લંડનઃ બ્રિટનનું સૌથી મોટું વિઝા કૌભાંડ આચરનારા ઠગ ટોળકીના ચાર લોકો જેલના સળિયા પાછળ ધકેલાતા રહી ગયા હતા. જોકે, તેમને સસ્પેન્ડેડ જેલની સજા થઈ છે. ટેક્સી ડ્રાઈવર મોહમ્મદ જિલ્લુર રહેમાન ખાન (૪૩) અને પરીણિત યુગલ મઝરુલ હક્ક (૪૬) તથા મક્સુદા બેગમ (૪૫) તેમજ ૪૭ વર્ષીય શાહેદા રુક્સાનાએ દાવો કર્યો હતો કે તેમના ક્લાયન્ટ્સ કર્મચારીઓ હતા અને તેમને વર્ક પરમીટ મેળવવી હતી. ખાનને બે વર્ષ, રુક્સાનાને ૧૯ મહિના, બેગમને ૧૦ મહિના અને હક્કને ૧૬ મહિનાની સજા થઈ હતી. સધર્ક ક્રાઉન કોર્ટે આ તમામની સજા બે વર્ષ સુધી સસ્પેન્ડેડ રાખી છે.
ટોળકીના અન્ય એક સભ્ય અને કાયદાના વિદ્યાર્થી ૪૨ વર્ષીય અબ્દુલ કલામ મુહમ્મદ રઝુલ કરીમને ગયા વર્ષે જેલ થઈ હતી. પરંતુ, તે ભાગી ગયો હતો અને ગયા નવેમ્બરમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી વતી ચૂંટણીમાં ઉભો રહ્યો હતો. સધર્ક ક્રાઉન કોર્ટને જણાવાયું હતું કે આ ટોળકીએ એમ્પાયર ફાઈનાન્સ, ઈમિગ્રેશન 4u અને મો‘સ સ્પાઈસ ઈન સહિત ૫૩ કંપનીઓ ઉભી કરી હતી. તેમણે ‘કહેવાતા’ વર્કરો માટે નકલી પે સ્લિપો બનાવી હતી તેમજ જનરલ એન્ડ એન્ટ્રેપ્રીન્યોર વિઝા માટે ૯૦૦ અરજદારોની ખોટી માહિતી આપી હતી.
આ ટોળકીએ બનાવટી કંપનીઓ અને બોગસ ડોક્યુમેન્ટ્સનું એવું વિશાળ નેટવર્ક ઉભું કર્યું હતું જેના આધારે ૯૦૦ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ યુકેમાં રહી શકે તેમ હતું. તેમણે અરજદારોને બનાવટી દસ્તાવેજો પૂરા પાડ્યા હતા અને તેઓ ધનવાન લાગે તે માટે તેમના બેંક ખાતામાં રકમ પણ ટ્રાન્સફર કરી હતી. ટોળકીએ ટેમ્પરરી વિઝા મેળવીને યુકેમાં જ રહી જવા માગતા કેટલાક લોકો પાસેથી ઈમિગ્રેશન સર્વિસ માટે દરેકનાં ઓછામાં ઓછાં ૭૦૦ પાઉન્ડ રોકડા વસૂલ કર્યા હતા. (૨૭૦)