બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૧૩ નવેમ્બરે ભાદરાથી બોચાસણ પધાર્યા હતા. તા.૧૫ને ગુરુવારે રાત્રે પરિસરમાં શાકોત્સવ યોજાયો હતો. પૂ. મહંત સ્વામીના હસ્તે રીંગણનું શાક બનાવીને હરિભક્તોને જમાડવામાં આવ્યા હતા. બોચાસણ અને આજુબાજુના ગામોના લગભગ સાત હજાર હરિભક્તોએ શાકોત્સવનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામીનારાયણ હયાત હતા ત્યારે લોયા ગામે શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભગવાને ૧૮ મણ ચોખ્ખા ઘીમાં ૬૦ મણ રીંગણનો વઘાર કરીને બનાવેલું શાક હરિભક્તોને પ્રસાદી રૂપે જમાડ્યું હતું. તે દિવસથી અત્યાર સુધી લોયા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પૂ. મહંત સ્વામીએ તૈયાર કરેલું શાક સ્વામીનારાયણ ભગવાનને અર્પણ કરાયું હતું. બાદમાં તે મુખ્ય શાકોત્સવમાં ભેળવીને હરિભક્તોને પીરસવામાં આવ્યું હતું. શાકોત્સવમાં એક હજાર કિલો રીંગણ, ૧,૫૦૦ કિલો ચોખ્ખું ઘી, એક હજાર કિલો રોટલા, ૨૫૦ કિલો ગોળ, ૨૫૦ કિલો આથેલા મરચા સહિતની સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. તા.૧૬મીએ વસંત પંચમીનો પ્રતિક ઉત્સવ ઉજવાયો હતો. તેમાં શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીએ સાંજની સભામાં શાસ્ત્રીજી મહારાજનો મહિમા વર્ણવ્યો હતો. તા.૧૭મીએ હરિનોમ એટલે કે ભગવાન સ્વામીનારાયણના જન્મદિનનો પ્રતિક ઉત્સવ ઉજવાયો હતો. ત્રણ લઘુ સંવાદો દ્વારા ભગવાને કરેલા કાર્યની સમજ અપાઈ હતી. પૂ. મહંત સ્વામીએ ભગવાન સ્વામીનારાયણનું કાર્ય, ગુણો અને સ્વરૂપ વિશે આશીર્વચન પાઠવ્યા હતા. તા.૧૮મીએ પ્રતિક ફુલદોલોત્સવની ઉજવણી કરાઈ હતી. પૂ. મહંત સ્વામીએ હરિભક્તો પર ફૂલોની વર્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન તો ભક્તિના રંગે રંગાય છે. ભક્તોના હૈયામાં ભક્તિનો રંગ હોય એટલું જ મહત્ત્વનું છે. તા.૧૯મીએ પ્રબોધિની એકાદશીએ શાકની હાટડી ભરવામાં આવી હતી.


