બ્રિટનની સંપત્તિનું નિર્માણ કરતા એશિયન ઉદ્યોગસાહસિકો

રુપાંજના દત્તા Wednesday 10th May 2017 06:45 EDT
 
 

લંડનઃ ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટે ફરી એક વખત પુરવાર કર્યું છે કે ડાયસ્પોરા કોઈ પણ પડકારને પહોંચી વળી અન્યો કરતા આગળ વધી જવાનું સાહસ અને ઈચ્છાશક્તિ ધરાવે છે. બ્રેક્ઝિટના સંજોગોમાં ચોતરફ અચોક્કસતાનું વાતાવરણ છે ત્યારે પણ ધનાઢ્યોની સંપત્તિ ચોક્કસ તેજી સાથે સુપરચાર્જ થઈ છે, જેમાં વિક્રમી સંપત્તિ અને અગાઉ કરતા મોટી સંખ્યામાં બિલિયોનર્સ જોવાં મળ્યાં છે. રિચ લિસ્ટની ૨૯મી આવૃત્તિ દર્શાવે છે કે ૨૦૧૬માં ટોપના સમગ્ર ૧૦૦૦ ધનવાનોની સરખામણીએ આ વર્ષની યાદીમાં ટોપના ૫૦૦ સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ અને પરિવારોની સંપત્તિ વધારે છે. આ યાદીમાં મૂળ ભારતીય ત્રણ એન્ટ્રેપ્રીન્યોર પ્રથમ ૧૦ ક્રમમાં આવે છે. આ ઉપરાંત, ઓછામાં ઓછાં ૬૫ ધનવાન અથવા પરિવાર સાઉથ-એશિયન મૂળના અને મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, શ્રી લંકા અને બાંગલાદેશમાંથી આવે છે અને યાદીમાં કેટલાક નવા ધનપતિઓ પણ છે.

બ્રિટનમાં ૧૩૪ બિલિયોનર્સ છે, જેમાં પ્રથમ ક્રમે ભારતમાં જન્મેલા ઉદ્યોગસાહસિકો શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા છે જેમની કુલ સંપતિ ગત વર્ષની સંપત્તિમાં ૩.૨ બિલિયન પાઉન્ડના વધારા સાથે ૧૬.૨ બિલિયન પાઉન્ડ થઈ છે. હિન્દુજા બંધુઓ વેસ્ટમિન્સ્ટરની ઓલ્ડ વોર ઓફિસને લક્ઝરી હોટલમાં રુપાંતરિત કરી રહ્યા છે. તેમણે ફાઈનાન્સથી માંડી પ્રોપર્ટી અને ઓઈલ તેમજ પ્લાસ્ટિક્સ ક્ષેત્રોમાં ખેડાણ કરીને પિતાના બિઝનેસને વિશાળ સામ્રાજ્યમાં ફેરવી નાખ્યો છે.

મુંબઈમાં જન્મેલા ડેવિડ અને સિમોન રૂબેન પ્રોપર્ટી અને ઈન્ટરનેટ મારફત કમાણીમાં ૧૪.૨ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે, જે ગત વર્ષ કરતા ૯૦૦ મિલિયન પાઉન્ડ વધારે છે. ચોથા ક્રમે ૧૩.૨૨૯ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ આવે છે. તેમની સંપત્તિમાં ગત વર્ષ કરતા ૬.૧૦૯ બિલિયન પાઉન્ડનો વધારો થયો છે.

રિચ લિસ્ટમાં નવો પ્રવેશ મેળવનારા ધનપતિઓમાં સુરિન્દર અરોરા અને ફેમિલી યાદીમાં ૪૪૩મા ક્રમે (હોટેલ્સ,૨૫૮ મિલિયન), શરન પસરિચા ૮૧૯મા ક્રમે (હોટેલ્સ,૧૩૫ મિલિયન), નીતિન સોઢા અને ફેમિલી ૮૪૦મા ક્રમે (ફાર્માસ્યુટિકલ્સ,૧૩૦ મિલિયન), અને રાજ માણેક ૯૨૯મા ક્રમે (કન્સ્ટ્રકશન્સ, ૧૧૭ મિલિયન)નો સમાવેશ થયો છે.

માત્ર ૧૫ વર્ષ અગાઉ આ રિચ લિસ્ટમાં યુકેસ્થિત બિલિયોનર્સની સંખ્યા ૨૧ જ હતી. ગત એક વર્ષમાં જ ૧૯ ધનપતિઓની સંપત્તિમાં એક બિલિયન પાઉન્ડથી વધુનો ઉમેરો થયો છે. બ્રિટન ઈયુની બહાર નીકળશે તો ભવિષ્ય કેવું રહેશે તેની ચિંતા લોકો કરે છે ત્યારે બ્રિટનના સૌથી વધુ ધનવાન ૧,૦૦૦ વ્યક્તિ અને પરિવારની કુલ સંપત્તિ ૬૫૮ બિલિયન પાઉન્ડને આંબી ગઈ છે જે ગત વર્ષ કરતા ૧૪ ટકાનો વધારો સૂચવે છે. રિચ લિસ્ટના ટોપ ૫૦૦ ધનપતિની સંયુક્ત સંપત્તિ ૫૮૦.૩ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી છે, જે ૨૦૧૬માં ૧,૦૦૦ સૌથી ધનવાન લોકોની કુલ સંપત્તિ ૫૭૫.૬ બિલિયન પાઉન્ડ કરતા વધુ છે. આમાં એરિસ્ટ્રોક્રેટ્સનો પણ સમાવેશ થાય છે.

તમામ ધનની કમાણી સિટી ઓફ લંડનમાંથી અથવા પ્રોપર્ટી કે મેન્યુફેકચરીંગમાંથી થઈ નથી. ગાયિકા એડલે નવોદિત ગાયક તરીકે વર્લ્ડ ટૂર અને ગ્રેમી વિજેતા આલ્બમમાંથી ૧૨૫ મિલિ. પાઉન્ડની કમાણી કરી છે. જોકે રીચ લીસ્ટમાં ૩૦ ધનિકો દ્વારા ૧૦.૪ મિલિ. પાઉન્ડથી વધુ રકમ દાનમાં અપાઈ છે. પરંતુ આ દાતાઓના લિસ્ટમાં માત્ર ૧ એશિયનનો સમાવેશ થયો છે. આ નામ નાથન ક્રિશનું છે. જેમણે અત્યાર સુધી ૫૦૦,૦૦૦ પાઉન્ડનું દાન કર્યું છે.

આ યાદી બ્રિટનની અંદર જોખમ ખેડનારા લોકોની સંખ્યા અને તેમણે હાથમાં આવેલી તક ઝડપીને સામ્રાજયનું નિર્માણ કર્યું તેનું ઉદાહરણ છે. તેઓ પરિવર્તનનો તિરસ્કાર કરતા નથી પરંતુ તેના દ્વારા વિકાસ સાધે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter