ૯૬ ધર્મગુરુ સંકળાયેલા હતા. આજના ધોરણે વળતરની કિંમત કુલ ૪૬ મિલિયન પાઉન્ડ જેટલી થાય છે. બીજી તરફ, ૩૨ ચર્ચનાં બાંધકામ સાથે પણ વળતરના દાવેદારો સંકળાયેલા હતા.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ તેના પૂર્વ ગવર્નર્સ અને ડાયરેક્ટર્સની ગુલામોના વેપાર સાથે બચાવ ન કરી શકાય તેવી સંડોવણીને વખોડી માફી માગી હતી. ૧૮મી અને ૧૯મી સદીના ગુલામોના વેપારને ‘ઈંગ્લિશ ઈતિહાસના અસ્વીકાર્ય હિસ્સા’ તરીકે ગણાવી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તેના કુખ્યાત અગ્રણીઓની તસ્વીરો દર્શાવાય નહિ તેના શપથ લીધા હતા. બેન્કના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંસ્થા તરીકે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ કદી ગુલામોના વેપાર સાથે પ્રત્યક્ષપણે સંકળાઈ નથી.
ઈન્સ્યુરન્સ જાયન્ટ લોઈડ્ઝ અને પબ ચેઈન ગ્રીન કિંગે UCLના ડેટાબેઝમાં તેમના ઉલ્લેખ પછી લઘુમતીઓની સહાય માટે જંગી રકમો ફાળવવા જાહેરાત કરી હતી. ગુલામોના વેપારની નાબૂદીના પગલે ૪૭,૦૦૦ લોકોએ વળતર મેળવ્યું હતું તેમાંથી એક બેન્જામિન ગ્રીને ૧૭૯૯માં ગ્રીન કિંગની સ્થાપના કરી હતી. બેન્જામિન ગ્રીને વર્તમાન ૫૦૦,૦૦૦ પાઉન્ડની કિંમતના બદલામાં વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ પ્લાન્ટેશન પરના અધિકાર જતા કર્યા હતા. ગ્રીન કિંગના ચીફ એક્ઝિક્યુટિવ નિક મેકેન્ઝીએ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી કોમ્યુનિટીને લાભ થાય તેવા નોંધપાત્ર ઈન્વેસ્ટમેન્ટ્સ કરવાની જાહેરાત કરી છે.
લંડનની લોઈડ્ઝ કંપનીની વાત કરીએ તો UCLના ડેટાબેઝ અનુસાર કંપનીના સ્થાપક સસ્ક્રાઈબર મેમ્બર સિમોન ફ્રેઝરને ડોમિનિકામાં એસ્ટેટ છોડી દેવા બદલ વર્તમાન ૪૦૦,૦૦૦ પાઉન્ડની કિંમતનું વળતર અપાયું હતું. લોઈડ્ઝ દ્વારા ૧૮મી અને ૧૯મી સદીના ગુલામોના વેપારમાં લોઈડ્ઝના બજારે ભજવેલી ભૂમિકાનો ખેદ વ્યક્ત કરવા સાથે અશ્વેત અને લઘુમતી વંશીય જૂથોના સમાવેશ અને તકને પ્રોત્સાહન આપતી ચેરિટીઝ અને સંસ્થાઓને નાણાકીય સપોર્ટની જાહેરાત કરી હતી.
ડેટાબેઝમાં કોલોનીઅલ બેન્કના મેનેજર, એક સ્થાપક સસ્ક્રાઈબર અને ત્રણ ડાયરેક્ટર્સનો પણ નામોલ્લેખ છે. આ બેન્કનું ૧૯૧૭માં બાર્કલેઝ સાથે મર્જર કરાયું હતું. આ ઉપરાંત, P&O (પેનિન્સ્યુલર એન્ડ ઓરિએન્ટલ સ્ટીમ નેવિગેશન કંપની) નામે ઓળખાતી ક્રુઝ લાઈનનો પણ આ યાદીમાં ઉલ્લેખ કરાયો છે.