બ્રહ્માકુમારી સંસ્થાનના દાદી જાનકીએ યુકે અને યુરોપની મુલાકાત લીધી

Wednesday 20th September 2017 06:31 EDT
 
 

લંડનઃ બ્રહ્માકુમારી સંસ્થાનના દાદી જાનકીને ૩૦ જુલાઈ, ૨૦૧૭ના દિવસે આવકારવામાં લંડન નગરે ભારે આનંદ અનુભવ્યો હતો. સાત સમંદર પાર કરીને દાદી જાનકીએ ફરી એક વખત લંડનની મુલાકાત લીધી હતી. આ સ્વપ્ન હતું કે વાસ્તવિકતા, કારણકે ૧૦૧ વર્ષના યુવાન દાદીના સ્વાસ્થ્યની ચિંતા થાય તે સ્વાભાવિક હતું. દાદી કહે છે કે તેઓ ઈશ્વરનું સ્મરણ કરવાનું વધુ પસંદ કરતાં હોવાથી બોલવાના બદલે મૌન રહેવામાં માને છે. તેઓ ૩૦ જુલાઈથી ૧૫ સપ્ટેમ્બર સુધી યુકે અને યુરોપમાં રહ્યાં હતાં.

દાદી જાનકીએ ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં રક્ષાબંધનની ઉજવણી અર્થે ગ્લોબલ કો-ઓપરેશન હાઉસના ઓડિટોરિયમમાં ઉપસ્થિત થઈ બધાને ચોંકાવી દીધા હતા. રાખી બાંધવા આવતા દરેકને તેઓ અમીનજરે નિહાળી આશીર્વાદ આપતાં હતાં.

ઓગસ્ટની મધ્યમાં એક દેવદૂતની માફક જ તેમણે જર્મનીમાં યુરોપિયન ટીચરના નવા રીટ્રીટનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં મોરિન્જેનની મુલાકાત કરી હતી. દાદીએ બધાંને પ્રેમ અને સ્નેહથી તરબોળ કરી દીધાં હતાં. તેમને કરાયેલા પ્રશ્નોનો સ્પષ્ટ ઉત્તર પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વર્તમાનમાં જીવવું એ જ મોટી ભેટ છે. જો આપણે ભૂતકાળ પર પૂર્ણવિરામ મૂકી અને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો આપણી સમક્ષ મહાન તકો આવશે અને ભવિષ્ય ઘણું સારું રહેશે તેની આપણને જાણ થશે. દાદીએ મિડલેન્ડ્સથી લંડન આવેલી આશરે ૧૫૦ બ્રહ્મા કુમારી વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત યોજી આશીર્વચન આપ્યાં હતાં.

દાદીએ ગુજરાત અને રાજસ્થાનમાં યુકેના ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઈન, લંડનના બિઝનેસ માટેના મેયર રાજેશ અગ્રવાલ, ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન મિ. એ.એસ. રાજન, યુકેસ્થિત નેપાળના રાજદૂત ડો. સુબેદી, પ્રોફેસર ડેવિડ કેડમેન, ડાઉન બટલર, બ્રેન્ટના મોહમ્મદ બટ્ટ સહિત અનેક મહાનુભાવો સાથે સ્નેહ અને શાણપણની આપ-લે કરી હતી.

આશરે ૪૦૦ બ્રહ્મા કુમારી વિદ્યાર્થિનીઓ લેસ્ટરના હાર્મની હાઉસમાં એકત્ર થઈ હતી અને તેમને મળવાં માટે જ દાદીએ લેસ્ટરનો પ્રવાસ કર્યો હતો અને તેઓ સાનંદાશ્ચર્યમાં મૂકાયાં હતાં. ઓગસ્ટ બેન્ક હોલિડેના દિવસે દાદીએ ઓક્સફર્ડ રીટ્રીટ સેન્ટર જઈ ત્યાંના નિવાસીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. દાદીએ સુંદર આબોહવામાં બગીચાઓમાં ઓર્ગેનિક સફરજન સહિતના ફળોનો પણ આસ્વાદ લીધો હતો. દાદીએ સમુદ્રની નજીક સાઉથ કોસ્ટ પર આવેલા વર્ધિંગ રીટ્રિટ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. સમુદ્ર પ્રેમના મહાસાગર, પરમાત્માની યાદ અપાવતો હોવાથી દાદીને સમુદ્રની નિકટ રહેવું ગમે છે.

લંડનનું ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ યુકે, યુરોપ અને આંતરરાષ્ટ્રીય મહેમાનોથી ભરચક રહ્યું હતું. સંખ્યાબંધ મહેમાનોએ દાદીને મળવા માટે જ સેન્ટરમાં આવવાની તક ઝડપી લીધી હતી. ગ્લોબલ કો-ઓપરેશન હાઉસના ઉદ્ઘાટનને ૨૫ વર્ષ પૂર્ણ થયા હોઈ રજતજયંતી ઉજવણી નિમિત્તે ૭ સપ્ટેમ્બરની સાંજે દાદી આમંત્રિતો માટે વિશેષ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. કાર્યક્રમમાં ગત ૨૫ વર્ષોની યાદ અપાવતા કાર્યક્રમોની ક્લિપ્સ દર્શાવાયા સાથે કેટલાક વિશિષ્ટ મહેમાનોના સંદેશા ઉપરાંત, પૂર્વ અને પશ્ચિમનો સમન્વય સાધતા નૃત્યો અને ગીતોની રમઝટ જોવાં મળી હતી. કાર્યક્રમના સમાપનમાં દાદીએ સંબોધન કર્યું હતું અને દરેકની સાથે મીઠાઈનો આસ્વાદ માણ્યો હતો.

આ દિવસોમાં દાદીની સક્રિયતા સંપૂર્ણપણે જોવા મળી હતી. તેમણે લોકો અને સમૂહો સાથે સમય વીતાવ્યો હતો, સાંજના ધ્યાન કાર્યક્રમમાં હંમેશાં ઉપસ્થિત રહી લોકોને દોરવણી આપી હતી અને આ પછી જ્ઞાનભંડારમાંથી વીલેણાં રત્નોમાં બધાને સહભાગી બનાવ્યા હતા.

આટલા લાંબા સહવાસ પછી અમે ૧૫ સપ્ટેમ્બરની સવારે દાદી જાનકીને વિદાય આપી ત્યારે દાદીએ કહ્યું હતું કે તેઓ કશે જ જઈ રહ્યાં નથી અને હંમેશાં અમારા દિલમાં જ રહેશે.                                         ઓમ શાંતિઃ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter