લંડનઃ થેરેસા મે સરકારે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે માત્ર અફસોસ વ્યક્ત કર્યો છે ત્યારે બહુમતી બ્રિટિશ શીખોની લાગણી છે કે બ્રિટિશ સરકારે ભારતમાં ૧૦૦ વર્ષ અગાઉના જલિયાંવાલા નરસંહાર અંગે જવાબદારી સ્વીકારી સંપૂર્ણ માફી માગવી જોઈએ. ૭૮ ટકા બ્રિટિશ શીખોએ માફી માગવા અને ૮૫ ટકાએ આ બાબત શાળાના અભ્યાસમાં શીખવવી જોઈએ તેવી લાગણી બ્રિટિશ શીખ રિપોર્ટમાં વ્યક્ત કરી છે.
સાતમો વાર્ષિક બ્રિટિશ શીખ રિપોર્ટ (BSR) આ પ્રકારનો એકમાત્ર વ્યૂહાત્મક દસ્તાવેજ છે. સમગ્ર દેશમાં ૨૦૦૦થી વધુ શીખના સર્વે પર આધારિત આ રિપોર્ટ બ્રિટિશ શીખ કોમ્યુનિટીના ગુણાત્મક ડેટા પૂરો પાડવાનો હેતુ ધરાવે છે. આ વર્ષના રિપોર્ટમાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના જલિયાંવાલા બાગ નરસંહાર સહિત વિવિધ એનીવર્સરી પર બ્રિટિશ શીખોના મંતવ્યોનો સમાવેશ કરાયો છે. અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતી આ ઘટનામાં શાંતિમય રીતે એકત્ર થયેલાં સેંકડો નિર્દોષ પંજાબીઓ પર બ્રિટિશ ઈન્ડિયન આર્મી દ્વારા અમાનુષી ગોળીબાર કરાયો હતો, જેમાં સત્તાવાર રીતે ૩૭૯ લોકોનાં મોત થયાં હતાં.
૭૮ ટકા બ્રિટિશ શીખ મતદારોએ જણાવ્યું હતું કે બ્રિટિશ સરકારે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે માફી માગવી જ જોઈએ. આ ઉપરાંત, ૮૫ ટકા શીખ મતદારે હત્યાકાંડ જેવી ઘટનાઓને શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.
બ્રિટિશ શીખ રિપોર્ટના એડિટર જગદેવસિંહ વિર્ડી MBE એ ટીપ્પણી કરી હતી કે,‘ આ વર્ષે ઘણી મહત્ત્વની વર્ષીઓ આવી છે ત્યારે આવાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરત્વે બ્રિટિશ શીખોનો અભિપ્રાય મેળવવો જોઈએ તેમ BSRની ટીમે વિચાર્યું હતું. એ જાણવું રસપ્રદ રહ્યું છે કે સરકાર પાસેથી સત્તાવાર માફી માગવા ઈચ્છતાં શીખ સભ્યો કરતાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે શાળાઓમાં શીખવવું જોઈએ તેવી માગણી કરનારા શીખોની સંખ્યા વધુ રહી હતી. આ વર્ષનો બ્રિટિશ શીખ રિપોર્ટ થોડાં દિવસોમાં લોન્ચ કરાનાર છે, જેમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે વલણ, બાળકોને દત્તક લેવાં અને તેમનું પાલન, અક્ષમતા અને માનસિક આરોગ્ય સહિત લોકોનાં જીવનને અસર કરતા વર્તમાન મુદ્દાઓ પણ આવરી લેવાયાં છે.