લંડનઃ બ્રિટનની સંસદમાં પણ #metoo કેમ્પેન પહોંચી ચૂક્યું છે. બ્રિટિશ સાંસદોના મહિલા કર્મચારીઓએ ગયા વર્ષે ઉત્પીડનની ફરિયાદો કરી હતી. ત્યાર બાદ તપાસ સમિતિનો અહેવાલ તાજેતરમાં રજૂ કરાયો હતો. તેમાં જણાવાયું હતું કે બ્રિટનના ભૂતપૂર્વ અને હાલના સાંસદો મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા, તેમને પકડવાની કોશિશ કરતા હતા. કેરિયર ખરાબ કરવાની ધમકી આપીને મહિલાઓને ફરિયાદ દાખલ કરવાથી અટકાવતા હતા.
હાઇકોર્ટનાં ભૂતપૂર્વ જજ લોરા કોકસની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિના અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે સંસદમાં લાંબા સમયથી ડરાવી-ધમકાવીને, દુર્વ્યવહાર અને યૌન ઉત્પીડનને સહન કરવાની અને છુપાવવાની સંસ્કૃતિ છે. સાંસદો દ્વારા ઉત્પીડનનો ખુલાસો કરનારા લોકોને કોઈ રક્ષણ પણ અપાતું નહોતું.
સ્પીકર પર પણ ઉત્પીડનનો આક્ષેપ
અહેવાલની શરતો મુજબ ઉત્પીડન કરનારા આરોપીઓનાં નામ પણ જાહેર કરી શકાય તેમ નથી. જોકે, સંસદના સ્પીકર જોન બર્કાઓ પર હાઉસ ઓફ કોમન્સના સ્ટાફને ડરાવવા-ધમકાવવાનો આરોપ મૂકાયો છે, જેના લીધે તેમના પર રાજીનામું આપવાનું દબાણ છે.


