બેન્ક ફ્રોડની સંખ્યા બમણીઃ ઠગારાઓએ લોકોનાં £૩૫૪.૩ મિલિયન ખિસ્સાભેગાં કર્યાં

Wednesday 27th March 2019 02:18 EDT
 
 

લંડનઃ યુકેમાં બેન્ક કૌભાંડ કે ફ્રોડની સંખ્યા એક જ વર્ષમાં બમણી થઈ છે. ઠગાઈ કરનારાઓએ કાયદેસર કંપનીઓ કે સંસ્થાના પ્રતિનિધિનો સ્વાંગ રચી ૮૪,૬૨૪ બચતકારોને છેતરી ૩૫૪.૩ મિલિયન પાઉન્ડ પોતાના ખિસ્સાભેગાં કરી લીધા હતા, જે ૨૦૧૭ની સરખામણીએ ૫૦ ટકાનો વધારો દર્શાવે છે. યુકે ફાઈનાન્સના આંકડા મુજબ છેતરપિંડી કરનારાએ ગયા વર્ષે કુલ ૧.૨ બિલિયન પાઉન્ડની ઠગાઈ કરી હતી. ૩૫૪ મિલિયન પાઉન્ડના ‘ઓથોરાઈઝ્ડ ફ્રોડ’ ઉપરાંત, બિનસત્તાવાર ફ્રોડમાં ગ્રાહકોએ વધુ ૮૪૫ મિલિયન પાઉન્ડ ગુમાવ્યા હતા. આવા ફ્રોડમાં વ્યક્તિના ક્રેડિટ-ડેબિટ કાર્ડની અથવા બેન્ક ડિટેઈલ્સની ચોરીથી મોટા પાયે ખરીદી કે ખર્ચ કરવાનો સમાવેશ થાય છે.

બ્રિટનમાં ‘સત્તાવાર’ ફ્રોડનું પ્રમાણ બમણું થયું છે, જ્યાં કસ્ટમર્સને તેમના બેન્કખાતામાંથી હજારો પાઉન્ડની રકમ ઠગાઈથી ટ્રાન્સફર કરાવાય છે. તાજેતરમાં જ બહાર આવેલા કૌભાંડમાં ભારતની એક ઓફિસમાં કામ કરતા ઠગારાઓએ યુકેના ટેક્સ અધિકારીઓનો સ્વાંગ રચી દિવસમાં ૧૦, ૦૦૦ જેટલા બ્રિટિશરો સાથે છેતરપીંડી આચરી હતી. પીડિતોને તેમના બાકી ટેક્સની ચૂકવણી કરવા અથવા જેલની હવા ખાવાની ધમકીઓ અપાતી હતી. અન્ય કિસ્સાઓમાં અપરાધીઓ પોતાને કાયદેસરની કંપનીઓ અથવા ગ્રાહકની બેન્ક્સ, ટેલિકોમ પ્રોવાઈડર્સ, સોલિસિટર અથવા તો પોલીસ સહિત સંસ્થાઓનાં અધિકારી હોવાનું ગણાવતા હતા.

બેન્કિંગ વેપાર સંસ્થા યુકે ફાઈનાન્સના આંકડા અનુસાર બેન્કોએ ગયા વર્ષે નાણા પડાવવાના કહેવાતા ઓથોરાઈઝ્ડ પેમેન્ટ ફ્રોડના ૮૪,૬૨૪ કેસ રેકોર્ડ કર્યા હતા, જેમાં છેતરપિંડીનો શિકાર બનેલા લોકોએ કુલ ૩૫૪.૩ મિલિયન પાઉન્ડની રકમ ગુમાવી હતી. કન્ઝ્યુમર્સ ગ્રૂપ્સના કહેવા મુજબ સંખ્યાબંધ લોકો શરમ, સંકોચ અને બદનામીના ભયે પોતાની સાથે થયેલી ઠગાઈની વાત કરતા ન હોવાથી કેસીસ અને રકમનો વાસ્તવિક આંકડો વધુ હોઈ શકે છે.

બીજી તરફ, બેન્કો પણ ગ્રાહકોએ નાણાકીય વ્યવહારની સત્તા આપી હોવાની દલીલ સાથે ઠગાઈનો શિકાર બનેલા ગ્રાહકોને રિફન્ડ આપવામાં વર્ષોથી આનાકાની કરતી રહી છે. ગયા વર્ષે ૩૫૪.૩ મિલિયન પાઉન્ડની ઠગાઈની રકમમાંથી માત્ર ૮૩ મિલિયન પાઉન્ડ ગ્રાહકોને રિફન્ડ તરીકે પરત કરાયાં હતાં. ઘણી વખત ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ છે અને તેમણે પોતાના ખાતાનાં નાણા કહેવાતા ‘સેફ એકાઉન્ટ’માં ટ્રાન્સફર કરવા જોઈએ તેવી ભરોસાપાત્ર બેન્ક સત્તાવાળાની ‘સલાહ’ના પગલે ગ્રાહકો આ રીતે પોતાની બચતો ટ્રાન્સફર કરે છે, જે સીધી ઠગારાના ખાતામાં જ જમા થાય છે, જે કદી પાછી આવતી નથી. આ રીતે કરાયેલી છેતરપિંડીની રકમ ૯૨.૭ મિલિયન પાઉન્ડ જેટલી હતી.

અન્ય સામાન્ય કૌભાંડ ઓનલાઈન શોપિંગનું છે, જેમાં ઠગારા ઓનલાઈન વેચાણ કરનારાનો વેશ રચી ખરીદારોને બનાવટી સામાનની ચૂકવણી કરવામાં લલચાવે છે. ખરીદેલી સેકન્ડ હેન્ડ કાર કદી મળતી નથી કે હોલિડે વિલાનું અસ્તિત્વ જ હોતું નથી, ગયા વર્ષે આ પ્રકારના ફ્રોડના ૫૨,૬૨૧ કેસ નોંધાયા હતા, જેમાં લોકોએ ૪૬.૪ મિલિયન પાઉન્ડ ગુમાવ્યા હતા. આ ઉપરાંત, ઊંચા વળતરની ખાતરીની લાલચે બોગસ કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ્સ, ડેટિંગ વેબસાઈટ્સ પર મળેલા પ્રિય પાત્રને નાણાનીજરૂર હોવાની દલીલો સાથે ઈમોશનલ બ્લેકમેઈલિંગ છેતરપિંડી અથવા રોમાન્સકૌભાંડ થકી પણ લોકોના નાણા ઓળવી લેવાય છે.

હવે મહત્ત્વની બાબત એ છે કે કેમ્પેઈનર્સના સતત અભિયાનના પગલે ગ્રાહકોના રક્ષણાર્થે શું પગલાં લેવાં જોઈએ તે દર્શાવતી આચારસંહિતાને માન્ય રાખવા મોટા ભાગની બેન્કોએ સહમતિ દર્શાવી છે. બેન્કની ભૂલ ના હોય તો પણ ‘ઓથોરાઈઝ્ડ ફ્રોડ’ નાં શિકાર બનેલા બચતકારોને રિફન્ડ આપવાનું પણ ચાલુ કરાનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter