લંડનઃ બોરિસ જ્હોન્સન સરકારે ૧ જૂનથી શાળાઓ તબક્કાવાર ખોલવાના નિર્ણયમાં પીછેહઠ કરવાની ફરજ પડી છે. કોરોના મહામારીના પગલે બે મહિનાથી ૧૫૦૦ જેટલી સ્કૂલ્સ બંધ હોવાથી લાખો બાળકો ઘરમાં જ છે અને હજુ પણ ઘરમાં જ રહી શકે છે. ૨૨ એકેડેમી ટ્રસ્ટોએ શાળાઓ ખોલવામાં વિલંબથી બાળકોને ભારે નુકસાન જવાની ચિંતા દર્શાવી છેત્યારે રોગચાળા સામે સુરક્ષા અને સમય અંગે ચિંતા દર્શાવી ૧૩ કાઉન્સિલ, મોટા ભાગના પેરન્ટ્સ, સ્કૂલ સ્ટાફ અને યુનિયનો દ્વારા નર્સરીઝ, રિસેપ્શન, ધોરણ ૧ અને ધોરણ ૬ની શાળાઓ પહેલી જૂનથી ખોલવા સામે ભારે વિરોધ કરાયો છે. કેટલાક પેરન્ટ્સે સ્કૂલો ખોલવાને સમર્થન આપવા દબાણ કરાયોનો આક્ષેપ પણ લગાવ્યો છે. બીજી તરફ, તબીબી નિષ્ણાતોએ વલણ બદલીને બાળકોને તબક્કાવાર શાળાએ મોકલી શકાય તેવું જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે યુરોપના ૨૨ દેશમાં બાળકો શાળાએ જતાં થયાં છે. ફ્રાન્સમાં ગત સપ્તાહથી ૧.૪ મિલિયન બાળકો શાળાએ જવાં લાગ્યાં છે પરંતુ, ૪૦,૦૦૦ નર્સરીઝ અને શાળામાં કોરોનાના માત્ર ૭૦ કેસ જોવા મળ્યા છે.
જૂન મહિનાના આરંભે શાળાઓ ફરી ખોલવાના મુદ્દે બોરિસ સરકારને પીછેહઠ કરવી પડી છે. એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસને જણાવ્યું હતું કે કેટલાક બાળકોને શિક્ષણ મળ્યું જ નથી. બાળકોના વિકાસ અને ભાવિ તકો માટે પણ તેમને વેળાસર શાળાએ મોકલવા આવશ્યક છે. એજ્યુકેશન સેક્રેટરી અને ટીચર્સ યુનિયનો વચ્ચે શાળા ખોલવા મુદ્દે ચર્ચાઓમાં કોઈ સફળતા મળી ન હતી. જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે સ્વીકાર્યું હતું કે ૧ જૂનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પણ તેઓ શાળાઓ ખોલવા બાબતે સમજાવટ કરી રહ્યા છે.તેમણે કહ્યું હતું કે પહેલી જૂનથી સ્કૂલો ખોલવાની યોજના સમગ્ર દેશ માટે નહોતી. સરકાર બાળકો કે શિક્ષકો- કોઇનો પણ જીવ જોખમમાં મૂકવાની તરફેણમાં નથી. સ્કૂલોની વાત સાંભળવી પણ જરૂરી છે. જોકે, ૧૩ કાઉન્સિલે ઈનકાર કરી દીધો હોવાથી બધી શાળાઓ એકસાથે ખુલે તેવી કોઈ શક્યતા જણાતી નથી.
દરમિયાન, બ્રિટિશ મેડિકલ એસોસિયેશને અગાઉ ટીચિંગ યુનિયન્સને ટેકો જાહેર કર્યો હતો પરેંતુ, હવે વલણ બદલીને જણાવ્યું હતું કે જો સલામત જણાય તો શાળાઓ ખોલવી જોઈએ. અગાઉ, BMA કાઉન્સિલ ચેરમેન ડો. ચાંદ નાગપોલે સરકારની દરખાસ્તોને માન્ય નહિ રાખવા જણાવતા નેશનલ એજ્યુકેશન યુનિયનને ટેકો જાહેર કરતો પત્ર લખ્યો હતો. જોકે, હવે સંસ્થાની પબ્લિક હેલ્થ મેડિસીન કમિટીના ચેરમેન ડો. પીટર ઈંગ્લિશે ટેલિગ્રાફ અખબારના લેખમાં જણાવ્યું છે કે બાળકોને કોવિડ-૧૯થી ચેપનું વ્યક્તિગત જોખમ ઘણું ઓછું હોવાના પુરાવાઓ મળી રહ્યા છે.
પેરન્ટ્સ અને ટીચર્સ પણ સામાસામા
આ મુદ્દે પેરન્ટ્સ અને ટીચર્સ વચ્ચે પણ સામાસામા આક્ષેપોની ઝડી વરસી હતી. ઘણા પેરન્ટ્સ કહે છે કે તેઓ શાળા ખોલવા અને બાળકોને શાળામાં મોકલવાને સમર્થન આપતા હોવાથી વોટ્સએપ્પ સહિતના સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા કરાય છે. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે તેમના બાળકોનો અભ્યાસ ન છૂટી જાય.બીજી તરફ, કેટલાક પેરન્ટ્સે જણાવ્યું છે કે શાળાઓ ખોલવાને સમર્થન આપવા તેમના પર દબાણ થઈ રહ્યું છે. મમ્સનેટ જેવા ઓનલાઈન ફોરમ્સ પર ટીકાઓ થઈ છે કે ઘણી માતાઓ પોતે નોકરીએ જઈ શકે તે માટે બાળકોને ફરી શાળાએ મોકલી દેવા માગે છે. સામા પક્ષે ટીચર્સ જણાવે છે કે અમને નાહકના સંડોવી દેવાયા છે. અમને ઠપકો આપવાનો પેરન્ટ્સ કે વાલીઓને હક નથી.
શિક્ષકોનો મતઃ શાળાએ જવું અસલામત
ટીચર્સ યુનિયન NASUWT દ્વારા લેવાયેલા મતદાનમાં જણાયું છે કે ૨૦માંથી માત્ર ૧ એટલે કે પાંચ ટકા શિક્ષકો જ માને છે કે બાળકો માટે આગામી મહિનાથી શાળાએ જવું સલામત હશે. યુનિયનના સેક્રેટરી પેટ્રિક રોશે એજ્યુકેશન સેક્રેટરીને પત્ર લખી જણાવ્યું હતું કે યુનિયન જૂન ૧થી શાળાઓને ફરી ખોલવાનું પગલું યોગ્ય કે વ્યવહારું હોવાનું માનતું નથી. ઈંગ્લેન્ડમાં યુનિયનના ૨૯,૦૦૦ જેટલા સભ્યોના સર્વેમાં જણાયું હતું કે ૧૦માંથી ૯ શિક્ષકો શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનું અશક્ય હોવાનું તેમજ સૂચિત પગલાં તેમના અથવા વિદ્યાર્થીઓના આરોગ્ય માટે પૂરતાં નહિ હોવાનું માને છે. આ ઉપરાંત, ૮૭ ટકા શિક્ષકોએ વાઈરસ સામે સ્ટાફને રક્ષણ આપવા PPE આવશ્યક હોવાનું જણાવ્યું હતું. નેશનલ એજ્યુકેશન યુનિયને તેના ૪૫૦,૦૦૦ સભ્યોને આગામી મહિને શાળાએ ગયા પછી પણ બાળકોના કામની ચકાસણી નહિ કરવા તેમજ હજુ ઘેર જ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછું ઓનલાઈન ટ્યુશન કરવા જણાવ્યું છે.
પેરન્ટ્સ બાળકોને શાળાએ મોકલવા રાજી નથી
પહેલી જૂનથી શાળાઓ ખૂલવાની સંભાવના છે ત્યારે લાખો બાળકોને શાળાએ મોકલવા કે નહિ તે બાબતે પેરન્ટ્સ અને ગાર્ડિયન્સને ભારે મૂંઝવણ છે. તાજેતરમાં childcare.co.uk દ્વારા ૨૦,૦૦૦ પેરન્ટ્સના સર્વે અનુસાર ૬૨ ટકા વાલી બાળકોને ઓછામાં ઓછાં સપ્ટેમ્બર સુધી સ્કૂલે મોકલવા સલામત નહિ હોવાનું માને છે. ૧૦ ટકા પેરન્ટ્સ તો ઓક્ટોબર ૨૦૨૦ સુધી શાળાએ મોકલવા સહમત નથી. મોટા ભાગની શાળાઓ લોકડાઉન દરમિયાન ચાવીરુપ વર્કર્સના બાળકોની કાળજી અને અભ્યાસ પર ધ્યાન રાખી રહી છે પરંતુ, બહુમતી બાળકોને પેરન્ટ્સ ઘરમાં જ અભ્યાસ કરાવે છે જેમાંથી ઘણા કામ પર જતા હોય છે.
લેબર કાઉન્સિલોએ વિરોધ કર્યો
વડા પ્રધાન જ્હોન્સનની ૧ જૂને પ્રાઈમરી શાળાઓ ફરી ખોલવાની યોજના સામે લેબર પાર્ટીની સત્તા સાથેની કાઉન્સિલોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. આ વિરોધ કરનારી લેબર કાઉન્સિલ્સમાં બ્રાઈટન એન્ડ હોવ, સ્લાઉ, ટીસ્સાઈડ, સ્ટોકપોર્ટ, બરી,લિવરપૂલ, હર્ટલપૂલ, વિરાલ, કાલ્ડેરડેલ, બર્મિંગહામ, બ્રેડફોર્ડ અને લીડ્ઝનો સમાવેશ થાય છે. કન્ઝર્વેટિવ પાર્ટી હસ્તક સોલિહલ કાઉન્સિલે પણ વિરોધ કર્યો છે. જોકે, લેબર પાર્ટી હસ્તકની વેકફિલ્ડ, બાર્કિંગ એન્ડ ડેગનહામ, રેડબ્રિજ, બ્રિસ્ટોલ, ન્યૂકેસલ અને સાઉથમ્પ્ટન કાઉન્સિલોએ વિરોધ તો કર્યો છે પરંતુ, નિર્ણય શાળાઓ પર છોડી દીધો છે. પૂર્વ લેબરનેતા જેરેમી કોર્બીને શાળાઓ ખોલવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે તો પૂર્વ લેબર વડા પ્રધાન ટોની બ્લેરે શાળાઓ ફરી ખોલવાની તરફેણ કરી છે.