લંડનઃ આગામી દાયકામાં બ્રિટનમાં રહેતા લોકોની સંખ્યામાં ૩.૬ મિલિયન એટલે કે ૫.૫ ટકાનો વધારો થશે અને ૨૦૨૯ના વર્ષની મધ્યે તો બ્રિટનની વસ્તી ૭૦ મિલિયનના આંકડાને પણ વટાવી જશે તેવી આગાહી ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા કરાઈ છે. આ વસ્તીવૃદ્ધિમાં અડધાથી વધુ એટલે કે ૫૪ ટકાનો વધારો આંતરરાષ્ટ્રીય માઈગ્રેશનના પરિણામે હશે. આગાહીમાં ફર્ટિલિટી દર અને અપેક્ષિત આયુમર્યાદા પરિબળો પણ ધ્યાનમાં લેવાયાં છે. આગામી દાયકામાં બ્રિટનનો ૪૬ ટકા વસ્તીવધારો મૃત્યુ કરતા વધુ જન્મના પરિણામે હશે.
સમગ્રતયા, ૨૦૧૪માં કરાયેલી આગાહી કરતા વસ્તીમાં ધીમી ગતિએ વધારો થશે અને આ માટે નીચું ઈમિગ્રેશન, મહિલાઓને ઓછાં બાળકોનો જન્મ તેમજ અપેક્ષિત આયુમર્યાદામાં ધાર્યા કરતા ઓછી વૃદ્ધિ જવાબદાર રહેશે તેમ નવી આગાહીમાં જણાવાયું છે.
ONS પોપ્યુલેશન પ્રોજેક્શન્સ યુનિટના એન્ડ્રયુ નાશે જણાવ્યું હતું કે મધ્ય-૨૦૧૬થી મધ્ય-૨૦૨૬ના ગાળામાં યુકેની વસ્તી ૬૫.૬ મિલિયનથી વધીને ૬૯.૨ મિલિયન થશે. યુકેના અન્ય હિસ્સાઓની સરખામણીએ ઇંગ્લેન્ડ વસ્તી વધુ ઝડપે વધશે. નોર્ધન આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં અનુક્રમે ૪.૨ ટકા, ૩.૨ ટકા અને ૩.૧ ટકા વસ્તીવધારો થશે.
આ સમયગાળામાં ૫૪ ટકા વધારો આંતરરાષ્ટ્રીય માઈગ્રેશન અને બાકીના ૪૬ ટકાનો વધારો મૃત્યુ કરતા વધુ જન્મના પરિણામે હશે. આગામી ૨૫ વર્ષમાં ૮૫ અને તેથી વધુ વયના લોકોની સંખ્યા બમણી થશે. મધ્ય-૧૯૯૧થી મધ્ય-૨૦૧૬ના ૨૫ વર્ષના ગાળામાં વસ્તીમાં ૮.૨ મિલિયન (૧૪.૩ ટકા)નો વધારો થયો હતો જ્યારે મધ્ય-૨૦૧૬થી મધ્ય-૨૦૩૧ના ગાળામાં વસ્તીવધારો વધુ ૭.૩ મિલિયન (૧૧.૧ ટકા)નો રહેવાનો અંદાજ છે.


